અમદાવાદ2 કલાક પેહલા
- કૉપી લિંક
કરોડો રૂપિયાના ખર્ચે હાઉસિંગ ફોર ઓલ-2022 અંતર્ગત નિકોલ શીલજ સહિત ત્રણ જગ્યાએ આવાસ યોજના અંતર્ગત 3500થી વધુ આવાસો બનાવવા જ્યોતિ ઇન્ફ્રાટેક નામની કંપનીના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા બે વર્ષથી કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. જેના પગલે કોન્ટ્રાક્ટરને લીસ્ટ કરી તેના જ જોખમે અને ખર્ચે નવા ટેન્ડર કરી કામગીરી આપવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. જોકે બ્લેકલિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટર પાસેથી કરોડો રૂપિયા કેવી રીતે વસૂલ કરવામાં આવશે તે અંગે હાઉસિંગ પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા કોઈપણ ખુલાસો કરવામાં આવ્યો નથી. કોન્ટ્રાક્ટર પાસેથી કરોડો રૂપિયા વસૂલવાના છે અને હવે અન્ય કોન્ટ્રાક્ટર પાસે કામગીરી કરાવવાની છે. ત્યારે કેવી રીતે પૈસા વસૂલ કરવા તે અંગે કોઈ સ્પષ્ટતા ન કરવામાં આવતા મ્યુનિસિપલ કમિશનર સહિત હાઉસિંગ પ્રોજેક્ટના અધિકારીઓ સામે સવાલો ઉભા થયા છે.
અધૂરા પ્રોજેક્ટ આગળ ધપાવવા માટે નવેસરથી ટેન્ડરો બહાર પાડ્યા
વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, હાઉસીંગ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના નિકોલ, મોટેરા, શીલજ અને કોતરપુર વગેરે વિસ્તારમાં 3500થી વધુ આવાસ બનાવવાના પ્રોજેક્ટ માટે જ્યોતિ ઇન્ફ્રાટેક નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી કોઈ કારણોસર જ્યોતિ ઇન્ફ્રાટેક નામની કંપનીએ કામ બંધ કરી દેતાં આવાસ યોજનાની કામગીરી બંધ કરી દેવાતા નાગરિકો આવાસથી વંચિત રહ્યાં હતા. કંપની દ્વારા કેટલીક જગ્યાએ 80 તો કેટલીક જગ્યાએ માત્ર 20 ટકા જ કામગીરી કરી હતી. તેવામાં આવા કોન્ટ્રાક્ટરની સામે ભાજપના સત્તાધીશોએ પાંચ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરી દઇને તેના ખર્ચના જોખમે અધૂરા પ્રોજેક્ટ આગળ ધપાવવા માટે નવેસરથી ટેન્ડરો બહાર પાડ્યા હતા.
આડકતરો બોજ ગરીબ લાભાર્થીઓ ઉપર
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ટેન્ડર પ્રક્રિયામાં અનાયા ઇન્ફ્રાકોન નામની કંપનીના 52.74 ટકાથી લઇને 63.19 ટકા ઊંચા ભાવના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે. તમામ કરોડો રૂપિયા બ્લેકલિસ્ટ થયેલી જ્યોતિ ઇન્ફ્રાટેક નામની કંપની પાસેથી કઇ રીતે વસૂલ કરવામાં આવશે તેની કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તે જોતાં વધારાના કરોડો રૂપિયા હાલ તો પ્રજાના ટેક્સમાંથી ચૂકવવામાં આવશે અને તેનો આડકતરો બોજ ગરીબ લાભાર્થીઓ ઉપર નાખવામાં આવે તેવી આશંકા વ્યક્ત કરી છે.
.