ગાંધીનગર16 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગાંધીનગર પોલીસ ભવનની આઈબી શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી મકાન દલાલની ઠગાઈનો ભોગ બન્યા છે. રાંદેસણ ખાતે એક ફ્લેટ બતાવીને ગઠિયાએ કિંમત નક્કી કરી એડવાન્સ પેટે અલગ-અલગ તબક્કે કુલ રૂ.11.47 લાખ પડાવી લીધા હતા. અને મકાન માલિક અમેરિકાથી પરત આવે ત્યારે દસ્તાવેજ કરવાની ખાતરી આપી હતી. આખરે નાણાં પડાવ્યા બાદ ગાયબ થઈ ગયેલા જમીન દલાલ સામે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
ગાંધીનગરના સે-27 ખાતે પોલીસ આવાસમાં રહેતા હિતેશકુમાર કનૈયાલાલ ભાયલાલભાઈ જોષીને જાન્યુઆરી માસમં ફ્લેટ ખરીદવાનો હતો. તેમણે પરિચિત એજન્ટ રવિભાઈ નરેન્દ્રભાઈ ધાણાણી (પટેલ) સાથે પોલીસ ભવનમાં રૂબરૂ વાતચીત થઈ હતી. રાંદેસણ ખાતે વેદિકા હેપ્પી વેલીમાં બી બ્લોકમાં 103 નંબરનો ફ્લેટ તેણે બતાવ્યો હતો. ફ્લેટના માલિક અમેરિકા છે, પરંતુ ચાવી પોતાની પાસે છે, તેમ રવિએ કહ્યું હતું. ફ્લેટ માલિક અમેરિકાથી પરત આવ્યા બાદ દસ્તાવેજ થઈ જવાની ખાતરી આપી હતી.
ફ્લેટ પસંદ આવતં રૂ.32.51 લાખની કિંમત નક્કી થઈ હતી અને હિતેશ કુમારે 28 જાન્યુઆરીએ ઓનલાઈન રૂ.49,000 ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ અલગ-અલગ ટ્રાન્ઝેક્શનમાં ઓનલાઈન રૂ.1.47 લાખ અને રોકડા રૂ.10 લાખ સહિત કુલ રૂ.11.47 લાખની રકમ ફરિયાદીએ ચૂકવી હતી. મકાન માલિક આવશે ત્યારે દસ્તાવેજ થશે તેવી ખાતરી આપ્યા બાદ જુલાઈ મહિનાથી રવિનો ફોન બંધ આવતો હતો.
આખરે અમરેલીની માણેકપુરા શેરીમાં રહેતા રવિભાઈ નરેન્દ્રભાઈ ધાણાણી સામે રૂ.11.47 લાખની ઠગાઈની ફરિયાદ ઈન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાવી છે. રવિએ સુખદેવભાઈ ઈશ્વરભાઈ દેસાઈ સાથે પણ રંદેસણમાં શ્રીરંગ મોલમાં ફ્લેટ બતાવીને રૂ.17 લાખ લીધા હતા, પરંતુ દસ્તાવેજ કરી આપ્યો ન હતો. મકાન બતાવીને બે વ્યક્તિ સાથે ઠગાઈ કરનારા ગઠિયાએ અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરી હોવાનું પોલીસ માની રહી છે.