- પ્રોટીન અને શાકથી ભરપૂર ઉત્તપમ રહેશે બેસ્ટ
- આ બ્રેકફાસ્ટ વજન વધારશે નહીં
- બાળકોથી માંડી મોટેરાંઓ માટે પરફેક્ટ નાસ્તો
નાસ્તામાં ઉત્તપમ ખાવાનું લોકોને પસંદ હોય છે. અનેક રીતે લોકો ઉત્તપમ બનાવી લેતા હોય છે, જેમકે રવાના, ડુંગળીના, ટામેટાના, ચોખાના લોટ સાથે અનેક શાક મિક્સ કરીને પણ બનાવી લેવાય છે. આ એક એવી ડિશ છે જેને તમે તમારી સુવિધા અનુસાર સામગ્રી ચેન્જ કરીને પરફેક્ટ અને હેલ્ધી નાસ્તો બનાવી શકો છો. પણ જો તમે ઉત્તપમને અલગ અને ટેસ્ટી બનાવવા ઈચ્છો છો તો તમે પાલક પનીર ઉત્તપમ બનાવી શકો છો. તેમાં પાલક અને પનીર હોવાથી તે હેલ્ધી અને પૌષ્ટિક સાબિત થઈ શકે છે. તે સરળતાથી પચી પણ જાય છે. આ સિવાય તેને ખાવાથી વજન વધતું નથી પણ તે વેટલોસમાં મદદ કરે છે. તો જાણો પ્રોટીનથી ભરપૂર પાલક પનીર ઉત્તપમ બનાવવાની રીત.
સામગ્રી
- 1 કપ પાલકની પ્યુરી
- 1/2 કપ દહીં
- 1 કપ રવો
- 1 પેકેટ ફ્રૂટ સોલ્ટ કે ઈનો
- 1/2 કપ પનીર
- 1/2 કપ ટામેટા
- 1/2 કપ બારીક સુધારેલી ડુંગળી
- 1-2 લીલા મરચા
- બારીક સુધારેલી કોથમીર
- મીઠું સ્વાદ અનુસાર
- શેકવા માટે તેલ
બનાવવાની રીત
સૌથી પહેલા ડુંગળી, ટામેટા, લીલા મરચા, કોથમીરને બારીક સુધારી લો. પનીરને મેશ કરીને અલગ રાખો. તમારી ટોપિંગને માટેની આ સામગ્રી છે. હવે એક બાઉલ લો અને તેમાં રવો કાઢો. તેમાં દહીં, પાલકની પ્યુરી અને મીઠું મિક્સ કરીને સારી રીતે હલાવી લો. થોડું પાણી ઉમેરીને બેટર તૈયાર કરો. ધ્યાન રાખો કે બેટર વધારે પાતળું ન બને. ટોપિંગને માટે અલગ બાઉલમાં જે સામગ્રી છે તેને પમ સારી રીતે મિક્સ કરી લો. તમે ઈચ્છો તો તેમાં તમારી પસંદ અનુસાર કોર્ન, શિમલા મરચા પણ ઉમેરી શકો છો.
હવે રવાના મિશ્રણમાં થોડો ઈનો અને પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરો. આમ કરવાથી મિશ્રણ પ્રોપર અને સોફ્ટ બનશે. હવે પેન લો અને ગેસ પર ગરમ કરો. તેમાં થોડું તેલ લગાવો. હવે એક ચમચાની મદદથી પેન પર મિશ્રણને ફેલાવો. તેની પર તૈયાર ટોપિંગની સામગ્રી ઉમેરો અને હાથથી પ્રેસ કરો. જ્યારે એક તરફથી ઉત્તપમ બની જાય તો અન્ય તરફ પ્રેસ કરો. તૈયાર છે ગરમ નાસ્તા માટે હેલ્ધી, ટેસ્ટી અને પૌષ્ટિક પાલક પનીર ઉત્તપમ. તમે તેને લંચ બોક્સમાં બાળકોને આપી શકો છો. આ સાથે તમે ચટણી સાથે પણ તેની મજા લઈ શકો છો.