અમદાવાદ21 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ફરજ બજાવતા 8 અધિકારીઓને બોગસ સ્પોન્સરશિપ લેટર મામલે તપાસ બાદ કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. બે ડિવિઝનલ ફાયર ઓફિસર, પાંચ સ્ટેશન ઓફિસર અને એક સબ સ્ટેશન ઓફિસર સહિત 8 લોકોને કારણદર્શક નોટિસ પાઠવી અને તેઓ પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. નાગપુરની પાર કોલેજમાં સ્પોન્સરશિપના આધારે પ્રવેશ મેળવી અને ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી મેળવનારા અધિકારીઓ સામે તપાસ શરૂ કરવામાં આવી હતી. મ્યુનિ.ની વિજિલન્સ તપાસ બાદ હવે આ તમામ 8 અધિકારીઓને નોટિસ ફટકારી અને સાત દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે.
નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં બોગસ સ્પોન્સરશીપના આધારે પ્રવેશ મેળવ્યો હતો જે મામલે નાગપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. બોગસ સ્પોન્સરશિપ લેટર ના આધારે પ્રવેશ મેળવી અને ડિગ્રી મેળવવામાં આવી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓએ પણ સ્પોન્સરશિપના આધારે પ્રવેશ મેળવ્યો હોવાને લઇ વિજિલન્સ તપાસ શરૂ કરાઇ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ શરુ કરવામા આવી હતી. વિજિલન્સ તપાસ ચાલતી હોવાથી કેટલાક અધિકારીઓના પ્રોબેશન પિરીયડમાં વધારો કરવાનો પણ નિર્ણય કોર્પોરેશન તરફથી કરવામાં આવતો હતો,
અમદાવાદ ફાયર વિભાગમાં ડીવીઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા ઈનાયત શેખ, ઓમ જાડેજા temj સ્ટેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા શુભમ ખડીયા, અભિજિત ગઢવી, સુધીર ગઢવી, અનિરુધ્ધસિંહ ગઢવી અને મેહુલ ગઢવી તેમજ સબ સ્ટેશન ઓફિસર આસિફ શેખ સહિત તમામને મ્યુનિસિપલ કોર્પોરેશનનાં IR વિભાગ દ્વારા શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સાત દિવસમાં તમામ અધિકારીઓએ ખુલાસો આપવાનો રહેશે જો તેઓ દ્વારા ખુલાસો નહીં આપવામાં આવે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રો મુજબ ફાયર ઓફિસર અભિજિત ગઢવી અમદાવાદ ફાયર વિભાગ અને સરકાર બે જગ્યાએ ફરજ બજાવે છે. અભિજિત ગઢવીની સરકારમાં રીજીયનલ ફાયર ઓફિસર તરીકે નિમણૂંક થતા તેમણે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને પોતાનુ રાજીનામુ આપ્યુ હતુ.જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મંજુર કર્યુ નથી.
.