રાજકોટ2 કલાક પેહલા
- કૉપી લિંક
રાજકોટમાં જન્માષ્ટમી દરમ્યાન યોજાનાર લોકમેળામાં યાંત્રિક રાઈડસ મુદ્દે વહીવટીતંત્ર સાથે વિવાદ બાદ અંતે યાંત્રિક રાઈડ્સનાં ધંધાર્થીઓએ પ્લોટની હરાજીમાં ભાગ લીધો હતો. જૂની કલેકટર કચેરીએ મામલતદાર કે.એ. કરમટા,રુદ્ર ગઢવી, પડધરી મામલતદાર ચુડાસમા તેમજ પ્રાંત ઓફિસના કર્મચારીઓએ 86 અરજ્દારોની ઉપસ્થિતિમાં હરરાજી યોજી હતી. આ હરરાજીમાં કુલ 44 યાંત્રિક પ્લોટની હરાજીમાં તંત્રને રૂ. 1.42 કરોડની આવક થઈ હતી. જયારે એ કેટેગરીના ખાણીપીણીના બે પ્લોટના રૂ. 5.10 લાખની કુલ આવક થઈ હતી.
જાહેરમાં પાન-માવાની પિચકારી મારતા 165 વાહનચાલકો દંડાયા
રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં સ્વચ્છ સર્વેક્ષણનો રાઉન્ડ દિલ્હીની ટીમે લઇ લીધો છે તેમજ આ વર્ષે રાજકોટનો ક્રમ 7 નંબરમાંથી કયાં પહોંચે છે? તેની સૌ રાહ જોઈને બેઠા છે ત્યારે રાબેતા મુજબની સફાઇ ઝુંબેશ વચ્ચે CCTVથી સ્વચ્છતા પરનું મોનીટરીંગ પણ સઘન બનાવવામાં આવ્યું છે. તાજેતરમાં જાહેરમાં પાન-ફાકીની પીચકારી મારતા કે રસ્તા પર ગુટકાનો કચરો ફેંકતા 165 જેટલા આસામી CCTV કેમેરામાં દેખાતા તમામને ઇ-મેમો મોકલવામાં આવ્યા છે. તમામ 165 આસામીને રૂપિયા 33 હજારના દંડ ભરવા તાકીદ કરવામાં આવી છે. આ પૈકી આ 22 આસામીએ કુલ રૂ. 4400નો દંડ ચૂકવ્યો છે. બાકીના પાસેથી દંડ વસૂલવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
મતદાર યાદી સુધારણાની બાકીની 30% કામગીરી બે દિવસમાં પૂર્ણ કરવા આદેશ
રાજકોટ શહેર અને જિલ્લામાં ગત તા.21 જુલાઈથી મતદાર યાદી સુધારણાની સઘન ઝુંબેશ ચાલી રહી છે અને હવે આ સુધારણા કાર્યક્રમ આડે માત્ર બે દિવસ બાકી છે એટલે કે તા.21 ઓગસ્ટ છેલ્લો દિવસ છે અને હજુ શહેર અને જિલ્લામાં 30 ટકા જેટલી સુધારણાની કામગીરી બાકી છે. બરોબર ત્યારે જ ચૂંટણી પંચ દ્વારા બે દિવસની અંદર બાકીની કામગીરી ગમે તેમ કરી પૂર્ણ કરવા અને રિપોર્ટ આપવા આદેશ કરાયો છે. જેને લઈને રાજકોટ જિલ્લા વહીવટીતંત્રનાં સત્તાધીશોમાં મતદાર યાદી સુધારણાની બાકી કામગીરી પૂર્ણ કરવા માટે ભારે દોડધામ મચી છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ-પૂર્વમાં આજ સુધી 65 ટકા, પશ્ચિમમાં માત્ર 53 ટકા, દક્ષિણમાં 66 ટકા, રાજકોટ ગ્રામ્યમાં 87 ટકા, જસદણમાં 75 ટકા, ગોંડલમાં 82 ટકા, જેતપુરમાં 75 ટકા, ધોરાજીમાં 76 ટકા, મતદાર યાદી સુધારણાની કામગીરી થઈ છે. જિલ્લામાં કુલ નોંધાયેલા 23,07,753 મતદારો પૈકી આજ સુધીમાં 16,73,895 મતદારોનું વેરીફીકેશન થયું છે.
.