બનાસકાંઠા (પાલનપુર)12 મિનિટ પેહલા
- કૉપી લિંક
બનાસકાંઠા જિલ્લામાં કાયદાના લીરા ઉડાવતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જાહેરમાં મારામારી કરી લોકોએ કાયદો હાથમાં લીધો હોય તેવો આ પંદર દિવસમાં બીજો બનાવ સામે આવ્યો છે. હાલ જે બનાવ બન્યો છે તે દિયોદરના ચીભડા ગામનો છે. અહીં એક દૂધ ભરીને આવી રહેલા યુવકને આંતરી ત્રણ શખ્સોએ સામાન્ય બાબતે ધોકા અને ઢીકાપાટુનો માર માર્યો હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ મામલે ત્રણ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પંદર દિવસ પહેલા પણ લાખણી તાલુકામાં ચાર કથિત ગૌસેવકોએ એક યુવકને ઢોર માર માર્યાનો વીડિયો વાઈરલ થયો હતો.
સામાન્ય બાબતે યુવકને ઢોર માર માર્યો
બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ચીભડા ગામના ભરત ઠાકોર દૂધ ભરાવીને પરત પોતાના ગામ જઈ રહ્યો હતો ત્યારે કેશરપુરા પ્રાથમિક શાળા પાસે સચિન ઠાકોર, ભાવાજી ઠાકોર અને પ્રેમાભાઈ ઠાકોર નામના શખ્સોએ તેને આંતરી બાઈક ઉભું રખાવ્યું હતું. ત્યારબાદ ભરતને કહ્યું હતું કે, ફોન કરીને ગાળો કેમ બોલે છે?
તેમ કહી માર મારવાની શરૂઆત કરી હતી. ત્રણેય શખ્સોએ ભરતને જમીન પછાડી ઢોર માર માર્યો હતો.
સ્થાનિકોએ ભરતનો છોડાવી હોસ્પિટલ ખસેડ્યો
ધોળે દિવસે જાહેરમાં જ કાયદો હાથમાં લઈ મારામારી કરી રહેલા ત્રણ શખ્સોના કબજામાંથી સ્થાનિક લોકોએ ભરતને છોડાવ્યો હતો અને સારવાર માટે દિયોદર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પંદર દિવસ પહેલા ચાર કથિત ગૌસેવકોએ એક યુવકને માર્યો હતો
બનાસકાંઠાના લાખણી તાલુકાના સરકારી ગોળીયા ગામ પાસે એક પીકઅપ ડાલામાં ત્રણ ભેંસો લઈને જઈ રહેલા શખ્સને આંતરી ચાર કથિત ગૌસેવકોએ ઢોર માર માર્યાનો વીડિયો પંદર દિવસ પહેલા વાયરલ થયો હતો. ઉમેદખાન નામના શખ્સને આંતરીને અખેરાજસિંહ વાઘેલા, ચેલસિંહ સોલંકી, ઈશ્વરભાઈ પુરોહિત અને મહેન્દ્રસિંહ સોલંકી નામના શખ્સોએ પાણીની કુંડીમાં નાખી ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો હચમચાવી નાખતો વીડિયો વાઈરલ થયો હતો. ત્યારબાદ ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાનો વધુ એક વીડિયો વાઈરલ થતા ચકચાર મચી છે.