- લીંબુ અને ટામેટા કરશે મદદ
- લોટની મદદથી પણ થશે મીઠાનો સ્વાદ ઓછો
- કાચા બટેટા અને ભાત કરી દેશે તમારી હેલ્પ
રસોઈ બનાવવી એ રોજિંદી પ્રક્રિયા છે, પરંતુ આ કામ દરેક માટે સરળ નથી. રોજબરોજની ધમાલમાં ક્યારેક રસોઈમાં એવી નાની ભૂલો થાય છે જે તમારી મહેનત પર પાણી ફેરવી દે છે. ક્યારેક શાકમાં કે દાળમાં મસાલામાં જો મીઠું વધારે પડી જાય છે તો તેનાથી ભોજનનો સ્વાદ બગડી જાય છે. પણ જો તમે મીઠાનો ટેસ્ટ ઘટાડવા ઈચ્છો છો તો તમે ચિંતા ન કરો. રસોઈની કેટલીક વસ્તુઓ તમારી મદદ કરી શકે છે. પણ આ માટે શરત એટલી છે કે તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે કઈ વસ્તુનો ઉપયોગ કરીને તમારી ભૂલને સૂધારી શકો છો. તો જાણો આવી જ કેટલીક ખાસ ટિપ્સ.
ભોજનમાં વધુ પડતું મીઠું હોય તો શું કરવું?
1. લીંબુનો રસ કે વિનેગર
જો રસોઈમાં મીઠું વધારે હોય તો તેનો સ્વાદ ઓછો કરવા માટે તમે લીંબુનો રસ અથવા એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરી શકો છો, આ બંને ઉત્તમ વિકલ્પ છે. પ્રમાણસર રીતે તેનો ઉપયોગ કરશો તો તે રસોઈનો સ્વાદ સુધારી દેશે.
2. ટામેટા
ટામેટા એક એવું શાક છે જે લગભગ તમામ પ્રકારની વાનગીઓમાં મિક્સ કરી શકાય છે. ટામેટાથી ભોજનનો સ્વાદ બગડતો નથી, પણ વધુ સારો બને છે. આનાથી વધુ મીઠાની અસર પ્રમાણસર થઈ જશે. જો ઘરમાં ટામેટાં ન હોય તો તમે ટામેટાના સોસનો પણ ઉપયોગ કરી શકો છો.
3. બાંધેલો લોટ
તમે લોટનો નાનો લૂઓ કરી લો અને તેને 5 મિનિટ માટે દાળ કે શાકમાં મિક્સ કરી લો. તે તમામ વધારાનું મીઠું શોષી લેશે અને તમારી રસોઈ ફરીથી ટેસ્ટી બની જશે. જ્યારે ભોજન સર્વ કરો ત્યારે તેને બહાર કાઢી લો.
4. દૂધની બનાવટો
ખોરાકમાં દૂધની ઘણી બનાવટો ઉમેરવાથી તે ઓછી ખારી બને છે. જેમ કે ક્રીમ, રિકોટ પનીર અથવા ખાટું ક્રીમ વગેરે. આ સિવાય નારિયેળનું દૂધ પણ શ્રેષ્ઠ વિકલ્પ છે. ડેરી ઉત્પાદનોનો ઉપયોગ ફક્ત ત્યારે જ કરો કે તમને લાગે કે તે ખોરાકનો સ્વાદ બગાડશે નહીં.
5. કાચા બટેટા
બટાટાને ઘણી બધી શાકભાજી અને રેસિપી સાથે પણ મિક્સ કરી શકાય છે અને તેના કારણે ખાવાનો સ્વાદ બગડતો નથી. જ્યારે પણ કોઈ પણ ફૂડમાં મીઠું વધારે હોય તો તેમાં કાચા બટેટા નાખીને થોડી વાર ગેસ પર ચઢાવો. આમ કરવાથી બટાકા ઘણું મીઠું શોષી લેશે. આ પછી વાનગીઓ ખાવા યોગ્ય બનશે.
6. ભાત
જ્યારે દાળ અથવા ગ્રેવીની વાનગીઓમાં મીઠું વધારે હોય અને કોઈ ઉકેલ ન મળે તો ઘરમાં બનાવેલા રાંધેલા ભાતના બોલ બનાવો અને તેને થોડીવાર માટે રસોઈમાં રાખો. થોડી વાર પછી આ ભાતના બોલ ઘણું મીઠું શોષી લેશે અને રસોઈને પરફેક્ટ ટેસ્ટ મળી જશે.