રાજકોટ38 મિનિટ પેહલા
- કૉપી લિંક
દેશભરમાં 77માં સ્વતંત્રતા પર્વને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત રાજકોટમાં પણ મનપા અને પોલીસ તંત્ર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે રાજકોટ શહેર પોલીસ દ્વારા મશાલ રેલીનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં RKC ઉપરાંત ક્રાઈસ્ટ સ્કૂલ બેન્ડ દ્વારા સુરવાલી રેલાવવામાં આવી હતી. આ રેલીમાં પોલીસ ઉપરાંત હોમગાર્ડનાં જવાનોએ પણ ભાગ લઇ દેશભક્તિ જગાડવા અનોખો પ્રયાસ કર્યો હતો.
રેલીમાં હોમગાર્ડ અને પોલીસના જવાનો જોડાયા
પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે આ તકે જણાવ્યું હતું કે, 77માં સ્વતંત્રતા પર્વને લઈને ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા હર ઘર તિરંગાયાત્રા અને મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હોમગાર્ડ અને પોલીસના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. સાથે સાથે RKC કોલેજ બેન્ડ, સેન્ટમેરી સ્કૂલ, નિર્મલા સ્કૂલ અને ક્રાઈસ્ટ સ્કૂલનાં સ્કૂલ બેન્ડ પણ આ રેલીમાં જોડાયા હતા. આ રેલીના માધ્યમથી નાગરિકોમાં પણ દેશભક્તિ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો. રેલીના અંતમાં પંચપ્રણ લેવામાં આવ્યા હતા.

દેશભક્તિ જગાડવા અનોખો પ્રયાસ કર્યો
ડોગ-શો સહિતનાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે
આગામી તા. 15 ઓગષ્ટનાં રોજ દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં વિવિધ સ્ફુલો તેમજ પોલીસ જવાનો દ્વારા ધ્વજવંદન પણ કરવામાં આવશે. આ તકે ડોગ-શો સહિતનાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેના માટે હાલ પોલીસ જવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ઉજવણીને યાદગાર બનાવવા શહેર પોલીસ હાલ પ્રયાસ કરી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

.