રાજકોટ3 મિનિટ પેહલા
- કૉપી લિંક
સારંગપુરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીનાં દાસ તરીકે દર્શાવવામાં આવતા દેશભરનાં સનાતન હિંદુઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે, ત્યારે આ મુદ્દે હવે રાજકોટ વિવિધ સમાજના મેદાને આવ્યો છે અને સમગ્ર મામલે તારીખ 5 સપ્ટેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આ સમયગાળા દરમિયાન વિવાદાસ્પદ પ્રતિમાઓ હટાવી લેવામાં નહીં આવે તો સાળંગપુરમાં જઈને વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તેમજ કરણી સેના સહિતના અન્ય સંગઠનોનાં આગેવાનોએ પણ આ અંગે વિરોધ નોંધાવ્યો છે. તો બીજી તરફ ગૃહમંત્રી અને સરકાર સમગ્ર મામલે કડક પગલાં લે તેવી માંગ કરવામાં આવી છે.
સાળંગપુર મામલે વિવાદ વકર્યો
સાળંગપુરની કડક શબ્દોમાં નિંદા
બ્રહ્મ સમાજના આગેવાન મિલન શુક્લએ જણાવ્યું હતું કે, સાળંગપુરમાં જે કૃત્ય કરવામાં આવ્યું છે તેની કડક શબ્દોમાં નિંદા કરું છું. અવારનવાર સનાતન ધર્મને નીચો બતાવવાનાં આવા કૃત્યો એક સંપ્રદાય દ્વારા થઈ રહ્યા છે. અગાઉ પણ આવા મુદ્દે આનંદસાગર સ્વામી સામે મેં ફરિયાદ નોંધાવી હતી. આ સંપ્રદાયની પુસ્તિકાઓમાં પણ હિંદુ દેવી-દેવતાઓને નીચા બતાવવા પ્રયાસો થતા હોય છે. આગામી તારીખ 5 સુધીમાં આ ચિત્રોને દૂર નહીં કરવામાં આવે તો વિવિધ હિંદુ સંગઠનોને સાથે રાખીને સાળંગપુર મંદિર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
સંસ્થાનું ઉંચુ બતાવવા હનુમાનજીનું અપમાન
કરણી સેનાનાં સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હલકી માનસિકતા વાળા લોકો જ પોતાની સંસ્થા કે સંગઠનને ઉંચુ બતાવવા માટે હિંદુ સમાજનાં પૂજનીય હનુમાનજીનું અપમાન કરે છે. હનુમાનજી ભગવાન શિવ એટલે કે, રુદ્રનો અવતાર ગણાય છે, ત્યારે તેમને કોઈના દાસ ગણાવવા એ તદ્દન ખોટી વાત છે. રાજપૂત કરણીસેના કે રાજપૂત સમાજ આ વાતને સાંખી લેશે નહીં. સમગ્ર હિંદુ સમાજે જાગૃત થઈને આ મામલે આગળ આવવાની અપીલ પણ તેમણે કરી હતી.
ચિત્રો દૂર કરવામાં નહીં આવે તો વિરોધ
“ભાજપનાં કોઈ નેતા શા માટે આગળ આવતા નથી?”
ક્ષત્રિય સમાજનાં અગ્રણી રાજવીરસિંહ વાળાએ જણાવ્યુ હતું કે, આ વિવાદ અંગે હું ગૃહમંત્રી હર્ષ સંઘવીને કાર્યવાહી કરવા અપીલ કરું છું. અવારનવાર હિંદુ સંગઠનનાં આગેવાનોએ જ લોકોને જાગૃત કરવા? હનુમાનજી સાથે ગૃહમંત્રીને કાઈ લેવા-દેવા નથી? આ સ્વામિનારાયણ સંપ્રદાય પોલિટિકલ લેવલે મત લેવા માટે જ ચાલે છે. આટલા દિવસોથી ચાલી રહેલા આ વિવાદ અંગે ભાજપનાં કોઈ નેતા શા માટે આગળ આવતા નથી?, ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીને અપીલ છે કે, આ મામલે કડક કાર્યવાહી કરે. હું સ્વામિનારાયણ સંપ્રદાય વિશે કાંઈ કહેવા માંગતો નથી, પરંતુ કેટલાક લોકો તેની વિકૃત માનસિકતાનાં કારણે આવા કૃત્યો કરે છે. જેને રોકવા માટે સરકારે પગલાં લેવા જરૂરી છે.
ક્ષત્રિય સમાજનાં અગ્રણી રાજવીરસિંહ વાળા
હનુમાનજીનું અપમાન
ઉલ્લેખનીય છે કે, વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિ નિમિતે ‘સાળંગપુર કા રાજા’ તરીકે હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિ નીચે પથ્થર કોતરણથી અલગ-અલગ આકૃતિ બનાવવામાં આવી છે. જેમાં હનુમાનજીને ઉત્તરપ્રદેશનાં છાપૈયા ગામના ઘનશ્યામ પંડ્યા ઉર્ફ સહજાનંદ સ્વામી ઉર્ફે નિલકંઠવર્ણી સામે હાથ જોડીને દાસ દર્શાવવામાં આવ્યા છે. જેને લઈને સનાતન હિંદુ સમાજમાં ભારે રોષ જોવાઈ રહ્યો છે. આ અંગેની તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા સનાતન ધર્મનાં આગેવાનો આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. અને ઠેર-ઠેર રોષની લાગણી જોવા મળી રહી છે.
.