અમદાવાદ42 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમદાવાદમાં નવી બનતી બાંધકામ સાઈટો પર ચણતર ફી, ટ્રી પ્લાન્ટેશન ડિપોઝીટ અને બિલ્ડીંગ રીમુવલ મટીરીયલ ચાર્જમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરિપત્ર કરી અને નવો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જે મુજબ હવે જે પણ બિલ્ડર દ્વારા વિકાસ પરવાનગી લેતી વખતે અરજી કરવામાં આવશે તેમાં નવા દરો મુજબ હવે ચાર્જ લેવામાં આવશે.
ચકાસણી બાદ ડિપોઝીટની રકમ પરત મળશે
શહેરમાં કોઈપણ કોમર્શિયલ કે રેસીડેન્સીયલ બિલ્ડીંગ બાંધતી વખતે બીયુ પરમિશન લેવાની હોય છે. જેની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ્યારે અરજી કરવામાં આવે છે ત્યારે વિવિધ પ્રકારની ફી ભરવાની હોય છે. જેમાં ચણતર ફી, ટ્રી પ્લાન્ટેશન ડિપોઝિટ તેમજ બિલ્ડીંગ મટીરીયલ રીમુવ ચાર્જ લેવામાં આવતો હોય છે. હવેથી આ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો. હવે બીયુ પરમીશન વખતે પરકોલેટિંગ વેલ ડિપોઝીટ પેટે રુ.75 હજાર ભરવા પડશે. પરકોલેટિંલ કાર્યરત છે કે નહીં? તેની ચકાસણી બાદ ડિપોઝીટની રકમ પરત મળશે.
200 ચો.મી.ના મકાનમાં પાંચ વૃક્ષો વાવવાનો નિયમ
જ્યારે ટ્રી પ્લાન્ટેશન ડીપોઝીટની રકમમાં અઢીથી ત્રણ ગણો વધારો ઝીંકાયો છે. ચણતર ફી અને બિલ્ડીંગ રિમૂવલ મટીરીયલ ચાર્જમાં પણ ત્રણથી ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે. ચણતર ફી પ્રતિ ચો.મી. 20 રૂપિયા હતી. જેમાં રહેણાંક રૂ. 40 અને બિન રહેણાકમાં રૂ. 60 કરવામાં આવી છે. બિલ્ડીંગ મટીરીયલ રીમુવલ ચાર્જ પ્રતિ ચો.મી. 10 રૂપિયા હતો. તેમાં વધારો કરી રૂ.20 કરાયો છે. પ્રતિ 200 ચો.મી.ના મકાનમાં પાંચ વૃક્ષો વાવવાનો નિયમ કરાયો છે. ટ્રી પ્લાન્ટેશનમાં રેસીડેન્શિયલમાં 3,000 પ્રતિ વૃક્ષ અને કોમર્શિયલમાં 5,000 પ્રતિ વૃક્ષ ટ્રી પ્લાન્ટેશન ડિપોઝિટનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.
.