રાજકોટએક કલાક પેહલા
- કૉપી લિંક
વિધાનસભાની ચૂંટણી બાદ લોકસભાની ચૂંટણી પહેલા ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ ફરી ચર્ચામાં આવ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જે રીતે રાજકીય પક્ષો સાથે સંકળાયેલા લોકો નરેશ પટેલની મુલાકાતે આવતા હતા એ રીતે હવે લોકસભા ચૂંટણી પૂર્વે પણ નેતાઓની મુલાકાત શરૂ થઇ છે. જે અંતર્ગત આજે રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ જામનગર હાઇવે પર નરેશ પટેલના ફાર્મ હાઉસની મુલાકાતે આવ્યા હતા અને પરિવાર સાથે ભોજન પણ લીધું હતું. જોકે, દર વખતની જેમ આ વખતે પણ સીએમની મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત કહેવામાં આવી હતી.
સીએમે ખોડલધામ પ્રમુખનાં ફાર્મ હાઉસની મુલાકાત લીધી
રાજકોટ શહેરમાં આજે સવારથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને તેઓ વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તનાં કાર્યક્રમમાં હાજરી આપી હતી જે બાદ તેઓએ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના ફાર્મ હાઉસની મુલાકાત લીધી હતી. રાજકોટ જામનગર રોડ પર આવેલા નરેશ પટેલના ફાર્મ હાઉસ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી અને અહીં તેઓએ નરેશ પટેલ સાથે ઔપચારિક વાતચીત કરી અને પરિવાર સાથે ભોજન લીધું હતું અને આ પછી ફાર્મ હાઉસ ખાતે બીલીપત્રના વૃક્ષનું રોપાનું વાવેતર કર્યું હતું.
નરેશ પટેલની રાજકારણમાં જોડાવવાની અટકળો શરુ
ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તેવી વાતો થઇ હતી અને આ માટે તેઓએ સર્વે કરાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેમાં સર્વે અનુસાર રાજકારણમાં ન જોડાવવા આગ્રહ હોવાથી તેઓએ રાજકારણમાં જોડાવવાની પોતાની ઇચ્છા મોકૂફ રાખી હતી. જોકે, આ સમયે ભાજપને બાદ કરતા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મોટા નેતાઓ સાથે અનેક બેઠકો થવા પામી હતી. અનેક મોટા-મોટા રાજકીય નેતાઓ નરેશ પટેલની મુલાકાતે આવ્યા હતા અને ઔપચારિક ચર્ચાઓ કરવામાં આવી હતી. આ પછી નરેન્દ્ર મોદી સાથે ખોડલધામના ટ્રસ્ટ્રીઓની મુલાકાત થઇ હતી અને પછી એ પૈકીના એક ટ્રસ્ટી રમેશ ટીલાળાને વિધાનસભાની ટિકિટ આપવામાં આવી હતી.
આજની મુલાકાતમાં રાજકીય ચર્ચા થયાની પણ અટકળો
નરેશ પટેલ દ્વારા આજની મુલાકાતને ઔપચારિક કહેવામાં આવી રહી છે પરંતુ, આ ઔપચારિક બેઠક દરમિયાન રાજકીય ચર્ચા થઇ હોય શકે છે. મુખ્યમંત્રીએ સાથે ભોજનમાં નરેશ પટેલનો પરિવાર ઉપરાંત સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય રમેશ ટીલાળા, દર્શીતાબેન શાહ, મેયર પ્રદિપ ડવ સહીતના આગેવાનો હાજર રહ્યા હતા.
.