વડોદરા43 મિનિટ પેહલા
- કૉપી લિંક
શહેરના ફ્લાય ઓવર બ્રિજો ઉપર સીસી ટીવી કેમેરા લગાવવાની શરૂઆત
અમદાવાદમાં તાજેતરમાં ઇસ્કોન બ્રિજ પર અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં 9 લોકોના મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ તંત્રની અનેક ખામીઓ સામે આવી હતી. જેમાં બ્રિજ પરના સીસીટીવી બંધ જણાયા હતા તેમ જ સ્ટ્રીટ લાઈટ પણ બંધ હતી. વડોદરા કોર્પોરેશને અમદાવાદમાં બનેલી ગોઝારી ઘટનાને ધ્યાનમાં હવે વડોદરાના 10 ફ્લાય ઓવર બ્રિજ ઉપર 75 CCTV કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
સીસી ટીવી આશિર્વાદરૂપ પુરવાર થયા છે
ઉલ્લેખનિય છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા અગાઉ મુખ્ય માર્ગો ઉપર તેમજ ચાર રસ્તાઓ ઉપર સીસી ટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પરિણામે વડોદરા શહેરમાં રખડતા પશુ, ગંદકી કરનારા તેમજ ગુનાહિત પ્રવૃત્તિ કરનારાઓને પકડવામાં આ કેમેરા આશિર્વાદરૂપ પુરવાર થયા છે. હવે વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના 10 ફ્લાય ઓવર બ્રિજ અટલ બ્રિજ, લાલબાગ બ્રિજ, ફતેગંજ બ્રિજ, પંડ્યા બ્રિજ, અમીતનગર બ્રિજ, સોમાતળાવ ઉર્મી સ્કૂલ બ્રિજ, હરીનગર બ્રિજ, પ્રતાપનગર બ્રિજ, છાણી અને નવાયાર્ડ બ્રિજ પર સીસીટીવી લગાવવામાં આવનાર છે.
તમામ બ્રિજો ઉપર સીસી ટીવી લગાવાશે
17 જગ્યા નક્કી કરાઇ છે
આ અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, હાલમાં અગત્યની જગ્યાઓ ઉપર સીસી ટીવી લગાવેલા છે. વિશ્વામિત્રી નદી કિનારા પાસે સીસી ટીવી લગાવવામાં આવી રહ્યા છે. વડોદરા કોર્પોરેશન દ્વારા સિક્યુરીટીના ભાગરૂપે આ સીસી ટીવી લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા હવે શહેરના તમામ બ્રિજોને આવરી લેવાય તે રીતે 17 જગ્યાઓ ઉપર 70 સીસી ટીવી કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એક પોલ ઉપર ચાર કેમેરા લગાવવામાં આવશે.કેમેરાનું મોનિટરીંગ કંટ્રોલ કમાન્ડ સેન્ટરથી થશે.
કચરો નાખનાર ઝડપાયા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં કાલાઘોડા, ભીમનાથ, રાત્રિ બજાર બ્રિજ પરથી લોકો કચરો તથા મંગલ પાંડે રોડ પર કાટમાળ ઠાલવવામાં આવી રહ્યો હોવાનું જણાતાં સીસીટીવી મુક્યા છે. જેમાં 3 બ્રિજ પરથી નદીમાં કચરો નાખતા તત્વો સીસીટીવીમાં કેદ થતાં વાહનોના નંબરના આધારે 25,000થી વધુનો દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો. સીસી ટીવી લગાવવાના કારણે કોર્પોરેશન તેમજ પોલીસ વિભાગને પણ ફાયદો થયો છે.
કેમેરાનું મોનીટરીંગ થશે
કોર્પોરેશનના આઇ.ટી. વિભાગના વડા મનિષ ભટ્ટે જણાવ્યું હતું કે, શહેરના બ્રિજો ઉપર લગાવવામાં આવી રહેલા સીસી ટીવી માટે કોઇ અલગ ફંડ ફાળવવામાં આવ્યું નથી. હાલમાં કોર્પોરેશન પાસે જે સ્ટોકમાં સીસી ટીવી છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવેલા સીસી ટીવી કેમેરા છે. તેજ સીસી ટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સીસી ટીવી લગાવવાથી કોર્પોરેશનને ઘણો ફાયદો થશે. તે સાથે પોલીસ તંત્રને પણ ગુનાઓનો ભેદ ઉકેલવામાં રાહત થશે.કેમેરાનું મોનિટરીંગ કંટ્રોલ કમાન્ડ સેન્ટરથી થશે.
.