સુરત2 કલાક પેહલા
- કૉપી લિંક
ખૂનની કોશિશના ગુનામાં નાસતા-ફરતા આરોપીને PCB પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી સામે સુરતનાં મહિધરપુરા પોલીસ મથકમાં હત્યાની કોશિશ અંગેનો ગુનો દાખલ થયો હતો અને આ ગુનામાં તે છેલ્લા 27 વર્ષથી નાસતો ફરતો હતો.જોકે, આખરે PCB પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
27 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ
સુરતમાં PCB પોલીસની ટીમને 27 વર્ષથી ખૂનની કોશિશનાં ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. PCB પોલીસે બાતમીના આધારે સુરતનાં સચિન વિસ્તારમાંથી આરોપી ડાક્ટર ઉર્ફે ડાકા વનમાળી ઉર્ફે બનમાળી પ્રધાન (ઉ.51)ની ધરપકડ કરી હતી.
ભાવતાલ બાબતે ઝઘડો થતાં લાકડાથી ફટકાર્યો
પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, આરોપી પોતે વર્ષ 1997ના મે મહિનામાં કતારગામ જૂની GIDC ખાતે રહેતો હતો. આ દરમિયાન 22-5-1997નાં રોજ પોતે તથા તેનો મિત્ર પ્રકાશ, અરુણ અને રવિ સાથે ભેગા મળી સુમુલ ડેરી રોડ પાસે દેહવ્યાપારનો ધંધો કરતા અસલમ નામના શખ્સ પાસે ગયા હતા. જ્યાં દેહવ્યાપાર કરતી મહિલાના ભાવતાલ બાબતે તેની સાથે ઝઘડો થયો હતો, જે ઝઘડામાં તેઓએ અસલમના માથાના ભાગે અસ્ત્રાથી તેમજ લાકડાના ફટકાથી માર માર્યો હતો.
પોતાના વતન ઓડીશા ખાતે ભાગી ગયો
આ બાબતે પોલીસે ગુનો નોંધી તેને વોન્ટેડ દર્શાવ્યો હતો. જેથી, પોલીસ તેને શોધતી હોય આરોપી શહેર છોડી પોતાના વતન ઓડીશા ખાતે ભાગી ગયો હતો. જ્યાં એકાદ અઠવાડિયું રોકાઈને કેરલ રાજ્ય ખાતે જઇ ત્યાં કડીયા કામની મજૂરીએ લાગી વીસેક વર્ષ ત્યાં રહ્યો હતો અને ત્યારબાદ ફરી પોતાના વતન ઓડીશા ખાતે આવી ત્યાં સાતેક વર્ષ રોકાઈને ખેતીકામ કર્યું હતું.
આરોપીની સુરતથી ધરપકડ કરી
જોકે, હાલમાં છેલ્લા 3 મહિનાથી સુરત ખાતે આવી વિસ્તાર બદલી સચિન વિસ્તારમાં ભાડેથી રહેવા લાગી સંચા મશીનમાં કામ કરવા લાગ્યો હતો.ત્યારે આ સમગ્ર મામલે PCB પોલીસે બાતમીને આધારે આરોપીને સુરતના સચિનથી ઝડપી પાડી ધરપકડ કરી હતી. ત્યારબાદ તેનો કબ્જો મહિધરપુરા પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
.