રાજકોટ16 મિનિટ પેહલા
- કૉપી લિંક
રક્ષાબંધનના પવિત્ર તહેવારની પૂર્વ પ્રભાતે રાજકોટમાં એક અનોખા રક્ષાબંધન તહેવારનું આયોજન જોવા મળ્યું હતું. રાજકોટની વિરાણી હાઈસ્કૂલ ખાતે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા બિગેસ્ટ ફૂડ રાખી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 45 ફૂટ લાંબી કુલ 230 સ્ક્વેર ફૂટ જગ્યામાં સ્ટેશનરી રાખડી તૈયાર કરાઈ છે. આ રાખડીની અંદર પેન્સિલ, રબર, બોલપેન, કલર, સ્વાધ્યાયપોથી, નોટબુક્સ, વગેરે જેવી સ્ટેશનરી વસ્તુઓ સાથે ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ રાખડીમાં ઉપયોગમાં લેવાયેલી તમામ વસ્તુઓ રાજકોટ મનપા સંચાલિત શાળાઓ તેમજ ઝૂંપડપટ્ટીના જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓમાં વિતરણ કરવામાં આવશે.
રાખડીની બધી વસ્તુઓનું વિતરણ ઝૂંપડપટ્ટીના બાળકોને
રાજકોટની વિરાણી હાઇસ્કૂલના આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, વિરાણી હાઈસ્કૂલ ખાતે રક્ષાબંધનની પૂર્વ પ્રભાતે 45 ફૂટ લાંબી અને આશરે 230 સ્કેવર ફૂટની સ્ટેશનરીની વિવિઘ વસ્તુઓ જેવી કે ડ્રોઇંગ બુક, પેન્સીલ, શાર્પન, ઈઝર, સ્કેલ, સ્કેચપેન, દેશી હિસાબ, ચોપડા વગેરેની મદદથી મેગા પ્રેરક રાખડી હાઇસ્કુલના બાળકો તથા શિક્ષકોએ બનાવી હતી. રાખડીની બધી ચીજ વસ્તુઓ શાળાનાં બાળકોએ પોતાના પોકેટ મનીમાંથી તથા સી.જે. ગ્રુપના સહયોગથી એકત્રીત કરવામાં આવી હતી. રાખડીની બધી વસ્તુઓનું વિતરણ કોર્પોરેશનની શાળાના બાળકોને તથા ઝૂંપડપટ્ટીના બાળકોને આપવામાં આવશે.
બાળકોને વધુ વૃક્ષો વાવવાના શપથ લેવડાવ્યા
આ સાથે પ્રકૃતિનું રક્ષણ કરવા હેતુથી બાળકોએ વૃક્ષોને કંકુ તિલક કરી, રાખડી બાંધી વૃક્ષોને ઉછેરવાની અને પર્યાવરણનું રક્ષણ ક૨વાની ખાતરી આપી હતી. શાળાના બાળકોને વધુને વધુ વૃક્ષો વાવવાના શપથ લેવડાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડિયા સહિતના લોકો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહીત કર્યા હતા.
સમાજ માટે પ્રેરણારૂપ અને મદદરૂપ
ઉલ્લેખનીય છે કે, વિરાણી હાઈસ્કૂલ દ્વારા દર વર્ષે હિન્દૂ સંસ્કૃતિને અનુરૂપ હિન્દૂ સંસ્કૃતિની જાળવણી માટે અને હિન્દૂ સંસ્કૃતિ વારસો જાળવી રાખવા માટે દરેક તહેવારની આ રીતે અનોખી ઉજવણી કરવામાં આવતી હોય છે. એ જ રીતે આજની આ ઉજવણી પણ સમાજ માટે પ્રેરણારૂપ અને મદદરૂપ બની છે.
.