- ટામેટાનું વિટામિન કે અને કેલ્શિયમ હાડકા માટે લાભદાયી
- કોપર અને મેગ્નેશિયમ મગજને રાખશે તંદુરસ્ત
- ઓલિવ ઓઈલથી બનાવેલો સૂપ વજન રાખશે કંટ્રોલમાં
ટામેટાનો સૂપ સામાન્ય રીતે લગ્ન કે પાર્ટીમાં જોવા મળે છે. પરંતુ હવે એવું નથી. અનેક લોકો સવારમાં ઘરે જ તેને તૈયાર કરી લેતા હોય છે. કેટલાક લોકો રેગ્યુલર ડાયટમાં પણ ટામેટાના સૂપનો ઉપયોગ કરે છે. આ સૂપ હેલ્ધી અને ટેસ્ટી હોવાની સાથે બનાવવામાં પણ સરળ હોય છે. જો તમે પણ હાડકા, મગજની તંદુરસ્તીની સાથે સાથે તમારા વજનને કંટ્રોલમાં રાખવા ઈચ્છો છો તો તમે ટામેટાના સૂપનો ઉપયોગ કરી શકો છો. તે હેલ્થ માટે લાભદાયી માનવામાં આવે છે. તો જાણો કેવી રીતે બનાવશો આ સૂપ અને કરશો ડેઈલી ડાયટમાં સામેલ.
સામગ્રી
- 4 નંગ ટામેટા
- 1/2 ટી સ્પૂન ખાંડ
- 1 ટેબલ સ્પૂન માખણ
- 1/2 ટી સ્પૂન કાળા મરીનો પાવડર
- 5 બ્રેડ ક્યુબ્સ
- 1/2 ટી સ્પૂન સિંધવ મીઠું
- 1 ટેબલ સ્પૂન મલાઈ કે ક્રીમ
- 1 ટેબલ સ્પૂન કોથમીર
- મીઠું સ્વાદ અનુસાર
આ રીતે બનાવો સૂપ
ટામેટાનો સૂપ બનાવવા માટે સૌથી પહેલા ટામેટાને ધોઈને મોટા ટુકડામાં સુધારી લો. એક વાસણમાં 2 કપ પાણી ઉમેરો અને તેને ધીમા ગેસ પર ગરમ કરો. હવે તેમાં ટામેટા ઉમેરો. 2-3 મિનિટમાં પાણી ઉકળવા લાગશે. તેને ટામેટા ચઢે ત્યાં સુધી ગરમ થવા દો. પછી ગેસની ફ્લેમ બંધ કરી લો. તમે ઈચ્છો તો ટામેટાને જલ્દી ચઢવવા માટે કૂકરમાં 1 કપ પાણી સાથે 2 સીટી લઈ શકો છો. હવે ટામેટાને કાઢી લો અને તેની છાલ ઉતારી લો. આ પછી ટામેટાના ટુકડાના પીસ કરો અને સાથે તેને મોટી ગળણીથી ગાળીને અલગ કરો. જો સૂપ વધારે ઘટ્ટ લાગે તો તમે જરૂર પ્રમાણે પાણી ઉમેરીને તેને પાતળો કરી લો. હવે મિડિયમ ગેસ પર ઉકાળો. એક ઉભરો આવે તો તેમાં સિંધવ મીઠું, માખણ, ખાંડ, મરીનો પાવડર, મીઠું ઉમેરી લો અને 10 મિનિટ ઉકાળો. હવે ગેસ બંધ કરો. ટેસ્ટી અને હેલ્ધી સૂપ બનીને તૈયાર છે. તમે તેની ઉપર કોથમીર કે બ્રેડ ક્યૂબ્સથી ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો.
ટામેટા આપે છે અનેક ફાયદા
ટામેટાનું વિટામિન કે અને કેલ્શિયમ હાડકા માટે લાભદાયી માનવામાં આવે છે. આ સાથે તેમાં રહેલું કોપર અને મેગ્નેશિયમ મગજને તંદુરસ્ત રાખશે. જો તમે ઓલિવ ઓઈલથી સૂપ બનાવશો તો તમારું વજન પણ કંટ્રોલમાં રહેશે.