વડોદરા6 મિનિટ પેહલા
- કૉપી લિંક
તિજોરીનું લોક તોડી દાગીના-રોકડની ચોરી તસ્કરો કરી ગયા
સાવલી તાલુકાના ભાદરવા ગામના છાસટીયા ફળિયામાં મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. અને સાળાના ઘરે ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી કન્યાદાનમાં મળેલા સોનાના હાર સહિત 8.50 તોલા સોનાના દાગીના તેમજ રૂપિયા 40 હજાર રોકડ મળી કુલ્લે રૂપિયા 1.58 લાખનો મુદ્દામાલ ચોરી ફરાર થઇ ગયા હતા. ગામમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે ભાદરવા પોલીસે તપાસ હાથ ધરી છે.
ખેતી અને દુકાન ધરાવે છે
ભાદરવા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ભાદરવાના છાસટીયા ફળિયામાં યોગેશકુમાર મહેન્દ્રસિંહ છાસટીયા પરિવાર સાથે રહે છે. અને ખેતી તથા ગામમાં સોનલ સાડી સેન્ટર નામની દુકાન ધરાવી વેપાર કરે છે. તા.12 ઓગષ્ટના રોજ તેઓ પરિવાર સાથે પાદરા તાલુકાના જાસપુર ગામમાં રહેતા સાળાના ઘરે ગયા હતા. અને રાત્રી રોકાણ કર્યું હતું.
તસ્કરો જાણભેદુ હોવાનું અનુમાન
પરિવાર સાળાના ઘરે ગયું હતુ
દરમિયાન તા.13 ઓગષ્ટના દિવસે વેપારી યોગેશકુમારને તેમના ભાદરવા ગામમાં રહેતા જયદીપસિંહે ફોન કરીને જણાવ્યું કે, તમારા મકાનનું તાળું તૂટેલું છે. સમાચાર મળતાજ યોગેશભાઇ પરિવાર સાથે ભાદરવા ખાતે દોડી આવ્યા હતા. ઘરે પહોંચેલા પરિવારે મકાનના મુખ્ય દરવાજાનું લોક તૂટેલું જોતા ચોંકી ઉઠ્યું હતું.
ભાઇએ ચોરીની જાણ કરી
પરિવારે ઘરમાં જઇ વધુ તપાસ કરતા ઘરમાં મૂકેલી તિજોરીનું તાળું પણ તૂટેલું જોયું હતું અને તિજોરીનો સામાન વેરવિખેર પડેલો જોયો હતો. તિજોરના મુખ્ય ખાનામાં તપાસ કરતા પત્ની સોનલબહેનને લગ્ન સમયે કન્યાદાનમાં મળેલો અઢી તોલાનો (25 ગ્રામ)નો રૂપિયા 40,000નો હાર, રૂપિયા 60 હજારની કિંમતના પાંચ તોલાના (250 ગ્રામ)ના હાથના પાંચા, રૂપિયા 15 હજારની કિંમતની એક તોલાની કાનની બુટ્ટી, ડબામાં મૂકેલા રૂપિયા 40 હજાર રોકડા મળી કુલ્લે રૂપિયા 1,58,000નો મુદ્દામાલ કોઇ તસ્કરો ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ભાદરવા ગામમાં ચકચાર
દરમિયાન યોગેશભાઇ છાસટીયાએ બનાવ અંગેની જાણ ભાદરવા પોલીસને કરતા પી.એસ.આઇ. ડી. જે. લીંબોલા સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી. ચોરીના આ બનાવે ગામમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. બંધ મકાનમાં થયેલી ચોરીના આ બનાવમાં કોઇ જાણભેદુ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. ભાદરવા પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા માટે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
.