ગાંધીનગર28 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગાંધીનગરના રાંદેસણ સ્વામિનારાયણ પ્રેસીડેન્સિ પાસેના મેટ્રો રેલના પાટા નીચે સપૉર્ટમાં લગાવવામાં આવતી ફાસ્ટીંગ સિસ્ટમની લોખંડની 2 લાખ 40 હજારની કિંમતની કુલ 2700 કિલો વજનની 300 નંગ બેઝ પ્લેટો તસ્કરો ચોરીને ફરાર થઈ જતાં ઈન્ફોસિટી પોલીસ મથકના ચોપડે ફરિયાદ નોંધવામાં આવી છે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના ગાંધીનગર-અમદાવાદ વચ્ચે ચાલી રહેલ મેટ્રો રેલના બાંધકામમાં કે.ઈ.સી.કંપનીના પેટા કોન્ટ્રાક્ટમાં કામ કરતી અભિસાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી. કંપનીના સુપરવાઈજર સોનુ ઓમપ્રકાશ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, અભિસાર કંપનીને રાંદેસણથી રાયસણ સુધી મેટ્રો રેલના પાટા લગાવવાનુ કામ મળેલ છે.
જ્યારે મેટ્રો રેલના પાટા લગાવવા માટે માલસામાન કે.ઈ.સી. કંપની પુરો પાડે છે. જે મજુરો મારફતે પાટા લગાવવાનુ તથા તેના સાફસફાઇ અને મેઇન્ટેન્સનું કામ સોનુ ચૌધરી કરાવે છે. અભિસાર કંપનીએ રાંદેસણથી રાયસણ સુધીના મેટ્રો રેલના પાટા લગાવી દીધેલ છે. હાલમાં લગાવેલ પાટાનું સાફ સફાઈ તેમજ મેઇન્ટેનન્સનુ કામ ચાલી રહેલ છે. જે મુજબ રાંદેસણથી રાયસણ વચ્ચે પીલર નંબર P/9/21, સ્વામીનારાયણ પ્રેસીડેન્સિ સુધી પાટા ખોલી સાફસફાઇ કરી પાછા લગાવી દીધેલ છે અને પીલરથી ઉપર અને ત્યાંથી આગળના પાટાનું સાફ સફાઇનું કામ ચાલી રહેલ છે.
ગત તા. 26 મી ઓગસ્ટના રોજ મેટ્રો રેલના પાટા ખોલી પાટા નીચે સપોર્ટ માટે લગાવવામા આવતી ફાસ્ટીંગ સીસ્ટમની લોખંડની બેઝ પ્લેટ આશરે 300 નંગની ખોલી પીલર નંબર P/9/21 ઉપર ખુલ્લી જગ્યામાં મૂકવામાં આવી હતી અને 27 મી ઓગસ્ટે રવિવારની રજા હોવાથી મજૂરો સહીતના બધા કર્મચારીઓ ઘરે જતાં રહ્યાં હતાં.
જેનો લાભ ઉઠાવી અજાણ્યા ઈસમ પીલર ઉપરથી લોખંડની 300 નંગ ફાસ્ટીંગ પ્લેટ ચોરીને ફરાર થઈ ગયા હતા. જે એક એક પ્લેટનું 9 કિલો લેખે કુલ 2700 કિલો બેઝ પ્લેટ કિંમત રૂ. 2.40 લાખની ચોરી મામલે આસપાસમાં વિસ્તારોમાં શોધખોળ પણ કરાઈ હતી. પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ સિવાય કોબા ગામની સીમ ખાતે મેટ્રોની ચાલુ બાંધકામ સાઇટ ખાતેથી પણ એમ.ડી.અસારીની સીક્યુરીટીની પણ આવા પ્રકારની 10 પ્લેટોની ચોરી થયાનું સામે આવ્યું હતું. આ મામલે કંપનીએ ઓથોરિટી આપતા સોનુ ચૌધરીએ ફરિયાદ આપતાં ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.