સુરત12 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુરતના વાછરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી અને હોમગાર્ડની લાલચ એટલી હદે વધી ગઈ કે ગેરકાયદેસર કૃત્ય આચરી નાખ્યું. વરાછા પોલીસ મથકમાં PCRમાં ફરજ બજાવતા પોલીસ કર્મી અને હોમગાર્ડ જવાને બૂટલેગર પાસેથી દારૂ ઝડપી પાડ્યા બાદ તેને જમાં કરવા કે બુટલેગર સામે કાર્યવાહી કરવાને બદલે પોતાની ખાનગી કારમાં છુપાવી વહેંચવા માટે રાખી લીધો. જેની જાણ તેજ પોલીસ સ્ટેશનના અન્ય કર્મીઓને થતા રેડ કરી અને દારૂ ભરેલી કાર ઝડપી પાડી. આ સાથે જ હોમગાર્ડ જવાનને પણ ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલીસ કર્મીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં દારૂબંધી અને પોલીસના જ આ પ્રકારના કૃત્યથી હાલ આ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

દારૂ પકડ્યા બાદ બન્નેને લાલચ જાગી
સુરત પોલીસ હમણાં થોડા સમયથી વિવાદમાં આવતી રહી છે. તેવામાં સુરતના વરાછા પોલીસ મથકમાં PCRમાં ફરજ બાજવતા પોલીસ કર્મી અને હોમગાર્ડે તો હદ જ કરી નાખી હોય તેવું કૃત્ય સામે આવ્યું છે. વરાછાના પટેલનગર વિસ્તારમાંથી દારૂ ભરેલી કાર પોલીસ કોન્સ્ટેબલ લખન અને હોમગાર્ડ મિલન દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. જોકે, દારૂ જોયા બાદ બંનેને લાલચ જાગી હતી અને લાલચમાં આવી બન્નેએ બૂટલેગર પર કેસ ન કર્યો, પરંતુ દારૂ લઈ પોતાની ખાનગી કારમાં મુકાવી દીધો હતો.

ઝડપાયેલ કાર.
પાર્કિંગમાં કાર મૂકી તેના પર કપડું ઢાંકી દીધુ
આ ખાનગી કાર લખન ની હતી. જે વરાછા પોલીસ મથકમાં ફરજ બજાવે છે. બન્નેએ આ દારૂ વહેંચવા અર્થે પોતાની કારમાં રાખી સરદાર પોલીસ ચોકી પાછળ આવેલા પાલિકાના પાર્કિંગમાં કાર મૂકી તેના પર કપડું ઢાંકી છુપાવી દીધી હતી. સમગ્ર ઘટનાની જાણ વરાછા પોલીસને બાતમીના આધારે થઈ હતી. જેથી પોલીસે તાત્કાલિક જગ્યા પર જઈ તપાસ કરતા કારમાં દારૂ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે કાર અને દારૂ પોલીસ સ્ટેશન ખાતે લાવી તપાસ કરતા આ કાર પોલીસ કોન્સ્ટેબલ લખનની હોવાનું સામે આવ્યું હતું.

લખન, કોસ્ટેબલ.
પોલીસ કર્મીને પકડી પાડવા ચક્રો ગતિમાન
જેની સાથે આ કૃત્યમાં હોમગાર્ડ મિલન વિરાણી પણ સામેલ હતો. જેથી પોલીસે તપાસ દરમિયાન મિલન વિરાણીને શોધી કાઢી ધરપકડ કરી હતી, જ્યારે લખન મળી આવ્યો ન હતો. સાથે જ દારૂ અને કાર મળી કુલ 6.27 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. હાલ પોલીસ કર્મી લખનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. ગુનાની ગંભીરતાને લઈ સમગ્ર તપાસ ACPને આપવામાં આવી છે. હાલ બી ડિવિઝન એસીપી પી. કે. પટેલે સમગ્ર મામલે તપાસ હાથ ધરી પોલીસ કર્મી લખનને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મિલન વિરાણી, હોમગાર્ડ.

ભક્તિ ઠાકર, dcp સુરત પોલીસ.

જડપાયેલ મુ્દ્દામાલ.
.