રાજકોટ38 મિનિટ પેહલા
- કૉપી લિંક
મૃતક ચંદ્રેશ ખીમસુરિયાની ફાઈલ તસ્વીર
રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલ પ્રેમદ્વાર પાર્ટી પ્લોટની પાછળના ભાગે આજી નદીમાંથી યુવકની લાશ તરતી હોવાની માહિતી મળતાં આજીડેમ પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બેભાન હાલતમાં યુવકને બહાર કાઢી 108 ને જાણ કરતાં 108 ના ઈએમટી આરતીબેને તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસ તપાસમાં મૃતકનું નામ ચંદ્રેશ ધનજીભાઈ ખીમસૂરિયા (ઉ.વ.25) હોવાનું સામે આવ્યું હતું. મૃતક યુવાન રવિવારે બપોરે ઘરેથી નીકળી ગયો હતો. જે સાંજ સુધી ઘરે પરત ન ફરતાં તેની તપાસ પરિવારજનોએ હાથ ધરી હતી જો કે ગઈકાલે લાશ મળ્યા બાદ યુવકે આત્મહત્યા કરી છે કે અન્ય કોઈ બનાવ બન્યો છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઝઘડો થતાં પોતે ફિનાઇલ પી લીધું
શાપરમાં પાન ગેઇટની અંદર રહેતાં રામુબેન ભીખુભાઇ જેવર (ઉ.વ.75) નામના વૃધ્ધા ફિનાઇલ પી જતાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ આવી વૃદ્ધાનું નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. રામુબેને જણાવ્યું હતું કે પડોશી સાથે ખાલી પડેલી જગ્યા બાબતે અગાઉ માથાકુટ થઇ તેના મનદુઃખમાં ફરી ઝઘડો થતાં પોતે ફિનાઇલ પી ગયા હતાં. પોલીસે હાલ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બે શખ્સોને ચોરાઉ મોબાઈલ સાથે ઝડપાયા
રાજકોટ શહેર SOG પોલીસે પેટ્રોલીંગ દરમિયાન બે શખ્સોને ચોરાઉ મોબાઈલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. SOG પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન પ્રકાશ ચંદુભાઈ હળવદીયા અને અમીત રમેશભાઈ વાઘેલાને ઝડપી અંગ ઝડતી લેતા બંને પાસેથી ચોરાઉ મોબાઈલ ફોન મળી આવ્યા હતા જે બંને મોબાઈલ ચોરીની ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હોવાથી બંન્ને આરોપીઓને પ્રદ્યુમનનગર પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટ નજીક નવાગામમાં રંગીલા સોસાયટીમાં રહેતો યોગેશ ધીરુભાઈ રાજપરા (ઉ.વ.21) આજે સવારે પત્ની ન્હાવા માટે ગયેલ બાદ પંખાના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેમની પત્ની જોઈ જતાં યુવકને નીચે ઉતારી યુવકને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. યુવક સેન્ટીંગ કામ કરતો અને ઘણાં સમયથી માનસીક બિમારીથી પીડિત હતો. જેની સારવાર પણ ચાલુ હતી અંતે બીમારીથી કંટાળીને પગલુ ભરી લીધુ હતું. યુવકના લગ્ન સાત માસ પહેલા જ થયા હતા અને ચાર ભાઈ બહેનમાં નાનો હતો. પોલીસે હાલ નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવાનનું ત્રીજા માળેથી પટકાતા મોત
રાજકોટ શહેરમાં RTO કચેરી પાછળ શ્રીરામ સોસાયટી શેરી નં.1માં રહેતા રવિ પરસોતમ વાઢેર (ઉ.વ.34) નામના બારોટ યુવાનનું ત્રીજા માળેથી પટકાતા મોત નિપજયું હતું. રવિ રીક્ષા ચલાવતો હતો અને તેઓ સંયુકત કુટુંબમાં રહેતા. 12 વર્ષ પહેલા રવિના લગ્ન થયેલા તેને હાલ સંતાનમાં પાંચ વર્ષનો પુત્ર અને સાત વર્ષની દિકરી છે. આજે બપોરે 3.30 વાગ્યાની ટ્રેનમાં રવિ મિત્રો સાથે મુંબઇ ફરવા જવાનો હતો. જેથી સવારે 11 વાગ્યે ધોયેલા કપડા અગાસી ઉપર સુકવ્યા હોય તે લેવા ગયો હતો ત્યારે નીચે પટકાતા પ્રથમ કુવાડવા રોડ પર આવેલી ગોકુલ હોસ્પિટલ બાદ સિવિલમાં રીફર કરાતા ટુંકી સારવારમાં દમ તોડી દીધો હતો. આ બનાવ અકસ્માતે બન્યો છે કે બીજુ કોઇ કારણ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
યુવતીએ ગળાફાંસો ખાઈ લીધો
રાજકોટ શહેરના પુનિતનગર પાણીના ટાંકા પાસે વિશ્ર્વકર્મા સોસાયટી શેરી નં.1 માં રહેતી ટીના વિનોદભાઈ જસાણીયા (ઉ.વ.21) નામની યુવતીએ આજે સવારે 11 વાગ્યે પોતાના ઘેર પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. ટીના સવારે પોતાના ઘેર બાથરૂમમાંથી નાહીને બહાર નીકળી હતી અને તેમના દાદી હાજર હોય તેને જણાવેલ કે હું રૂમમાં કપડા બદલતી આવુ જેથી તેણી રૂમમાં ગયા બાદ ઘણીવાર પછી બહાર ન નીકળતા દરવાજો ખખડાવવા છતા ન ખોલતાં દરવાજો તોડીને જોતાં તેણી ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા દાદીએ રાડારાડ કરી મુકી હતી જેથી પરિવારના અન્ય સભ્ય અને આસપાસના લોકો દોડી આવતા ટીનાને સિવીલ હોસ્પીટલમાં ખસેડતા ડોકટરે મૃત જાહેર કરેલ હતી. ટીનાને ગળાની બિમારી હોવાથી ઘણા સમયથી દવા ચાલતી હતી પરંતુ બીમારી દુર ન થતા કંટાળીને પગલૂ ભર્યાનુ પરિવારજનોએ જણાવ્યું હતું. ટીનાના પિતા હીરા ઘસે છે ટીના પણ કારખાનામાં મજુરી કામ કરતી હતી. ટીનાના ભાઈનુ પણ થોડા સમય પહેલા બીમારીથી મોત થયુ હતું.
.