રાજકોટ3 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજકોટ નાગરિક સહકારી બેન્કના મેનેજર સ્લિપેજ રિકવર વિબોધ દોશીને તેમના બેન્કના ચીફ મેનેજર પ્રશાંત રૂપારેલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, જૂનાગઢ ખાતેની બ્રાન્ચના આશરે અઢી કરોડનું 35 લોનનું કૌભાંડ હોવાથી ચીફ મેનેજરને ફરિયાદ કરી પરંતુ, તે મને મદદ કરવાની બદલે મારી સાથે ગેરવર્તુંણ કરી રહ્યા છે. મારા પાસેથી પીએ ને હટાવી દઇ મને હેરાન કરતા અમારા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી, જેમાં તેઓએ મને તેમની ચેમ્બરમાં જાનથી મારી નાખવાની ધમકી આપી છે. હાલ પોલીસે ફરિયાદ આધારે આઇપીસી કલમ 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મારા પર બેન્કના કામનો બોજો વધાર્યો
ફરિયાદી વિબોધભાઇ નવીનચન્દ્ર દોશી (ઉ.વ.59)એ ફરિયાદમાં જણાવ્યું કે, હું 150 ફુટ રીંગ રોડ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની સામે રાજકોટ સહકારી બેંકની હેડ ઓફિસમાં મેનેજર સ્લીપેજ રીકવર તરીકે ફરજ બજાવું છું. ગત તા.10.08.2023ના રિશેષ બાદ આશરે સાંજના 4 વાગ્યાની આસપાસ હું મારી ઓફિસ ખાતે હાજર હતો ત્યારે મારો પી.એ. સિધ્ધાર્થભાઇ પટેલ જે રીશેષ બાદ કામ પર નહીં આવતા. મેં આ સિધ્ધાર્થને ફોન કરેલ અને જણાવેલ કે, કેમ તુ ફરજ પર આવેલ નથી? જેથી તેને મને કહેલ કે મને આજથી ગૌરવભાઇ ડી.સી.એમ. રીકવરીએ નાગરીક બેંકની બેડીપરા બ્રાંચમાં મોકલી આપેલ છે. જેથી મારી પાસે બેંકનું કામ વધારે હોવાથી મારો પી.એ. ખેંચી લેવાથી હું થોડો ઉશ્કેરાઇ ગયેલ અને મેં આ વખતે અમારા જ ફ્લોરમાં મારી બાજુની કેબીનમાં બેસતા અમારા ડી.સી.એમ.ની ચેમ્બરમાં ગયેલ અને મેં પુછેલ કે, ગૌરવ તમે કેમ મારો માણસ લઇ લીધો? ત્યારે આ ગૌરવે મને જણાવેલ કે મેં નહી, પરંતુ ચીફ મેનેજર રીકવરી પ્રશાંતભાઇ રૂપારેલીયાએ તમારા પી.એ.ને મોકલ્યો છે.
જૂનાગઢ બ્રાંચનુ આશરે અઢી કરોડનું કૌભાંડ
જેથી, હું તુરંત જ આવી સાચી ખોટી ગોળ-ગોળ વાતો સાંભળીને ઉશ્કેરાઇ ગયેલ અને મેં પ્રશાંતભાઇને પુછેલ કે પ્રશાંત તે કેમ મને કહ્યા વગર સિધ્ધાર્થને મોકલી દીધો છે. જેથી આ પ્રશાંતભાઇ મને કોઇ જવાબ આપવાને બદલે ફોન પર જ વાતો કરતા રહ્યા હતા. મેં તેમને ઉંચા અવાજે કહ્યું કે, ગઇકાલનું આપણી જૂનાગઢ બ્રાંચનુ આશરે અઢી કરોડનું 35 લોનોનું જે કૌભાંડ હતું, તેમાં તમે મને મદદ કરવાની બદલે ગઇકાલથી જ મારી સાથે આડા ચાલો છો. જૂનાગઢના કૌભાંડકારો મોટી હસ્તીઓ છે અને તમે જૂનાગઢના વતની છો એટલે આ તમને ગમ્યુ નથી. એનો અર્થ એ થયો કે આ કૌભાંડમાં તમે પણ પરોક્ષ રીતે સંડોવાયેલા છો એટલે ગઇકાલ બપોરથી મારી સાથે બીલકુલ આડા ચાલો છો. આપણા ચેરમેન શૈલેશભાઇ ઠાકરે આ કૌભાંડ રોકવા નવી લોન નહીં આપવા અને તાત્કાલિક જૂનાગઢ બ્રાંચમાં બે અધિકારીઓને મોકલવાનું કહેવા છતા તમે એ બધુ ભીનું સંકેલવાના મુડમાં છો, પરંતુ મને પગાર નાગરીક બેંક આપે છે. તમે કે કોઇ હોદ્દેદાર નથી આપતા.
CCTV કેમેરાની નીચે મારી નાખવાની ધમકી આપી
હું છેલ્લા 33 વર્ષથી મારી સંસ્થાનો વફાદાર નીષ્ઠાવાન અને પ્રમાણીત કર્મચારી છું. અને બેંકને નુકસાન થાય કે તેના ખાતાઓ એન.પી.એન. ન થાય એના માટે હું છેલ્લા 2 વર્ષથી દિવસ-રાત એક કરી 37 બ્રાંચોનુ નેતૃત્વ સંભાળુ છું. અને આ બાબતની તમારા વિરુધ્ધ પ્રશાંતભાઇ હું આપણી બેંકમાં ચેરમેન તેમજ સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર સુધી હવે તો ફરીયાદ કરીશ. આ સાંભળીને તેઓ પણ ઉશ્કેરાઇ ગયેલ અને મને મારી હદમાં રહેવા ઓર્ડર કરેલ. પરંતુ મેં વાત પકડી રાખતા તેઓએ બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર રજનીકાંતભાઇ રાયચુરા ઇન્ટરકોમ કરેલ અને સી.સી.ટી.વી. કેમેરાની નીચે સ્પષ્ટ પણે બોલેલ કે, હું આને મારી નાખીશ. આજે તો કા એ નહી કા હું નહી.
મે 100 નંબરને ફોન કર્યો
બોવ શોરબકોર થતા અમારા અન્ય એક પીઢ અધીકારી પ્રવિણસિંહ રાઠોડ મને તેમની ચેમ્બરમાં સમજાવટ માટે તથા શાંત પાડવા માટે લઇ ગયા. ત્યારબાદ હું મારી ચેમ્બરમાં વિચાર કરતો બેસી રહેલ, પરંતુ સમગ્ર નાગરીક બેન્કમાંથી એક પણ વ્યક્તિ મને એવું આશ્વાશન આપવા નહી આવેલ કે ના આવી મારી નાખવાની ધમકી ન આપી શકાય. આથી મે 100 નંબરને ફોન કરેલ. તેના જવાબમાં મને સારો પ્રતિસાદ મળેલ. યુનિવર્સિટી પોલીસમાંથી કોઇ સ્ટાફનો મોબાઇલ ફોન આવેલ કે અમો પહોંચીએ છીએ પરંતુ, મે તેઓને જણાવેલ કે તમે હેરાન નહી થાવ. હું FIR કરવા નીકળું છું.
લાખો થાપણદારોના પરસેવાની કમાણી ધુળમાં મળી જશે
FIR નોંધાવતા વિબોધભાઈએ જણાવ્યું કે, આ બનાવ બેન્કના CCTV કેમેરા હેઠળ થયેલ છે અને મને દહેશક છે કે, પુરાવાઓનો નાશ થાયે કે તેની સાથે કોઇ ચેડા કરાય. આ FIRમાં મેં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કહેવાતા બહું મોટા માથાઓની વાત કરેલ છે. વિબોધભાઈએ કહ્યું કે, રાજકોટ નાગરીક બેન્કના જનરલ મેનેજર તથા સી.ઇ.ઓ. તેમજ ડેપ્યુટી જનરલ મેનેજર રજનીકાંતભાઇ રાયચુરા તેમજ હેમાંગભાઇ ઢેબર કે જેઓ હેડ ઓફિસના લોન વિભાગના ચીફ મેનેજર છે. તેઓએ સપ્ટેમ્બર-2020માં અમારી બેંકની મુંબઇમાં આવેલી કાલબાદેવી બ્રાંચના બે લોન કૌભાંડ કરેલ, અને બેંકના આર્થિક હીતને તેમજ રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સહિત વર્તમાન કાયદાઓનો સંપૂર્ણ ભંગ કરી બોગસ લોનો મંજૂર કરેલ અને ચૂકવી આપેલ. આ અંગેની બધી જ વિગતો, પુરાવાઓ બધુ જ મારી પાસે છે અને ગત ઓક્ટોબર 2022થી મેં બેંક ચેરમેન અનેક ડિરેક્ટરો વગેરેનું ગંભીરતાપૂર્વક ધ્યાન દોરેલ પરંતુ, આ લોકો બેંકના ઉચ્ચત્તમ કક્ષાના અધિકારીઓ હોવાથી કોઇ અકડ કારણોસર આ પ્રકરણ દબાવી દેવામા આવ્યું. મને મીઠી-મીઠી વાતો કરેલ. આથી મેં કંટાળીને અમારી બેન્કના પૂર્વ ચેરમેન અને નીવડેલા એક માત્ર સુકાન કલ્પકભાઇ અરવિંદભાઇ મણીયારને લેખીતમાં બધી જ વિગતો સાથે રજુઆત કરેલ કે આવી રીતે બેંકના સી.ઇ.ઓ.સહિત જો આવી ખોટી લોનો મંજુર થશે તો બેંક ડૂબી જશે. અને આપણા લાખો થાપણદારોના પરસેવાની કમાણી ધુળમાં મળી જશે.
7-8 લોકોની એક ગેરકાયદેસર સિન્ડીકેટ રચી બેન્કનો વહીવટ સંભાળેલ છે
વિબોધભાઈએ હકીકત રજૂ કરતા કહ્યું કે, અમારી બેંક 70 વર્ષથી લોકોનો અપ્રતીમ વિશ્વાસ ધરાવે છે. અને એટલે મારી નાગરીક બેન્ક સંઘ પરીવારની જુનામાં જુની મોટામાં મોટી સહકારી બેંકની દેશ અને દુનિયામાં આજે પણ નામ ધરાવે છે. પરંતુ બેંકમાં 9.10.2012 સત્તા લાલચુઓ અંગત સ્વાર્થીઓ અને બેંકનું કોઇ પણ હીત ન હોય તેવા લોકોએ શાસન કાવાદાવા કરી રાષ્ટ્રીય સ્વયંસંઘના નામે ખોટી રીતે અડ્ડો જમાવી દીધો છે. આ લોકો બેંકનો ભવ્ય ભુતકાળ બેંકના સિધ્ધાંતો, મૂલ્યોને નેવે જ મુકી દીધા છે પરંતુ, RBIની ગાઇડલાઇનનુ અનેક વખત ગેરશિસ્ત કરેલ છે. પ્રવર્તમાન ભારતીય કાયદાઓની વિરુધ્ધનું સેંકડો જગ્યાએ સતત ઉલ્લંઘન કરેલ છે અને પોતાની સાત-આઠ લોકોની એક ગેરકાયદેસર સીન્ડીક્રેટ રચી અને બેન્કનો વહીવટ સંભાળેલ છે. આ આખી વાતો બહુ લાંબી છે. મારી પાસે બધા જ પુરાવાઓ હકીકતો પ્રસંગો નો સીલબંધ ઇતિહાસ 1989થી આજદીન સુધીનો ઉપલબ્ધ છે. મને યાદ પણ છે.
.