- Gujarati News
- Local
- Gujarat
- Dwarka
- Three Arrested With Foreign Liquor In Lapata, Dwarka And Kalyanpur Taluks After Transferring Money To A Financier From Khambhalia Saying He Was A Friend Of A Friend, Tracing The Supplier…
દ્વારકા ખંભાળિયાએક કલાક પેહલા
- કૉપી લિંક
ખંભાળિયાના ફાઇનાન્સર સાથે ઓનલાઇન ફ્રોડ…
ખંભાળિયા તાલુકામાં રહેતા અને એક ફાઇનાન્સ કંપનીમાં કામ કરતા યુવાનને મિત્રના મિત્ર હોવાનું જણાવીને એક શખ્સ દ્વારા રૂપિયા અડધો લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરાવી, બાદમાં આ શખ્સ લાપતા બની જતા આ અંગે સ્થાનિક પોલીસમાં ગુનો નોંધાયો છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સોડસલા ગામે રહેતા અને એક ફાઇનાન્સ કંપનીમાં કામ કરતા સુખદેવસિંહ ચંદુભા વાઢેર નામના 26 વર્ષના યુવાનને ગત તારીખ 9 માર્ચના રોજ એક મોબાઈલ નંબર ઉપરથી ફોન આવ્યો હતો. સામે છેડે વાત કરતા યુવાને પોતાની ઓળખ રહીમ નામથી આપી હતી.
મિત્રના મિત્ર હોવાનું જણાવી રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા બાદ લાપતા
આ શખ્સ ફરિયાદી સુખદેવસિંહના મિત્ર સિદ્દીકભાઈનો મિત્ર હોવાનું ફોન પર વાત કરતા યુવાને જણાવી અને તેઓ સિદ્દીકભાઈ સાથે હાલ મુંબઈ છે તેમ કહી અને સિદ્દીકભાઈ તથા પોતાને પૈસાની જરૂર હોવાનું કહીને સુખદેવસિંહને વિશ્વાસમાં લીધા હતા. બાદમાં ચોક્કસ રકમની માંગણી કરી આ ગઠીયા દ્વારા વોટ્સએપમાં ગૂગલ પે નું સ્કેનર મોકલ્યું હતું. જે મારફતે સામે છેડે રહેલા શખ્સના જણાવ્યા મુજબ સુખદેવસિંહે રૂપિયા 48,500 ટ્રાન્સફર કરી આપ્યા હતા.
આ રકમ મેળવ્યા બાદ આરોપી શખ્સે તેનો ફોન ઉપાડવાનો બંધ કરી દીધો હતો અને પૈસા પાછા આપ્યા ન હતા. આ રીતે સોડસલાના રહીશ સુખદેવસિંહ ચંદુભા વાઢેર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થવા સબબ સલાયા મરીન પોલીસ મથકમાં ચોક્કસ નંબર ધરાવતા આ રહીમ નામના શખ્સ સામે આઈ.પી.સી. કલમ 406 તથા આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આ પ્રકરણની તપાસ સાયબર સેલ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચ ચલાવી રહ્યા છે.
દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં વિદેશી દારૂ સાથે ત્રણ ઝડપાયા સપ્લાયરની શોધખોળ…
દ્વારકાથી આશરે 17 કિલોમીટર દૂર મુળવાસર વિસ્તારમાંથી નવીનગરી ખાતે રહેતા ઘનશ્યામસિંહ ચંદુભા જાડેજા નામના 65 વર્ષના શખ્સને રૂપિયા ચાર લાખની કિંમતની બોલેરો કારમાંથી રૂપિયા 8,800ની કિંમતની 22 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ દારૂનો જથ્થો તેણે ગઢેચી ગામના ઓઘડભા બુધાભા સુમણીયા પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા પોલીસે ગુનો નોંધી, આરોપીઓ ઓઘડભાની શોધખોળ હાથ ધરી છે.
અન્ય એક કાર્યવાહીમાં કલ્યાણપુર પોલીસે ભાટિયાથી ભોગાત તરફ જતા રસ્તેથી રૂ. 10,000 ની કિંમતના મોટરસાયકલ પર રૂપિયા 2,400 ની કિંમતની દારૂની છ બોટલ લઈને નીકળેલા ભાટિયા ગામના દિનેશ પીઠા મકવાણા (ઉ.વ. 29) ને કુલ રૂપિયા 17,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. દારૂનો આ જથ્થો તેણે ભોપાલકા ગામના સહદેવસિંહ પ્રતાપસિંહ જાડેજા નામના શખ્સ પાસેથી વેચાણ અર્થે મેળવ્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
ઓખા મરીન પોલીસે ગાંધીનગરી વિસ્તારમાં રહેતા રમેશ લાલજી ધોકિયા નામના 42 વર્ષના યુવાનને વિદેશી દારૂની બાટલી સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં ફરારી તરીકે ઓખાના જીગ્નેશ લખમણભાઈ કંસારાનું નામ જાહેર થયું છે.