વડોદરા7 કલાક પેહલા
- કૉપી લિંક
વડોદરા શહેરના સનફાર્મા રોડ પર રખડતા ઢોર પકડવા નીકળેલી મહાનગરપાલિકાની ઢોર પાર્ટીના સ્ટાફ સાથે 3 પશુપાલકોએ ગંદી ગાળો બોલીને ઝપાઝપી કરી છે. સાથે જ ઢોર પાર્ટીના સુપરવાઇઝર સરકારી મોબાઇલમાં વીડિયોગ્રાફી કરતા હતા તો પશુપાલકોએ ધક્કો મારીને નીચે પાડી દીધા હતા. આ મામલે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં 3 અજાણ્યા પશુપાલકો સામે ફરિયાદ નોંધાઈ છે. જેને પગલે જે.પી. રોડ પોલીસે 3 આરોપીની શોધખોળ શરૂ કરી છે.
રસ્તા પર રખડતા ઢોર નાગરિકો માટે અડચણરૂપ
રખડતી લાલ રંગની ગાય મળી આવી
વડોદરાના મકરપુરા એરફોર્સ સ્ટેશનની બાજુમાં આવેલા રાજીવનગરમાં રહેતા અને વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટીમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા સુપરવાઇઝર અરૂણભાઇ દેવરે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, અમે વડોદરા મહાનગરપાલિકાના દબાણ અને સિક્યુરિટી વિભાગના ઢોર પાર્ટીની ટીમનો સ્ટાફ, પોલીસ સ્ટાફને સાથે રાખીને બે ગાડી અને એક ટ્રેકટર લઇને રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા હતા. આ સમયે સનફાર્મા રોડ પર જાહેર રસ્તામાં એક રખડતી લાલ રંગની ગાય મળી આવી હતી. અમારી સાથેના સ્ટાફના માણસો આ ગાયને પકડવા માટે જતા હતા. તે વખતે ત્રણ અજાણ્યા પશુપાલકો ત્યાં આવી ગયા હતા.
“એક શખ્સે મને ધક્કો માર્યો”
વધુમાં જણાવ્યું કે, અમારી ટીમના માણસોને ગાય પકડવાની કામગીરીમાં અડચણ ઉભી કરી હતી. તેઓ અમને જેમ ફાવે તેમ બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતા અને અમારા સ્ટાફની સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. જેથી હું યોદ્ધા ગાડીમાંથી ઉતરીને સરકારી મોબાઇલમાં વીડિયોગ્રાફી કરતો હતો. તે વખતે આ ત્રણ અજાણ્યા પશુપાલકો પૈકીનો એક શખ્સે મારી પાસે આવ્યો અને મને જોરથી ધક્કો મારી દેતા મારો સરકારી મોબાઇલ નીચે પાડી દીધો હતો અને તે દરમિયાન અમારી સાથેના પોલીસ સ્ટાફના માણસો આવી જતા આ ત્રણેય પશુપાલકો ગભરાઇને ત્યાંથી ભાગી ગયા હતા.
માર્ગો પર રખડતી ગાયો શહેરીજનો માટે જોખમરૂપ
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી કોર્પોરેશન દ્વારા શહેરના માર્ગો ઉપર રખડતી ગાયોને પકડવાની કામગીરી ચાલી રહી છે. જે કામગીરીમાં અવરોધરૂપ બની રહેલા ગૌ પાલકો સામે પોલીસ ફરિયાદો પણ થઇ રહી છે. વડોદરા શહેરના માર્ગો ઉપર રખડતી ગાયો શહેરીજનો માટે જોખમરૂપ પુરવાર થઇ રહી છે. વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટી દ્વારા ગાયો પકડવાનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ, કોર્પોરેશનની ઢોર પાર્ટી પોલીસ બંદોબસ્ત સાથે ગાયો પકડવા જાય છે, ત્યારે ગૌ પાલકો પોતાની ગાયોને ઢોર પાર્ટીથી બચાવવા માટે બાઇક પર લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે નીકળી પડે છે.
.