જૂનાગઢ42 મિનિટ પેહલા
- કૉપી લિંક
જૂનાગઢના આઝાદ ચોક પાસે આવેલી સિવિલ હોસ્પિટલનું બિલ્ડિંગ જર્જરિત થઈ ગયા બાદ મજેવડી ગેટ પાસે સિવિલનું નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું. પાંચ વર્ષ પહેલા જ ત્યાં સિવિલ હોસ્પિટલ ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. તેમ છતાં જૂની સિવિલના બંધ કરાયેલા પીએમ રૂમ પાસે એક રૂમમાં વિસેરાઓ પડ્યા રહેતા સવાલો ઉઠ્યા છે. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખે આ મામલે હોસ્પિટલ તંત્ર પર પ્રહારો કર્યા હતા. તો હોસ્પિટલ તંત્રએ કહ્યું હતું કે, તેમના દ્વારા પોલીસને જાણ કરી દેવામાં આવી હતી પરંતુ, પોલીસ કોઈ કારણોસર આ વિસેરા લેવા આવી નથી.
આપના શહેર પ્રમુખે કહ્યું- ‘શહેરની વચ્ચે આ જીવતા બોમ્બ સમાન રૂમ’
જૂનાગઢ સિવિલમાં આ ગંભીર બેદરકારી મામલે આપ શહેર પ્રમુખ તુષાર સોજિત્રાને જાણ થતા તે જૂની સિવિલના પીએમ રૂમ પાસે આવેલા રૂમ પર પહોંચ્યા હતા. ત્યારે અહીં મોટી સંખ્યામાં કાચની બરણીઓમાં વિસેરાઓ રાખેલા જોવા મળ્યા હતા. સોજિત્રાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, જો આ વિસેરા જરુરી છે તો તેની વ્યવસ્થિત કાળજી રાખવી જોઈએ અને જો હવે તેનું કામ નથી તો તેનો નાશ કરી દેવો જોઈએ. તુષાર સોજિત્રાએ જૂની સિવિલના આ રૂમને શહેરમાં જીવતા બોમ્બ સમાન ગણાવ્યો હતો.
શું કહી રહ્યા છે સિવિલના CDMO?
જૂનાગઢ સિવિલના CDMO ડો. પાલાએ જણાવ્યું હતું કે, જૂની સિવિલમાં રૂમમાં જે છે તે વિસેરાઓ છે. તે 15 થી 20 વર્ષ જૂના છે. અમે જ્યારે નવી બિલ્ડિંગમાં શિફ્ટ થયા ત્યારે પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી. પરંતુ, તેને જરુર નહીં હોય તો નહીં લઈ ગયા હોય. હવે અમે અહીં લાવીએ છીએ અને પોલીસ ડીપાર્ટમેન્ટને સુપરત કરી દઈશું.
આપના શહેર પ્રમુખ તુષાર સોજિત્રા
શંકાસ્પદ મોતની તપાસ માટે વિસેરા લેવાતા હોય છે
જૂનાગઢ જિલ્લામાં બનતી શંકાસ્પદ મોતની ઘટના સમયે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પીએમ દરમિયાન વિસેરા લેવામાં આવતા હોય છે અને તેની તપાસ કરી કારણ જાણવામાં આવતું હોય છે. આ રીતે જ અહીં સિવિલ હોસ્પિટલમાં ભેગા થયેલા આ વિસેરાના સેમ્પલ હોવાનું જાણવા મળ્યું છે.
જૂનાગઢ સિવિલ તંત્રએ પોલીસની વાત કરી જવાબદારી ખંખેરવાનો પ્રયાસ કર્યા બાદ અમે પોલીસનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, પોલીસ તંત્રનો પક્ષ જાણી શકાયો ન હતો.