અમદાવાદ2 કલાક પેહલા
- કૉપી લિંક
ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરતી વખતે અકસ્માતની ઘટના બનતી હોય છે. જેમાં લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. છતાં પણ કેટલાક લોકો ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરતા હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન પાસે બની હતી. જેમાં એક વૃદ્ધા ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરવા જતા તેઓ નીચે પડી ગયા હતા. ટ્રેનના પાટાની પાસે જ તેઓ નીચે પડ્યા હતા. જેના કારણે તેઓનો જીવ બચાવવા 108ની મદદ લેવામાં આવી હતી. માત્ર પાંચ મિનિટમાં 108 મહિલાની મદદે પહોંચી ગઈ હતી. બુલેટ ટ્રેનનું કામ ચાલતું હોવાથી પતરા લગાવેલા હતા. જે પતરા હટાવી અને 108ના કર્મચારીઓએ તેમને ઝડપથી ચાર મિનિટમાં એલજી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આમ જે સ્થળ ઉપર કોઈપણની અવરજવર અથવા નજર ન પડે તેવી જગ્યાએ મહિલા ચાલુ ટ્રેનમાંથી પડ્યા હતા અને 108ના કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચી અને મહિલાને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

એવી જગ્યાએ પડ્યા કે જ્યાં કોઈનું ઝડપથી ધ્યાન ન જાય
108 એમ્બ્યુલન્સના મણિનગર લોકેશનના પાયલોટ મોનાર્ક શાહે gnews24x7 સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સવારે 7:15 વાગ્યાની આસપાસ અમને કોલ મળ્યો હતો કે, મણિનગર રેલવે સ્ટેશન પ્લેટફોર્મથી 500 મીટર દૂર એક મહિલા ચાલુ ટ્રેનમાંથી નીચે પડી ગયા છે અને તેઓને ઇજા થઈ છે. જેથી અમે પાંચ મિનિટની અંદર જ તે સ્થળ ઉપર પહોંચી ગયા હતા. જ્યારે અમે ત્યાં સ્થળ ઉપર જઈને જોયું તો વૃદ્ધા રેલવેના પાટા પાસે પડ્યા હતા. તેઓ હલનચલન કરી શકે તેવી પરિસ્થિતિમાં પણ નહોતા અને તેઓના પગના ભાગે ઈજા થઈ હતી. વૃદ્ધાનું શરીર પણ વધારે હતું અને એવી જગ્યાએ તેઓ પડ્યા હતા કે ત્યાં કોઈનું ઝડપથી ધ્યાન પણ ન જાય. આસપાસ બુલેટ ટ્રેનની કામગીરીના કારણે પતરા લાગેલા હતા.

પતરા હટાવી મહિલાને હોસ્પિટલ પહોંચાડી
તેઓને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવું ખૂબ જ મુશ્કેલ હતું. જેથી અમે સ્થાનિક લોકોની મદદ લીધી હતી. તેમને ઊંચા કરી અને સ્ટ્રેચર પર સુવડાવ્યા હતા. તેઓને ત્યાંથી બહાર કાઢવા માટે થઈને મણિનગર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ સુધી જઈએ તો વધારે સમય લાગે તેમ હતો. રોડ તરફ જવા વચ્ચે બુલેટ ટ્રેનના પતરા હતા. તે હટાવવા પડે તેવી પરિસ્થિતિમાં હતા, જેથી બહાર નીકળવા માટે થઈને સૌથી પહેલા એમ્બ્યુલન્સ બુલેટ ટ્રેનના પતરા પાસે લાવી દીધી હતી અને ત્યાંથી જ પતરા હટાવ્યા હતા. સ્થાનિકોની મદદથી પતરા હટાવી અને મહિલાને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા. જે બાદ માત્ર ચાર મિનિટમાં તેઓને એલજી હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા.

108 એમ્બ્યુલન્સની સરાહનિય કામગીરી
ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયેલા મહિલાનું નામ મીનાબેન મરાઠે (ઉં.વ. 60) હોવાનું જાણવા મળ્યું છે. તેઓના પગના ભાગે વધારે ઇજા થઈ હતી. 108 એમ્બ્યુલન્સના ઇએમટી અને પાયલોટ બંને દ્વારા પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જેથી તેઓ પણ તાત્કાલિક એલજી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્ત મીનાબેનની પાસે તેમનો હેન્ડબેગ સામાન, પર્સ, મોબાઇલ વગેરે હતું. જે સહી સલામત તેમના પરિવારજનોને આપવામાં આવ્યું હતું. આમ 108 એમ્બ્યુલન્સ દ્વારા ચાલુ ટ્રેનમાં પડી જવાની ગંભીર ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલી મહિલાને ત્વરિત મદદ કરી અને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.


.