ગુણ
ગુવારની શીંગો મધુર, રુક્ષ, શીતળ, પૌષ્ટિક, પિત્ત હરનાર છે. તેનું શાક પૌષ્ટિક ગણાય છે. સુંવાળી શીંગોવાળી ગુવાર શાકભાજીમાં મહત્ત્વનું સ્થાન ભોગવે છે. મોટાભાગના ઘરોમાં માખણિયા ગુવારની કળીનું શાક ખૂબ બને છે. તેના શાકમાં અજમો અને લસણ નાખવાથી તેનો ગુણ અને સ્વાદ બેઉ વધે છે. ગુવારફળીનું પોષણમૂલ્ય ફણસી જેટલું જ સમૃદ્ધ મનાય છે.
દોષ
ગુવારની શીંગો કફ કરનારી તેમજ વાયુકારક (વાયડી) છે. તેથી જેમને કફની સમસ્યા રહેતી હોય એવી વ્યક્તિઓએ ગુવારની શીંગો ખાવાનું ટાળવું જોઇએ.
આહારમાં ઉપયોગ વખતે લેવાની કાળજી
1. ગુવારની લીલી શીંગો બારેમાસ મળતી નથી. તેથી લીલી શીંગો ન મળે ત્યારે તેની સુકવણીનું શાક પણ બનાવી આહારમાં ઉપયોગ કરી શકાય છે.
2. ગુવારની પાકી શીંગોનું શાક વધારે પડતું ખાવામાં આવે તો ચક્કર આવે છે.
3. ધાવણા બાળકવાળી સ્ત્રીઓએ ગુવારફળીનું શાક ખાવું હિતાવહ નથી.
4. સગર્ભા બહેનો તેમજ વાયડી પ્રકૃતિવાળાઓએ તેનું શાક ખાવું હિતાવહ નથી.
ઔષધીય ગુણ
1. ગુવારનાં કૂણાં પાનનું શાક ખાવાથી રતાંધળાપણું મટે છે.
2. ગુવારનાં પાનનો રસ ઘા પર ચોપડવાથી ઘા પાકતો નથી અને જલદી રુઝાય છે.
3. ગુવારનાં પાનનો રસ અને લસણનો રસ એકત્ર કરી દાદર પર નિયમિત રીતે ચોપડવામાં આવે તો ફાયદો થાય છે.