ખેડા42 મિનિટ પેહલા
- કૉપી લિંક
બગોદરા-બાવળા હાઇવે પર આજે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં 10 જિંદગી બુઝાઈ ગઈ હતી. ચોટીલા દર્શન કરી પરત ફરી રહેલા કપડવંજ તાલુકાના સુણદા ગામના ઝાલા પરિવારનો છોટાહાથી એક ટ્રક પાછળ ઘૂસ્યો હતો. જેથી ઝાલા પરિવારની 5 મહિલા, 3 બાળક અને 2 પુરુષનાં ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે 10 લોકોને ઈજા પહોંચી હતી. ઘટના બાદ સાણદા ગામમાં ભારે સન્નાટો છવાઈ ગયો છે.
અકસ્માતના સમાચાર ટીવી પર સાંભળતા ગામમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. ગામમાં તમામ રસ્તાઓ, ભાગોળ, ચોરો વગેરે સુમસામ ભાસતા જોવા મળી રહ્યા છે. ગામ લોકોએ જણાવ્યું હતું કે, રામદેવપીર મંદિર પાસે રહેતો ઝાલા પરિવાર છોટાહાથીમાં બેસી તમામ લોકો માતાજીના ધામ ચોટીલા ખાતે દર્શને ગયા હતા. આ બાદ ત્યાંથી પરત ફરતા અમદાવાદ ગ્રામ્યના બગોદરા-બાવળા હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ તેઓનું છોટાહાથી ઘૂસી જતાં અકસ્માત થયો હતો. જેમાં ઘટના સ્થળે 10 વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજયા હતા.
આ અકસ્માતમાં મોત થયેલા તમામ એક જ કુટુંબના કાકા-બાપાના સંતાનો થાય છે. હાલ તમામ મૃતકોના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બાદ મૃતકના પરિવારજનોને ડેડ બોડી સોપશે. મોડી રાત સુધી ગામમાં આવશે અને એ બાદ અંતિમ સંસ્કારની ક્રીયા કરવામાં આવનાર છે. હાલ આ સમાચારના પગલે ગામમાં ટોળેટોળાં જોવા મળી રહ્યા છે.
ગામના સરપંચ મહેન્દ્ર ઝાલા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, અમને જાણ થતાં અમે બનાવ સ્થળે જવા રવાના થયા છે. ઝાલા પરિવારના તમામ લોકો ગતરોજ ગુરુવારની સાંજે અમને મળવા આવ્યા હતા અને છેલ્લી વાત કરી હતી કે, અમે ચામુંડા માતાના દર્શન કરવા બાધા હોવાથી જવાના છીએ જે બોલ છેલ્લા હતા. આ બાદ દર્શન કરી પરત ફરતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. ગામમાં અંદાજીત 3200ની વસ્તી છે. આ પરિવારના તમામ લોકો ગામમાં આવેલા રામદેવપીર મંદિર પાસેના પીએચસી સેન્ટર નજીક રહે છે. જેમાં પરિવારના 3 મોભી છે. તમામ લોકો ખેતીવાડી કરી ગુજરાન ચલાવતા હતા.