અમદાવાદ42 મિનિટ પેહલા
- કૉપી લિંક
શહેરના પૂર્વ વિસ્તારમાં ચોરોનો ત્રાસ વધ્યો છે. મૂળ રાજસ્થાનના અને હાલ વસ્ત્રાલમાં વીરેન્દ્રસિંહ રાઠોડ પરિવાર સાથે રહે છે અને વસ્ત્રાલ આરએએફ કેમ્પમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગત 14 ઓગસ્ટે તેના દાદીનું અવસાન થયું હોવાથી પરિવાર સાથે રાજસ્થાન ગયા હતા. જ્યાં પોલીસ કર્મીએ પાડોશીને ઘરમાં માછલીને દાણા ખવડાવવાનું કહી મકાનની ચાવી આપી હતી. બાદમાં 20 ઓગસ્ટે સવારે પડોશીએ પોલીસકર્મીને ફોન કરી જણાવ્યું હતું કે તમારા મકાનના દરવાજાનો નકુચો તૂટેલો અને સમાન વેર-વિખેર પડ્યો છે. જેથી ફરિયાદીએ પડોશીને લાકડાના કબાટમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ તપાસવા કહ્યું હતું . જોકે, તપાસ દરમિયાન પડોશીને એ તમામ ચીજવસ્તુઓ મળી આવી ન હતી. અંતે પોલીસકર્મીએ રામોલ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
સોના-ચાંદીના દાગીના સહિત 4.62 લાખની ચોરી
ગોમતીપુરમાં રહેતા મોહમ્મદ હુસેન મણિયાર ફલેટના ભાડા, લાઈટ બિલ, ટેક્ષ બિલના રૂપિયાની ઉઘરાણી અને હિસાબ રાખે છે. જેમણે ફલેટના ભાડાના 72,700, ટેક્ષ બિલના 21,850 અને દીકરીના છૂટાછેડા દરમિયાન સાસરી તરફથી મળેલા રૂપિયા 2.75 લાખ સહિત સોના ચાંદીના દાગીના તિજોરીમાં રાખ્યા હતા. ફરિયાદીને દીકરીએ ફોન કરી કહ્યું કે ઘરનો અને તિજોરીનો દરવાજો તૂટેલો છે. જેથી ફરિયાદીને ત્યાં જઈને તપાસ કરતા સોના – ચાંદીના સહિત કુલ 4.62 લાખની મત્તા મળી આવી ન હતી. આ અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ગોડાઉનમાંથી 1.90 લાખના ફર્માની ચોરી કરી
નિકોલમાં રહેતા કલ્પેશભાઈ પટેલ બાપા સીતારામ ચોક ખાતે જે.કે કન્ટ્રક્શન નામની પેઢી ધરાવી સમાન ભાડે આપવાનું કામ કરે છે. તેઓને ગોડાઉનના સીસીટીવી તપાસ કરતા ત્રણ છોકરાઓ ફર્મા ચોરી કરતા જોવા મળ્યા હતા. જેમાં સીસીટીવીમાં ગોડાઉનની સામે રહેતા શુભમ શર્માની ઓળખ થઈ હતી. જેથી ફરિયાદીને આ શખસની પૂછપરછ કરતાં તેણે મિત્ર અશ્વિન ગુપ્તા અને અન્ય મિત્ર સાથે મળી ગોડાઉનમાંથી ફર્માની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે કૃષ્ણનગર પોલીસે કુલ 1.90 લાખના ફર્માની ચોરીની ફરિયાદ નોંધી.
.