12 મિનિટ પેહલા
- કૉપી લિંક
નિમેટા ગામ પાસે યુવાન અને યુવતીએ પડતું મૂક્યું
શહેર નજીક આજવા-નિમેટા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં વડોદરાના આજવા રોડ ઉપર આવેલી એકજ સોસાયટીમાં રહેતા યુવાન અને યુવતીએ પડતું મૂક્યું હતું. આ ઘટનામાં યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જ્યારે યુવતીને બચાવી લેવામાં આવી હતી. યુવતીને હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
યુવાન અને યુવતી શિક્ષીત
મળેલી માહિતી પ્રમાણે વડોદરાના આજવા રોડ ઉપર સરદાર એસ્ટેટ પાછળ આવેલી એ-21, શુભ-લક્ષ્મી સોસાયટીમાં રહેતા 22 વર્ષિય ઉમંગ ઉર્ફ આશુ રાજેશભાઇ હરીજન અને તેનીજ સોસાયટી વિસ્તારમાંજ રહેતી દિવ્યા (નામ બદલ્યું છે) એ આજે વડોદરા નજીક આજવા-નિમેટા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઉમંગ ઉર્ફ આશુ હરીજન ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતો હતો. જ્યારે દિવ્યા કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું.
લાશ્કરોએ યુવતીને બચાવી લીધી
લાશ્કરો અને તરવૈયાઓ દ્વારા શોધખોળ
કેનાલમાં એક યુવાન અને યુવતીએ સાથે પડતું મૂક્યું હોવાની જાણ સ્થાનિક લોકોને થતાં તુરતજ તરવૈયાઓ દોડી ગયા હતા. તે સાથે આ બનાવની જાણ દરજીપુરા ઇ.આર.સી.ના લાશ્કરોને થતાં મનુભાઇ રાઠોડ, ગણેશ પવાર, પરવેઝ મન્સુરી, નગીન રાઠવા, સત્યમ દવે અને ભક્તશરણ બારોટ સ્થળ પર દોડી ગયા હતા. દરમિયાન ફાયરના લાશ્કરોની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ કેનાલમાં પડતું મૂકનાર ઉમંગ ઉર્ફ આશુ અને દિવ્યાની શોધખોળ શરૂ કરી હતી.
લોકોના ટોળા ઉમટ્યા
વાઘોડિયા પોલીસે તપાસ શરૂ કરી
દરમિયાન દિવ્યા કેનાલના પાણીમાંથી મળી આવતા તેને બહાર કાઢી તુરતજ તેણે 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. જ્યારે થોડા સમય બાદ ઉમંગ ઉર્ફ આશુ હરીજનનો મૃતદેહ મળી આવ્યો હતો. બીજી બાજુ આ બનાવની જાણ વાઘોડિયા પોલીસને થતાં પોલીસ જવાન મહાવિરસિંહ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા. પોલીસે ઉમંગ ઉર્ફ આશુ હરીજનની લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. તે સાથે સારવાર લઇ રહેલી દિવ્યાની પણ પૂછપરછ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ઘનિષ્ઠ મિત્રતા હતી
જાણવા મળ્યા મુજબ ઉમંગ ઉર્ફ આશુ હરીજન અને દિવ્યા એકજ સોસાયટી વિસ્તારમાં રહેતા હોઇ, બંને વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હતી. આજે તેઓ વડોદરા નજીક નિમેટા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં જઇ આપઘાત કરવા માટે પડતું મૂકતા ચકચાર મચી ગઇ હતી. ગામ લોકોના ટોળા કેનાલ કિનારે ઉમટી પડ્યા હતા. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
.