કડી7 કલાક પેહલા
- કૉપી લિંક
કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઝુલાસણ ગામની સીમમાં આવેલા રવિવારે રાત્રે પ્રાઇવેટ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા અને કંપનીની તાર ફેન્સીંગ તોડીને કંપનીમાં પ્રવેશ કરી લાખો રૂપિયાના ચોરી કરી ફરાર થઈ જતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ચોરી કરનાર તસ્કરોને ઝડપી પાડી 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો, આરોપીઓને જેલના હવાલે કર્યા હતા.
કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઝુલાસણ ગામની સીમમાં ડાયટોન કુલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રવિવારે રાત્રે તસ્કરોએ ત્રાટકી તરખાટ મચાવી દીધો હતો. રાત્રિના સમયે કંપનીની પાછળના ભાગે લગાવેલા તાર ફેન્સીંગ તોડી કંપનીમાં પ્રવેશ કર્યો હતો અને કંપનીમાં રહેલા કોપર બેન્ડ, કોપર સ્ટ્રેટ ટ્યુબ, ચાર્જિંગ એનઆરવી, કોપર ટી, કોપરની નાની મોટી અલગ અલગ સાઈઝની પાઇપો સહિત કુલ રૂપિયા 10,65,262ના સરસામાનની ચોરી કરી ફરાર થઈ જતા કંપનીના માલિક રાજેશ બારોટે નંદાસણ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. જે અંતર્ગત મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીની સૂચનાથી પ્રો. IPS વિવેક ભેડાના માર્ગદર્શન હેઠળ નંદાસણ પોલીસ સ્ટેશનના PSI બી.વી ઠક્કર સહિતનો સ્ટાફ અલગ અલગ દિશામાં સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
નંદાસણ પોલીસને માહિતી મળી હતી કે, ઝુલાસણ પ્રાઇવેટ કંપનીમાં થયેલી ચોરીના આરોપી ધારપુરા ગામે રહે છે. જે અંતર્ગત સ્ટાફના માણસો અલગ અલગ ટીમ બનાવીને ધારપુરા ખાતે રહેતા રમેશ દશરથજી ઠાકોરના ઘરે પહોંચી તેને ઝડપી પાડ્યો હતો. તેને પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછતાછ કરતા ભાંડો ફોડી દીધો હતો અને તેની સાથે અન્ય ઈસમોએ મળી કંપનીમાં ચોરીને અંજામ આપ્યો હતો જેવી કબૂલાત કરી હતી.
કડી તાલુકાના ધારપુરા ગામે રહેતા રમેશ ઠાકોરને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેમજ પોલીસે નરેજી રમેજી ઠાકોર, રાવળ પરેશભાઈ જીવણભાઈ,પીન્ટુ કાળુજી ઠાકોર, ઠાકોર રમેશજી દશરથજીને ઝડપી પાડ્યા હતા. પોલીસે ચોરીને અંજામ આપનાર તસ્કરો પાસેથી રૂ. 10,32,262નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ હર્ષદ ઠાકોર, ઠાકોર અશોક, ઠાકોર દિલીપને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.