- બનાવી લો ટ્રેડિશનલ સ્વીટ ડિશમાં ચુરમાના લાડુ
- ચટપટી ભેળની પણ કરી લો ફટાફટ તૈયારી
- લાડુ અને ભેળથી સાતમનો દિવસ રહેશે ખાસ
આવતીકાલે એટલે કે 5 સપ્ટેમ્બરે દેશભરમાં રાંધણ છઠ્ઠનો તહેવાર ઉજવાશે. આ દિવસે લોકો સાતમ માટે ઠંડું ખાવાનું બનાવી લેતા હોય છે અને પછી સાતમે રસોઈમાં રજા રાખવામાં આવે છે. જે ખાવાનું છઠ્ઠના દિવસે બનાવાયું હોય તે જ ખાવાનો રિવાજ છે. પણ જો તમે ખાવાના શોખીન છો તો તમે ચિંતા ન કરશો. તમે સાતમ માટે ટેસ્ટી અને સ્વીટ ડિશ એટલે કે ચુરમાના લાડુ બનાવી લો. આનાથી તમારી ગળ્યું ખાવાની ઈચ્છા સંતોષાશે અને સાથે જ ચટપટી ભેળની તૈયારી કરી લો. આ માટે તમે બટાકા બાફીને રાખી લો અને સાથે જ ભેળની પૂરી, સેવ, ચટણીઓ અને વઘારેલા મમરાની તૈયારી પહેલાથી કરી લો. તેનાથી તમારો દિવસ બની જશે અને પેટ પણ ભરાશે. તો જાણો કઈ રીતે બની જશે આ બંને વાનગીઓ ઘરે જ.
આ રીતે બનાવી લો ચુરમાના લાડુ
સામગ્રી
-2 કપ કકરો ઘઉંનો લોટ
-11/2 ઘી
-1/2 કપ બુરૂં ખાંડ
-1/4 ટી સ્પૂન એલચી પાઉડર
-1 કપ ખસખસ
-દૂધ જરૂર મુજબ
-પિસ્તા જરૂર મુજબ
રીત
સૌપ્રથમ એક બાઉલમાં લોટમાં અડધો કપ ઘી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. જરૂર મુજબ દૂધ ઉમેરી કણક તૈયાર કરો. હવે એ કણકમાંથી નાના લાડુ બનાવી લો. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરો, તેમાં બનાવેલા લાડુ સોનેરી થાય ત્યાં સુધી તળો. ત્યાર બાદ તેને કાઢી ઠંડા થવા બાજુ પર મૂકી દો. હવે લાડુનો ઝીણો ભૂકો કરી તેમાં એલચી પાઉડર અને બુરૂં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેના એકસરખા માપના લાડુ બનાવી લો. હવે ખસખસ અને પિસ્તાની કતરણ લાડુ ઉપર ભભરાવી સર્વ કરો.
આ રીતે તૈયાર કરો ટેસ્ટી ભેળ
સામગ્રી
– 500 ગ્રામ મમરા (વઘારેલા)
– 250 ગ્રામ કપ ભેળની સેવ
– 20 નંગ ભેળની પૂરી
– 1 ઝીણી સમારેલી ડુંગળી
– થોડી ઝીણી સમારેલી કોથમીર
– 1 ઝીણું સમારેલું બીટ
– 1 ઝીણું સમારેલું ટામેટું
– થોડા દાડમના દાણા
સર્વ કરવા માટે
– ખજુર આંબલીની ચટણી
– કોથમીરની ચટણી
– લસણની ચટણી
ગાર્નીશિંગ માટે
– નાયલોન સેવ
– ઝીણી સમારેલી ડુંગળી
– ઝીણી સમારેલી કોથમીર
– ઝીણું સમારેલું બીટ
– ઝીણું સમારેલું ટામેટું
ભેળ માટેની રીત
એક મોટા વાટકામાં મમરા, સેવ, ડુંગળી, કોથમીર, બીટ, ટામેટા, કેપ્સીકમ અને પલાળેલા શિંગદાણા ભેગા કરી હલાવી લો. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે ખજુર-આંબલીની ચટણી, કોથમીરની ચટણી અને લસણની ચટણી ઉમેરી બરોબર હલાવી લો. એક બાઉલમાં દબાવી ભરી લો. ત્યારબાદ તેને અનમોલ્ડ કરી તેની પર નાયલોન સેવ ભભરાવી દો. ઝીણી સમારેલી ડુંગળી, કોથમીર અને બીટ વડે ગાર્નીશ કરી તરત જ સર્વ કરો.
કોથમીર ફુદીનાની ચટણી માટે
સામગ્રી
– 1 કપ સમારેલી કોથમીર
– 1/2 કપ સમારેલી ફુદીનો
– 3 નંગ લીલા મરચા
– 1 નાનો ટુકડો આદુ
– સ્વાદ પ્રમાણે મીઠું
– 1/2 ટીસ્પૂન શેકેલા જીરાનો ભૂકો
– 1 ટીસ્પૂન દહીં
– 1 ટીસ્પૂન શેકેલી શિંગ નો ભૂકો
રીત
ચટણી માટેની બધી જ સામગ્રી લઇ મિક્સરમાં ક્રશ કરી લેવી.
ખજુર-આંબલીની ચટણી માટે
સામગ્રી
– 250 ગ્રામ ખજુર
– 100 ગ્રામ આંબલી
– 2 નંગ ટામેટા
– સ્વાદ પ્રમાણે મીઠું
– 2 ટીસ્પૂન લાલ મરચા નો પાવડર
– 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર
– 100 ગ્રામ ગોળ
ખજુર-આંબલીની ચટણીની રીત
સૌ પ્રથમ ખજુર અને આંબલીને ધોઈ બીયા કાઢી લો. ટામેટાને પણ ધોઈ, ટુકડા કરી કૂકરમાં એક વ્હીસલ વગાડી દો. ત્યારબાદ તેને ક્રશ કરી ગાળી લો અને પછી તેમાં જરૂર પુરતું પાણી ઉમેરી ગેસ પર ઉકાળવા મુકો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, જીરું પાવડર અને ગોળ ઉમેરી દો. ગોળ ઓગળે ત્યાં સુધી ઉકાળવા દો. ઠંડી પડે પછી ઉપયોગમાં લેવી.
લસણની લાલ ચટણી
સામગ્રી
– 10 કળી લસણ
– સ્વાદ પ્રમાણે મીઠું
– 3 ટીસ્પૂન લાલ મરચું પાવડર
– 2 ટીસ્પૂન તલ
લસણની લાલ ચટણીની રીત
ઉપરની બધી જ સામગ્રી ભેગી કરી ક્રશ કરી લો. પાણી બને તેટલું ઓછું નાંખો. ચટણી વાપરતી વખતે જરૂર પુરતું પાણી નાંખવું.