સુરેન્દ્રનગર27 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ બંને જૂથના લોકો એકબીજા પર લાકડીઓ અને અન્ય હથિયાર લઈ તૂટી પડતા ચારલોકો લોહીલુહાણ થઈ ગયા હતા. ઝઘડો એટલે ઉગ્ર હતો કે નજીકમાં ઉભેલા અન્ય લોકોની કંપારી છુટી ગઈ હતી. અન્ય લોકો આગળ વધી લોકોને છુટા પડાવવા જવાની હિંમત કરી શક્યા ન હતા. આ મામલે 8 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે ચાર લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

રિક્ષામાં પેસેન્જર બેસાડવાને લઈ મામલો બિચક્યો
બે જૂથના લોકો ખારાઘોડા અને પાટડી વચ્ચે સીએનજી રિક્ષા ચલાવવાનું કામ કરે છે. આ રૂટ પર પેસેન્જર બેસાડવાને લઈ બંને જૂથના લોકો વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદમાં મારામારીમાં પલટી હતી. બંને જૂથના લોકો એકબીજા પર લાકડીઓ લઈ તૂટી પડ્યા હતા. જેમાં ચાર લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાં એક વ્યકિતને બ્રેઈન હેમરેજ થઈ જતા સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મામલો શાંત પાડવામાં અન્ય લોકોની હિંમત ન ચાલી
પાટડીના ખારાઘોડામાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણનો જે વીડિયો વાઈરલ થયો છે તેમાં બંને જૂથના લોકો લાકડીઓ લઈ એકબીજા પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે. ધોળેદિવસે થયેલી બબાલ સમયે ગામના અન્ય લોકો અને મહિલાઓ પણ આસપાસ હાજર જોવા મળી રહી છે. પરંતુ, મારમારી એટલી ઉગ્ર હતી કે અન્ય લોકોની નજીક જવાની હિંમત ચાલી ન હતી.

પોલીસે આઠ લોકોની અટકાયત કરી
આ બનાવ અંગે ખારાઘોડાના આઠ શખશો વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. ખારાઘોડા ગામના જલા બાબુ બેલીમેં ખારાઘોડા ગામના જ મુકેશ ઠાકોર, ખોડાભાઈ, બુટા રમા, લાલા મુંજા અને બેચરભાઈના ત્રણ દીકરા બળદેવ, પુના કાળા વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પાટડી પીએસઆઇ ઝેડ.એલ.ઓડેદરાએ જણાવ્યું કે, આ બંને વ્યક્તિ ખારાઘોડા અને પાટડી વચ્ચે સીએનજી રીક્ષા ચલાવવાનું કામ કરે છે. જેમાં બંને વચ્ચે પેસેન્જરોને બેસાડવા બાબતે બોલાચાલી થયાં બાદ ઉગ્ર ઝગડો થયો હતો. જેમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વ્યક્તિની ફરિયાદના આધારે હાલ આઠેય આરોપીઓની અટક કરી કોરોના ટેસ્ટ કરવા સાહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.