8 મિનિટ પેહલા
- કૉપી લિંક
કંડલા પોર્ટ પર ટળી મોટી દુર્ઘટના
બંદર કંડલા ખાતે આવેલા જહાજમાં અનલોડિંગ માટે ક્રેનની મદદથી હાઈડ્રાને જહાજની અંદર ઉતારતી વખતે મોટી દુર્ઘટના ટળી હતી.M.V. કોપનહેગન ઈગલ નામનું જહાજ કંડલા પોર્ટની જેટી નંબર છ ખાતે બર્થ થયું હતું. ત્યાર બાદ જહાજમાં રહેલા માલસામાનના અનલોડિંગ માટે પોર્ટ સ્થિત મહાકાય ક્રેન દ્વારા બેલ્ટ બાંધી હાઈડ્રા મશીનને જહાજની અંદર લઈ જવાની કામગીરી શરૂ કરાઈ હતી. એ દરમિયાન બેલ્ટ તૂટી જતાં હાઈડ્રા ક્રેન પટકાયું હતું, જોકે સદનસીબે એ સમયે જેટી પર કોઈ હાજર નહોતા, આથી મોટી જાનહાનિ ટળી હતી. હાઇડ્રા ક્રેનમાં રહેલા ક્રેન-ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.આ અંગે દિન્યાય પોર્ટ ઓથોરિટીના PRO ઓમ પ્રકાશ દદલાનીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે મહાબંદર કંડલા ખાતે છ નંબર જેટી પર આવેલા જહાજમાં અનલોડિંગ માટે ક્રેનની મદદથી હાઈડ્રાને જહાજની અંદર ઉતારતી વખતે મોટી ઘટના બની હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પે એન્ડ પાર્ક સુવિધાનો વેપારીઓએ કર્યો વિરોધ
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બાપુનગર ભીડભંજન રોડ પર પે એન્ડ પાર્ક શરૂ કરવામાં આવતા સ્થાનિક વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભીડભંજન રોડ જે પૂર્વ વિસ્તારના બાપુનગરનો સૌથી વ્યસ્ત રોડ ગણાય છે. આ રોડ ઉપર ટ્રાફિક પણ વધુ થતો હોય છે, ત્યારે ત્યાં ઓન રોડ પે એન્ડ પાર્કિંગ શરૂ કરવામાં આવતા આજે વેપારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. ભીડભંજન રોડ ઉપર આશરે 200થી વધુ દુકાનો આવેલી છે. તમામ દુકાનના વેપારીઓએ દુકાનો બંધ રાખી અને વિરોધ પ્રદર્શન કર્યું છે. વેપારીઓનો આક્ષેપ છે કે આ રોડ સૌથી ટ્રાફિક વાળો રોડ છે અને ત્યાં રોડ ઉપર જ જો વાહન પાર્કિંગ કરાવવામાં આવશે તો વધારે ટ્રાફિક થશે. રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા પહેલેથી જ છે અને અહીંયા પે એન્ડ પાર્કિંગ શરૂ કરવામાં આવે તો તેના કારણે વેપારીઓ અને નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.બાપુનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર અશ્વિન પેથાણીએ જણાવ્યું હતું કે, ભીડભંજન હનુમાન મંદિર રોડ ઉપર ઓન રોડ પે એન્ડ પાર્કિંગ માટેનું અગાઉ ટેન્ડર આવ્યું હતું. તે જ સમયે મેં અધિકારીઓને જાણ કરી હતી કે આ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા વધુ રહે છે અને અહીંયા જો પે એન્ડ પાર્કિંગ કરવામાં આવશે તો વધારે ટ્રાફિકની સમસ્યા થશે અને લોકોનો વિરોધ થશે. તેમ છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરી અને પે એન્ડ પાર્કિંગ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ સમસ્યા ઉભી થઈ છે.
VIP દર્શનનો મામલો પેચીદો બન્યો
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયના આગળ બેસી દર્શનના ચાર્જ વસૂલવા મામલે વિરોધના વંટોળના સૂરો ઉઠ્યા છે. આ નિર્ણયનો મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે. આ વચ્ચે કેટલાક ભક્તજનોમા તો સ્પષ્ટ નારાજગી જોવા મળી રહી છે. આજે આ મામલે હિન્દુ સંગઠનો અને આસપાસના ગામના સરપંચોએ મંદિર પ્રશાસને લેખીત રજૂઆત કરી આ નિર્ણય પાછો ખેંચવા અપીલ કરી છે અને આમ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાતના ડાકોર ખાતે આવેલ અને ગુજરાતનું મીની દ્વારકા તરીકે ઓળખાતું રણછોડરાયજીની મંદિરમાં દર્શનનો મામલો પેચીદો બન્યો છે. ખાસ ભગવાનના નજદીક પહોંચી દર્શન કરવા હોય તો અને મહિલાઓની જાળીમાંથી ભગવાનના દર્શન કરવા હોય તો તે માટે ચાર્જ લેવાની જાહેરાત મંદિર પ્રશાસન દ્વારા કરાઈ હતી અને આ મુજબ દર્શન પણ ખુલ્લા મુકવામાં આવ્યા હતા. ગુરૂવારથી જ આ સેવા ચાલુ કરાઈ હતી. જે બાદ આ નિર્ણયનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. મોટેભાગે ભક્તોએ આ નિર્ણયથી નારાજગી દર્શાવી હતી.
કોર્ટે આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
પોલીસ વિભાગમાં લોક રક્ષક તરીકે ભરતીના નકલી નિમણૂક પત્રો બનાવીને નાણા પડાવવાના કૌભાંડમાં ક્રાઇમ બ્રાંચે કોલર ચોટીલાની યુવતી, તેના ભાઇ અને બે દલાલોના કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. યુવતી સીમાએ પોતે નાણા વહિવટ વિશે અજાણ હોવાનું અને તેના જ સગાભાઇ આરોપી સાગરે જે મુજબ લિસ્ટ આપ્યું તે પ્રમાણે કોલ કરતી હતીનું રટણ કર્યું હતું. તેમજ ભાઈ સાગરે જ નાણાંની લાલચે બહેનને ફેક કોલ લેટર કૌભાંડમાં ફસાવી હોવાનું સામે આવ્યું છે. જોકે, યુવતી પાસેથી 29 લોકોના નામના બોગસ કોલ લેટર લિસ્ટ નંબરોની યાદી મળી આવી હતી. ત્યારે હવે સૂત્રો અનુસાર જેણે આવા બોગસ કોલ લેટર બનાવડાવી ભરતી થવા માટેનું કારસ્તાન કર્યું છે. તે તમામની પણ આગામી દિવસોમાં ધરપકડ કરવામાં આવી શકે છેરાજકોટ પોલીસ હેડ કવાર્ટરમાં LRDના બોગસ કોલ લેટર સાથે હાજર થવા આવેલા જસદણ શિવરાજપુરના પ્રદીપ ભરતભાઈ મકવાણા રંગે હાથ પકડાયા બાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. ક્રાઇમ બ્રાંચે પ્રદીપ તેના પિતા તેમજ વચેટિયા પ્રદિપના માસા જસદણ બરવાળાના ભાવેશ ગોબર ચાવડા અને બાલા ચાવડાની ધરપકડ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પ્રદીપ સહિતનાની પૂછતાછ આધારે બે દિવસ પહેલા ગુરૂવારે સીમા સવસી સાકરિયા સીમાના ભાઈ સાગર તેમજ બે એજન્ટ ધીરૂ ગોવિંદ ખોરાણી, રમેશ દેવશી ઓડકિયાની ક્રાઇમ બ્રાંચ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા ચારેયને છ દિવસના રીમાન્ડ પર સોંપાયા છે.
યુવતી પાસેથી 29 લોકોના નંબરની યાદી મળી આરોપી લેડી કોલર સીમા પાસેથી 29 લોકોના નામના બોગસ કોલ લેટર લિસ્ટ નંબરોની યાદી મળી આવી હતી. સીમાનો ભાઈ સાગર ચોટીલામાં સ્ટેશનરીની દુકાનમાં નોકરી કરતો હતો. તેને બન્ને એજન્ટે નાણાં કમાવવા હોય તો લિસ્ટ મુજબ કોલ કરજે તો માથાદીઠ આવક થશેની લાલચ આપી હતી. સાગરે કોલ કરવા માટે તેની બહેન સીમાને તૈયાર કરી સીમાને 29 બોગસ ઉમેદવારોની યાદી અને નંબરનું લિસ્ટ સોંપ્યું હતું. જે મુજબ સીમા આ તમામ લોકોને વારાફરતી કોલ કરીને નોકરી માટે શહેર, જિલ્લામાં પોલીસ મથકે હાજર થવા માટેનું કહેતી હતી.
સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહીં
ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરો જઈ રહ્યો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 85 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતમાં એક પણ સિસ્ટમ સક્રિય નથી. જેને કારણે ભારે વરસાદની કોઈ સંભાવના નથી. નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે, ગુજરાતના હવામાન વિશે વાત કરીએ તો આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. જેમાં નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણનો સમાવેશ થાય છે. બાદમાં અહીં પણ વરસાદની સંભાવના ઓછી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી.વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત પર હાલ એક પણ સિસ્ટમ સક્રિય નથી એટલે આ મહિનામાં વરસાદની ઘટ રહેશે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનમાં વધઘટ થઈ શકે છે. અલ નિનોને કારણે વાતાવરણ સુકુ જોવા મળી રહ્યું છે. અલ નિનોને કારણે વરસાદમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
બ
વિદેશમાં રૂ.35 હજાર કરોડની વિદેશી એન્ટીક ખુરશી માટે સોદો કર્યો હોવાનું જણાવીને પાટણ ખાતે 4 વર્ષ અગાઉ ડીસાના એક વેપારી સાથે રૂપિયા 5.67 કરોડ ઉપરાંતની છેતરપિંડી કરવાની ઘટનામાં આખરે પાટણ શહેર પોલીસ સ્ટેશનમાં શહેરના કાકા ભત્રીજા અને ધાનેરાના ધાખા અને ડીસાના ટેટોડાના મળી 4 શખ્સો સામે શુક્રવારે ફરિયાદ દાખલ થઇ હતી. આ કેસમાં SOGએ બે આરોપીઓને પાટણથી ઝડપી પડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની વિગતે વાત કરીએ તો ડીસા ખાતે ગાયત્રી મંદિર પાછળ આવેલી રામનગર સોસાયટીમાં રહેતા અને ગંજ બજારમાં દુકાન ધરાવતા ત્રિકમાજી ગમજીજી બારોટ વેપારીઓને બારદાન પુરા પાડવાનો ધંધો કરે છે. તેમની દુકાનની બાજુમાં તેમના મામાની દુકાન આવેલી છે, તેમના ત્યાં ગાજરીપરા ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષક ઉત્તમભાઈ ઇશ્વરભાઇ ચૌધરી ટેટોડા તા.ડીસા અને તેનો મિત્ર આંબાભાઇ દાનાભાઇ પાત્રોડ ધાખા તા.ધાનેરા અવારનવાર આવતા હોવાથી તેમને પણ પરિચય થયો હતો.
ગત 12 જૂન 2018ના રોજ ઉત્તમભાઈ અને આંબાભાઈ ત્રિકમાજીને મળ્યા હતા અને તેમને પાટણની મોટી વ્યક્તિ સલીમભાઈ ફારુકી સાથે ઓળખાણ છે અને તેને વિદેશમાં મોટા બિઝનેસ ચાલે છે તેમાં અમે ભાગીદારી કરી છે, જેમાં રોકાણ કરવા માટે અમારી પાસે હાલ પૈસા ન હોવાથી વિદેશનો ધંધો રોકાયો છે તેમ કહીં ઉછીના રૂપિયા માંગ્યા હતા. બેંકના વ્યાજ કરતા વધુ નફા સાથે પરત કરવાની ખાતરી આપી હતી. બે દિવસ પછી તેઓએ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ નામનો લેટર બતાવ્યો હતો.
જેના મુજબ તેમને સ્વીત્ઝર્લેન્ડ પેમેન્ટ ટ્રાન્સફર કરવા અધિકારીઓની નિમણૂક કરાયેલ છે તેમ જણાવી પાટણ ખાતે લાવી રેલવે ફાટક પાસે આવેલ સર્કિટ હાઉસના ગેટની બાજુમાં મકાનમાં મહમદ સલીમ અને તેના ભત્રીજા જાફર સાથે વાતચીત કરાવી હતી. તેમાં વિશ્વાસ બેસતા રૂપિયા 5 લાખ રોકડા અને બીજા 5 લાખ આંગડિયા મારફતે અમદાવાદ મોકલી આપ્યા હતા. આ પછી દર બે ત્રણ દિવસે પૈસા આપ્યા હતા. બે માસ પછી ત્રિકમજીએ તેમના નાણાની ઉઘરાણી ઉત્તમભાઈ અને આંબાભાઇ પાસે કરતા તેઓને પાટણ ખાતે સલીમ પાસે લઈ આવ્યા હતા. જ્યાં સલીમ અને તેના ભત્રીજાએ ઉશ્કેરાઈ આ ધંધામાં મારી સાથે મોટા અધિકારી પણ છે અને તેમની સાથે મારે સારા સંબંધો છે એટલે તમે મારું કંઈ બગાડી શકવાના નથી અને ખોટી દલીલ કરી તો તમે તકલીફમાં મુકાઈ જશો તેવી ધમકી આપી હતી.
ત્યારબાદ ત્રિકમાજીને આ લોકો પર શંકા થતા તેમણે સેન્ટ્રલ બેન્ક, મંત્રાલય, વિદેશી બેંકના લેટરપેડ અને એન્ટિક વસ્તુના દસ્તાવેજ સોશિયલ મીડિયાના માધ્યમથી આપ્યા હોય સંબંધીઓ સાથે સ્થાનિક બેંકમાં જઈને તપાસ કરતા આ તમામ દસ્તાવેજો બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. તેમની સાથે છેતરપિંડી થયાનું જણાતા 11 જુલાઈ 2022ના રોજ ઉત્તમ ચૌધરીને મળતા તેણે કાગળ ઉપર વ્યાજ સાથે રૂ. 6 કરોડ બે મહિનામાં પરત આપવાની બાંહેધરી આપી હતી. નોટરી સમક્ષ એફિડેવિટ કબૂલાતનામું લખી આપ્યું હતું. બે મહિનાનો સમય પૂરો થતાં ઉઘરાણી માટે ફોન કરતા તેમના ફોન રિસીવ થયા ન હતા અને રૂબરૂ મળવા જતા હવે ઉઘરાણી કરતા નહીં તમારા રૂપિયા સલીમ ફારુકી લઈ ગયો છે અને મારી પાસે ઉઘરાણી આવશો તો જીવ બચાવવો કાઠો થઈ જશે તેવી ધમકી આપી હતી.
જેને પગલે તેમણે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે મહંમદ સલીમ કાલુમિયા ફારુકી (રહે.મન્નત બંગલો, ખાન સરોવર રોડ, પાટણ), ઉત્તમભાઈ ઇશ્વરભાઇ ચૌધરી (રહે.ટેટોડા તા.ડીસા), આંબાભાઈ દાનાભાઈ પાતરોડ (રહે.ધાખા તા.ધાનેરા) અને મહંમદ સલીમ ફરુકીનો ભત્રીજો જાફરભાઈ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે આઈપીસી અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો
.