વડોદરાએક કલાક પેહલા
- કૉપી લિંક
વડોદરા મહાનગર સેવા સદનમાં પ્રથમ અઢી વર્ષની છેલ્લી સભા મળી હતી. આ સભામાં કાઉન્સિલરોએ પોતાના વિસ્તારોના વણઉકેલ્યા અને વિકાસલક્ષી પ્રશ્નોની રજૂઆતો કરવાને બદલે પોતાના અંગત અને જૂની અદાવતોનાં પ્રશ્નોની રજૂઆતો કરી હતી. આ સભામાં જે એડ એજન્સીઓના નાણાં બાકી છે, તે વસૂલ કરવાની તેમજ ડોર ટુ ડોર કચરાની કામગીરીમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈ રજૂઆતો કરવામાં આવી હતી.
ઇજારદારોને બ્લેકલિસ્ટ કરો
પૂર્વ મેયર અને ધારાસભ્ય કેયુર રોકડીયાએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં કિઓસ્ક બોર્ડ તેમજ હોર્ડિંગ્સ લગાવતા ઇજારદાર સુજલ એડના 18 કરોડ પાલિકાને ચૂકવવાના બાકી છે. છતાં કોર્પોરેશન દ્વારા કોઇ ઠોસ કાર્યવાહી કરવામાં આવતી નથી. આવા ઇજારદારોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ. આ ઉપરાંત આ એજન્સી ઉપર આક્ષેપ કર્યા હતા. પૂર્વ મેયર અને ધારાસભ્ય દ્વારા એડ એજન્સી સામે કરવામાં આવેલા આક્ષેપોને પગલે સભામાં સન્નાટો છવાઇ ગયો હતો.
હોર્ડિંગ્સ ન લગાવ્યું
જોકે, એડ એજન્સીએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, કાઉન્સિલર કેયુર રોકડીયા દ્વારા મૂકવામાં આવેલા આક્ષેપ પાયાવિહોણા છે. એજન્સીને પાલિકા પાસેથી 20 કરોડ લેવાના છે. હાલ આરબી ટ્રેશનમા કેસ ચાલી રહ્યો છે. એજન્સીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન આવ્યા હતા ત્યારે ધારાસભ્ય કેયુર રોકડીયાનુ હોર્ડિંગ્સ લગાવવાનું રહી ગયું હતું. જેની અદાવત રાખી આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
એક વર્ષથી રજૂઆત
આજની સભામાં ભાજપા કાઉન્સિલર આશિષ જોષીએ ડોર ટુ ડોર કચરાની ચાલતી ગાડીઓમાં મોટો ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવા છતાં, ઇજારદાર સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ અંગે છેલ્લા એક વર્ષથી રજૂઆત કરી રહ્યો છું. આ રજૂઆતના અનુસંધાનમાં મેયરે જવાબ આપતા જણાવ્યું કે, હાલ ઇજારદારને એક ટન કચરા પેટે 700 થી 800 ચૂકવવામાં આવી રહ્યા છે. બીજા ઇજારદારો 1000 થી 1200 માગી રહ્યા છે.
આરોગ્ય વિભાગની કામગીરી શંકાસ્પદ
કોગ્રેસના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા વહાલા દવલાની નિતી અપનાવી કામગીરી કરી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા પનીરની તપાસ પંદર દિવસ ચોક્કસ દુકાનો અને ઉત્પાદકોની ત્યાં કરવામાં આવી હતી. એક ઉત્પાદકની ત્યાં સીલ મારી દેવામાં આવ્યું હતું. બાદમાં ઉત્પાદક હાઇકોર્ટની મદદ લેતાં, હાઇકોર્ટના હુકમથી સીલ કરવાની ફરજ પડી હતી. તો આ કેવી કામગીરી કરવામાં આવી. પાણીપૂરીમાં પણ પંદર દિવસ અભિયાન ચાલુ રાખ્યું તે પણ બંધ થઇ ગયું. આજે ઠેર ઠેર આરોગ્યને નુકસાન કરે તેવી પાણી પૂરી વેચાવાની શરૂઆત થઇ ગઇ છે..
છેલ્લી સભામાં ઉકળાટ
આ ઉપરાંત આજની સભામાં કાઉન્સિલરોએ પોતાના વિસ્તારના પાણી, ડ્રેનેજ, રસ્તા જેવા પ્રશ્નો અંગે વહીવટી વિભાગને ભીસમા લેવાનો પ્રયાસ કર્યો હતો. વડોદરા કોર્પોરેશનમાં ચૂટાયેલા પ્રતિનિધિઓના પ્રથમ અઢી વર્ષ આગામી 9 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઇ રહ્યા છે. ત્યારે આજે મળેલી પ્રથમ અઢી વર્ષની છેલ્લી સામાન્ય સભામાં કાઉન્સિલરોએ પોતાના અંગત પ્રશ્નોને લઈ ઉકળાટ ઠાલવ્યો હતો.
.