પાટણ27 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાટણમાં મંદિર પરિસરમાં મહાયજ્ઞ માટે 19 યજ્ઞ કુંડ બનાવી આકર્ષક અતિરુદ્ર મહા યજ્ઞનો ઘાસનો પ્રવેશદ્રાર બનાવવામા આવ્યો છે.
- 70 ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે 19 યજ્ઞ કુંડમાં 51 યજમાનો બિરાજમાન થઈ મહાદેવની આરાધના કરશે
પાટણમાં સરસ્વતી નદીના કાંઠે આનંદેશ્વર મહાદેવ મંદિરમાં સમસ્ત શિવભક્તો સાથે મળીને શ્રાવણ માસ નિમિત્તે 11 દિવસના ભવ્ય અતિરુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞ શુક્રવારે સવારે 8:30 વાગે આંતરરાષ્ટ્રીય કથાકાર ડૉ.લંકેશ બાપુની ટીમની ઉપસ્થિતિમાં આરંભ થશે. મહાયજ્ઞમાં વિવિધ ધાર્મિક વિધિઓ અને કાર્યક્રમો યોજાશે.
આનંદેશ્વર મહાદેવ મંદિરમાં આયોજિત અતિરુદ્ર મહાયજ્ઞમાં શિવજીની આરાધના માટે જ્ઞાની 70 ભૂદેવોની ટીમના મંત્રોચ્ચાર વચ્ચે 19 યજ્ઞ કુંડ દૈનિક 51 ભક્તો યજમાનો તરીકે બિરાજમાન થશે. સવારે 9:00 વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધી આરાધના થશે. પ્રથમ દિવસે વિશેષ પૂજા વિધિ સાથે 8:30 કલાકે પ્રારંભ થનાર છે. અતિરુદ્ર મહાયજ્ઞના દર્શનનું વિશેષ મહત્વ હોય રોજ શહેર સહિત ઉત્તર ગુજરાતમાંથી અંદાજે 5000 જેટલા લોકો દર્શન કરવા માટે આવવાનો અંદાજ છે.
આ તમામ ભક્તો માટે શહેરમાંથી એકત્ર કરેલ અનાજમાંથી અંદાજે 150 મણ લાડુનો પ્રસાદ બનાવી ભક્તોને અપાશે. મહાયજ્ઞ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.ભક્તોને મંદિર સુધી આવવા માટે ત્રણ રસ્તાથી મંદિર સુધી રસ્તા ઉપર ફોટો પોસ્ટર લગાડ્યા છે. મંદિર પરિસરમાં ભક્તો માટે વરસાદ પાર્કિંગ બેસવા માટે અને દર્શન કરવા માટે અલગથી સુવિધાઓ અને વ્યવસ્થા કરવામાં આવી છે.
વૃદ્ધાશ્રમોમાં રહેતા વડીલો માટે સ્પેશિયલ દર્શનની વ્યવસ્થા
અતિ રુદ્ર મહાયજ્ઞ આયોજન કમિટી દ્વારા મહાયજ્ઞના દર્શનનો લ્હાવો વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને મળે માટે વિશેષ આયોજન કર્યું છે.જેમાં કમિટીના સભ્યો દ્વારા પાટણ સહિત આસપાસના 11 જેટલા વૃદ્ધાશ્રમ હોય વારાફરતી તમામ વૃદ્ધાશ્રમનાં વડીલોને એક એક દિવસ માટે મંદિરમાં લાવી મહાયજ્ઞના દર્શન કરાવી પ્રસાદ આપી કાળજી પૂર્વક સાંજે પરત મૂકવાની વ્યવસ્થા કરી છે.
.