વડોદરાએક કલાક પેહલા
- કૉપી લિંક
શહેરના સમા પાસેથી પસાર થતી નર્મદા કેનાલ જીવલેણ પૂરવાર થઇ રહી છે. આજે વધુ એક ધોરણ-11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી છાણી TP-13 પાસેથી પસાર થતી કેનાલમાં ન્હાવા પડતા તણાઇ ગયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા લાપતા વિદ્યાર્થીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, મંગળવારે સમા નર્મદા કેનાલમા બે વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. બંને કિશોરોના મૃતદેહ આજે મળ્યા હતા.
ન્હાવા કેનાલમાં છલાંગ મારી
મળેલી માહિતી પ્રમાણે સમા નર્મદા કેનાલથી 3 કિલોમીટર દૂર આવેલી છાણી TP-13 કેનાલમાં વિસ્તારની શિવમ સોસાયટીમાં બા-બાપુ સાથે રહેતો. મૂળ ઉત્તરપ્રદેશનો ધોરણ-11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી આદિત્ય આજ રોજ સ્કૂલમાં બંક મારી તેના બે મિત્રો સાથે TP-13 કેનાલ પર જઈ મજા માણતો હતો ત્યારે તેના બે મિત્રો કેનાલની બહાર હતા અને આદિત્યએ કેનાલમાં ન્હાવા માટે છલાંગ લગાવી હતી.
પરિવારનું હૈયાફાટ રૂદને સન્નાટો પથાર્યો
આદિત્ય કેનાલનાં પાણીમાંથી બહાર ન આવતા ગભરાઈ ગયેલ તેના બંને મિત્રો દ્વારા બૂમાબૂમ કરતા સ્થાનિક રહીશો કેનાલ ખાતે દોડી આવ્યા હતા અને ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. તુરંત જ છાણી TP -3ના ફાયર લશ્કરોની ટીમ રેસ્ક્યુ સાધનો સાથે તાત્કાલિક કેનાલ ખાતે દોડી ગઇ હતી અને કેનાલના પાણીમાં ઘરકાવ થઇ ગયેલ આદિત્યની શોધખોળ હાથ ધરી હતી. જોકે, ફાયર લશ્કરોની ભારે જેહમત બાદ પણ આદિત્યનો કોઈ પતો લાગ્યો ના હતો. આ બનાવની જાણ પરિવારને થતાં તેઓ કેનાલ ખાતે દોડી આવ્યા હતાં. જ્યાં પરિવારના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો.
વિસ્તારમાં ચકચાર મચી ગયો
સમા કેનાલ બાદ આજે છાણી TP-13 કેનાલમાં વધુ એક વિદ્યાર્થી ડૂબી જતાં વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટનાસ્થળ ઉપર દોડી ગઇ હતી. આ બનાવને પગલે પરિવારજનોમાં ગમગીની ફેલાઇ ગઇ હતી.
.