વલસાડ17 મિનિટ પેહલા
- કૉપી લિંક
વલસાડ સિવિલ હોસ્પિટલનો ગંભીર છબરડો સામે આવ્યો છે. આ છબરડાના કારણે એક પરિવાર દ્વારા હોબાળો મચાવવામાં આવતા હોસ્પિટલ તંત્ર દોડતું થઈ ગયું છે. 2 ઓગસ્ટે એક નવજાત શિશુ નો જન્મ થયો હતો. જે તે સમયે તેનું ઓછું વજન હોવાથી તાત્કાલીક તેને પેટીમાં રાખવામાં આવ્યું હતું. પરિવારજનોનું કહેવું છે કે, જ્યારે જન્મ થયો ત્યારે અમને બાળક બતાવવામાં આવ્યું હતું. હોસ્પિટલ તંત્ર હવે કહે છે કે બાળક નહીં બાળકી છે. હોસ્પિટલ તંત્રએ પણ તમામ જગ્યાએ બાળક તરીકે જ નોંધ કરી હોવાનું જાણવા મળ્યું છે. સુપ્રિટેન્ડન્ટે કહ્યું- આ ભૂલ કઈ રીતે થઈ તેની તપાસ કરી રહ્યા છીએ. જરુર પડશે તો બાળકીનો DNA ટેસ્ટ કરવામાં આવશે.

શું કહી રહ્યા છે પરિવારજન?
વલસાડ સિવિલમાં બાળક બદલાયાનો આક્ષેપ કરનાર પરિવારના સભ્યએ કહ્યું હતું કે, 2 ઓગસ્ટના રોજ અમે કપરાડા, ધરમપુર અને ત્યારબાદ અહીં વલસાડ આવ્યા હતા. અહીં જ્યારે ડિલિવરી આવી ત્યારે મને બાળક બતાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને પેટીમાં રાખવામાં આવ્યું હતું. હવે હોસ્પિટલનો સ્ટાફ અમને કહી રહ્યો છે કે, બાળકી છે. અમે તે સ્વીકારવાના નથી.
આ ગંભીર બેદરકારી માટે જવાબદાર કોણ?
વલસાડ સિવિલમાં બનેલી આ ગંભીર બેદરકારી મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. કારણે બાળકની જાતિ બદલ્યાનો આક્ષેપ ફક્ત પરિવારજનો નથી કરી રહ્યા. હોસ્પિટલના સ્ટાફે જે પણ નોંધ કરી છે તેમાં પણ બાળક (MALE) તરીકે જ કરી છે. સ્વભાવિક છે કે, હોસ્પિટલ તંત્ર કાગળ પર જેને બાળક બતાવે છે તે તેના પરિવારને બાળકી આપે તો તેઓ હોબાળો મચાવવાના જ છે.
શું કહી રહ્યા છે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ?
આ મામલે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ભાવેશ ગોયાનીએ જણાવ્યું હતું કે, આ ભૂલ કઈ રીતે કોનાથી થઈ તેની તપાસ કરી રહ્યા છીએ. અમે ગાયનેક વિભાગના સ્ટાફની અને ડોકટરની પૂછપરછ કરી છે. જો આ મામલામાં જરુર પડશે તો બાળકીનો DNA ટેસ્ટ કરવામાં આવશે.