- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- Visit Of MLA, SP And Collector In Merwadar, Rajkot; Shops Were Opened After 3 Days Of Closure After Being Assured Of Strict Action
રાજકોટ6 કલાક પેહલા
- કૉપી લિંક
રાજકોટ જિલ્લાનાં ઉપલેટા તાલુકાનાં મેરવદર ગામમાં બૂટલેગરોનાં આતંકની ઘટના સામે આવી હતી. જેમાં એક વ્યક્તિ બૂટલેગરોનાં હુમલાથી ઘાયલ થતા સમગ્ર ગ્રામજનોએ ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપી અચોક્કસ મુદ્દત બંધનું એલાન કર્યું હતું. જેને લઈને તંત્ર દોડતું થયું છે. આજે સતત ત્રીજા દિવસે ગ્રામજનોએ સજ્જડ બંધ પાળતા રાજકોટ SP, કલેક્ટર અને MLA મેરવદર ગામે પહોંચ્યા હતા અને ગ્રામજનોની મુલાકાત લઈ કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. ત્યારબાદ ગ્રામજનો દ્વારા દુકાનો ખોલવામાં આવી હતી. જોકે આ છતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
10 ઓગસ્ટે રાત્રે મારામારીની ઘટના બની
પ્રાપ્ત વિગત મુજબ ઉપલેટા તાલુકાના મેરવદર ગામે ગત 10 ઓગસ્ટના રોજ રાત્રિના મારામારીની ઘટના બની છે. આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચાડતા તેમને પ્રથમ ઉપલેટા ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેની હાલત ખૂબ જ ગંભીર જણાતા, તેમને વધુ સારવાર અર્થે રાજકોટમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં બૂટલેગરોનો આતંક હોવાની બાબત સામે આવતા રોષે ભરાયેલા ગ્રામજનોએ ઉપલેટા મામલતદારને આવેદન પાઠવી ગામને અચોક્કસ મુદત માટે બંધનું એલાન પણ આપ્યું હતું. જેને લઈને આજે જિલ્લા કલેક્ટર અને SP સહિતના અધિકારીઓ તેમજ સ્થાનિક ધારાસભ્યએ પણ ગ્રામજનો સાથે મુલાકાત લઈ કડક કાર્યવાહીની ખાતરી આપી હતી. જેને લઈને ગ્રામજનો દ્વારા ધંધા રોજગાર શરૂ કરવામાં આવ્યા હતા.
અધિકારીઓની મુલાકાત છતાં ગ્રામજનોમાં હજુ અસંતોષ
જોકે, મેરવદર ગામે બનેલી ઘટના બાદ અધિકારીઓની મુલાકાતને લઈને ગ્રામજનોમાં હજુ અસંતોષ યથાવત જોવા મળી રહ્યો છે. કારણ કે, જે ઘટના બની છે તે ઘટનાને લઈને ચર્ચા કરવામાં આવી નથી. અને બીજા મુદ્દાઓને લઈને ચર્ચાઓ શરૂ કરી મુદ્દો ડાયવર્ટ કરવામાં આવ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. આ સાથે જ જે ઘટના બની છે અને જે કારણથી ઘટના બની છે તે બાદ એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
લેખિત અને મૌખિક રજૂઆત
ઉપલેટા તાલુકાના મેરવદર ગામે જે પ્રકારે ઘટના બની છે, તેમાં સમસ્ત ગ્રામજનો બૂટલેગરોના આતંકની વાતનું રટણ કરે છે અને તેમના જ લીધે લોકો પર હુમલાઓ થાય છે અને સાથે પોલીસ પણ તેમની સાથે મળેલ છે, તે સ્પષ્ટ રીતે રાવ કરી રહ્યા છે. આ મામલે લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. જેમાં ઘટના બાદ ઉપલેટા મામલતદારને પણ આવેદનપત્ર પાઠવ્યું હતું. પરંતુ આ વાતનો ફરિયાદમાં ઉલ્લેખ નહીં હોવાથી ગ્રામજનોમાં અસંતોષ છે. અને ચોક્કસ કાર્યવાહી નહીં થાય તો ફરી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની તૈયારી ગામના સરપંચ મનસુખભાઈ કથીરિયાએ દર્શાવી છે.
ઝઘડાનું કારણ પોલીસ અને લોકો અલગ-અલગ માને છે
સરપંચ મનસુખભાઇ કથીરિયાનાં જણાવ્યા પ્રમાણે ભૂતકાળમાં પોતાના દ્વારા દારૂબંધી અંગેની જ લેખિત અને મૌખિક રજૂઆત સ્થાનિક ભાયાવદર પોલીસ અને રાજકોટ જિલ્લા પોલીસવાળાને કરવામાં આવી છે, છતાં કાર્યવાહી થતી નથી. અને આ ઘટનામાં પણ પોલીસે દ્વારા અહીંયા દારૂનો મુદ્દો નહીં પણ પટેલ સમાજનો મુદ્દો હોવાના લીધે અહીં માથાકૂટ થઈ હોય એવું જણાવાઈ રહ્યું છે. એકતરફ ગ્રામજનો એકત્ર થઈને એવું જણાવે છે કે અહીં બૂટલેગરોનો આતંક હોવાની બાબતે માથાકૂટ થઈ છે. બીજીતરફ અધિકારીઓ જમીન વિવાદ અને સમાજના વિવાદને લઈને માથાકૂટ થઈ હોવાનું રટણ કરે છે.
ગ્રામજનો ભારે દ્વિધામાં
ત્યારે સવાલ એ થાય છે કે અહીં ગ્રામજનો સત્ય બોલે છે કે પછી અધિકારીઓ ધમપછાડા કરી આ મામલાને દબાવવાનો પ્રયત્ન કરે છે. હાલ ગ્રામજનોમાં આ મુદ્દે ચર્ચાનો દોર શરૂ થયો છે. અને અધિકારીઓની તેમજ રાજનેતાઓની મુલાકાત બાદ ગ્રામજનોમાં અસંતોષ યથાવત હોવાનું પણ ગ્રામજનો અને સરપંચ જણાવી રહ્યા છે. ત્યારે આ મુલાકાત બાદ પણ ગ્રામજનો ભારે દ્વિધામાં છે. અને આગામી દિવસોમાં ફરી આંદોલનની શક્યતા નકારી શકાય તેમ નથી.
.