રાજકોટએક કલાક પેહલા
- કૉપી લિંક
રાજકોટના કોટડા સાંગાણીના પડવલા ગામે રહેતા બદીયાભાઈ રમેશભાઈ પરમાર (ઉ.વ.33) એ આજે સવારે 10 વાગ્યાની આસપાસ પડવલા અને રીબડા ફાટક પાસે જઈ રેલ્વે ટ્રેક પર ઉભો રહી તેની મોટી બહેનને ફોન કરી મારે કપાય જવું છે કહી ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં પરીવારજનો રેલ્વે ફાટકે દોડી ગયા હતા પરંતુ, તે પહેલા યુવકનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી કરી હતી. યુવક મજૂરીકામ કરતો અને તેમની પત્ની વતનમાં ગયેલ છે. સંતાનમાં એક પુત્રી છે.
બાળકો માતાવિહોણા બનતાં અરેરાટી વ્યાપી
મૂળ મધ્યપ્રદેશનાં અને હાલ પડધરીનાં ખામટા ગામે છેલ્લા એક વર્ષથી ખેતીકામ કરતાં મહેન્દ્રભાઈ હારુભાઈ બામનીયાની પત્ની રેલમબેન (ઉં.વ.28) ગર્ભવતી હોય અને ગઈકાલે તેને પ્રસૂતિની પીડા ઉપડતાં પ્રસૂતિ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેઓએ તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો હતો ત્યારે પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો પરંતુ, આદિવાસી પરિવારની ખુશી ગમમાં ફેરવાઇ ગઈ હતી અને નવજાત બાળક આંખ ખોલે તે પેહલાં જ તેની માતાની તબિયત લથડતાં સારવારમાં ખસેડાઇ હતી પરંતુ, સારવાર કારગત ન નીવડતાં તેમનું મોત નીપજતા પરિવારમાં આક્રંદ છવાયો હતો. આ બનાવ અંગે સિવિલ ચોકીનાં સ્ટાફે નોંધ કરીને પડધરી પોલીસને જાણ કરી હતી. મહિલાનાં લગ્ન 11 વર્ષ પહેલાં થયા હતાં અને અગાઉ તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. જ્યારે ગઈકાલે પુત્રનો જન્મ થયા બાદ તેને દુનિયા છોડી દેતાં પાંચ બાળકો માતા વિહોણા બનતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
બેફામ કારચાલકે બાંકડા પર બેઠેલા વૃદ્ધને અડફેટે લીધા
રાજકોટ જિલ્લાના જામકંડોરણાના કાના વડાળામાં રહેતા ખુમાનસિંહ જામભા જાડેજા ગામમાં જ જામકંડોરણા – કાલાવડ રોડ પર આવેલા કમલેશ્વર મહાદેવ સામે રોડની સાઈડમાં સિમેન્ટના બાંકડા પર બેઠા હતા. આ દરમિયાન જીજે.03.એફકે.2840 નંબરની ઇકો કાર બેફામ સ્પીડમાં આવી હતી અને અચાનક જ બાંકડા સહિત ખુમાનસિંહને અડફેટે લઈ ફંગોળી દીધા હતા. કાર એક સિમેન્ટના વીજ થાંભલા સાથે અથડાઈ હતી જેમાં થાંભલો પણ તૂટી પડ્યો હતો. ઉપરાંત બાંકડો પણ ભાંગી ગયો હતો. કાર એટલી સ્પીડમાં ભટકાઈ હતી કે, કારનો આગળનો ભાગ ભાંગીને ભૂકો થઇ ગયો હતો. આસપાસ ઉભેલા લોકોએ અને રાહદારીઓએ 108માં જાણ કરી હતી દરમિયાન ખુમાનસિંહના પરિવારજનો પણ દોડી આવ્યા હતા. ઇકો ચાલક કાર મુકી ફરાર થઇ ગયો હતો. આ તરફ જામકંડોરણા પોલીસને જાણ થતાં પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. હાલ મૃતકના પુત્ર કનકસિંહ જાડેજા(ઉ.વ.35)ની ફરિયાદ પરથી ઇકો કારના ચાલક સામે આઇપીસી કલમ 304(અ), 279, 337, 338 અને એમ.વી. એકટ મુજબ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર હુડકો ક્વાર્ટર નં.129માં રહેતાં વંદનાબેન સંજયભાઇ જોષી (ઉ.વ.35)એ સાંજે એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. વંદનાબેનના પતિ સંજયભાઇ જોષી ડ્રાઇવીંગ કામ કરે છે. વંદના 12 વર્ષની દીકરી રાધિકા સાથે વારંવાર મારકૂટ કરતી હતી અને નાની-નાની વાતે તે આવુ કરી લેતી હોવાથી વંદનાને ઠપકો આપ્યો હતો અને હવે પછી મારકુટ નહિ કરે તે પ્રકારનું લખાણ પણ તેની પાસે નોટબૂકમાં કરાવ્યું હતું પણ ગઇકાલે ફરીથી દીકરી પર હાથ ઉગામી લેતાં દીકરીએ પોલીસમાં અને 181માં કોલ કરી દીધો હતો. આથી, પોતાને પકડી લેવામાં આવશે તેવો ભય લાગતાં તેણીએ એસિડ પી લીધુ હતું. પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મામાએ યુવકને મારી નાખવાની ધમકી આપી
રાજકોટના રૈયા ગામના મફતિયાપરામાં રહેતા હસમુખભાઇ મુલકભાઇ વાળા (ઉ.વ.45)એ આજે બપોરના 11 વાગ્યાની આસપાસ પોતાના ઘરે વંદા મારવાની દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયો હતો. બનાવ અંગે સિવિલ ચોકનાં સ્ટાફે પોલીસને જાણ કરી હતી. આ બનાવ અંગે યુવકે જણાવ્યું હતું કે, તેમની પત્નીને કોઈ વ્યકિત સાથે આડા સંબંધ હોય અને તેની સાથે અમદાવાદ ભાગી ગઇ હતી. જે બાદ તે શખ્સે તેમજ તેની પત્નીનાં મામાએ યુવકને મારી નાખવાની ધમકી આપતાં કંટાળીને પગલું ભર્યુ હતું. યુવકને સંતાનમાં એક પુત્રી છે. આ બનાવ અંગે પોલીસે યુવકનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.
.