- મકાઈથી બનાવી લો ટેસ્ટી ઢોકળા
- ચોમાસામાં મકાઈની વાનગી રહેશે બેસ્ટ
- તાજી મકાઈ વધારશે ઢોકળાનો સ્વાદ
ચોમાસામાં વરસતા વરસાદમાં મકાઈ ખાવાની તો કંઈક ઓર જ મજા છે, સાચુને? શેકેલો મકાઈનો ભુટ્ટો તો ખાવાની મજા તો આવે જ. આ સિવાય મકાઈની વાનગીઓ તો બાળકોથી માંડીને મોટેરાઓને પણ ખુબ પ્રિય હોય છે. વરસાદી માહોલમાં સ્વાદ રસિયાઓ મકાઈની વાનગીઓ પર તુટી પડતા હોય છો. તો જાણો મકાઈમાંથી સૌના પ્રિય એવા ટ્રેડિશનલ ઢોકળા બનાવવાની ખાસ રીત.
સ્વીટ કોર્ન ઢોકળા
સામગ્રી
-2 નંગ સ્વીટ કોર્ન
-1 કપ સોજી
-1 કપ દહીં
-3/4 નાની ચમચી મીઠું
-1 ઇંચનું આદું-પીસેલું
-1 નંગ લીંબુ
-3/4 નાની ચમચી ઈનો પાવડર
-2 થી 3 ટેબલ સ્પૂન તેલ
-1 નાની ચમચી રાઈ
-10 થી 12 લીમડાના પત્તા
-1 થી 2 કાપેલા લીલા મરચાં
-કોથમીર
રીત
સૌપ્રથમ દહીંને ફેંટીને સોજીનો લોટ તેમાં સારી રીતે મિક્સ કરી લો. સ્વીટ કોર્નને ક્રશ કરી તેનું ક્રીમ જેવું મિશ્રણ તૈયાર કરી લો. દહીં અને સોજીના મિશ્રણમાં સ્વીટ કોર્ન ક્રીમ, મીઠું અને આદુંની પેસ્ટ મિક્સ કરી લો. મિશ્રણમાં લીંબુનો રસ નીચોવી દો. બધી વસ્તુઓ સારી રીતે મિક્સ થઇ જાય એટલે પાંચ મિનિટ માટે રહેવા દો. ઢોકળા રાંધવા માટે એક એવું વાસણ લો જેની અંદર ઢોકળાની થાળી મૂકી શકો. વાસણમાં અઢી કપ પાણી નાંખી ગરમ કરો. પાણીમાં જાળીવાળું સ્ટેન્ડ મૂકો જેની ઉપર તમે ઢોકળાની થાળી મૂકી શકો. વાસણને ઢાંકી દો જેથી તેમાં ઝડપથી વરાળ બનવાની શરૂ થાય. બીજી તરફ થાળીમાં તેલ ચોપડી ચીકણી કરો. તેમાં તૈયાર કરેલું ઢોકળાંનું મિશ્રણ ઉમેરી દો. આ થાળીને વરાળે બાફવા માટે મૂકો. ઢોકળા બફાઈ જાય એટલે થાળી કાઢીને તેને કટ કરીને ગરમા-ગરમ સર્વ કરો.