અમદાવાદ22 મિનિટ પેહલા
- કૉપી લિંક
રખડતા ઢોર નિયંત્રણ પોલિસીનો અમદાવાદમાં એક સપ્ટેમ્બરથી અમલ શરૂ થયો છે. ઢોર નિયંત્રણ પોલિસીની અમલવારી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગને કડક સૂચના આપવામાં આવી છે. જેના પગલે આજે શનિવારે બપોરે 4 વાગ્યા સુધીમાં કુલ 119 જેટલાં ઢોર પકડવામાં આવ્યા છે. સાતેય ઝોનમાં કામગીરીમાં સૌથી વધારે ઢોર શહેરના ગોતા, એસટી ગીતામંદિર, ઠક્કરબાપાનગર, સમ્રાટનગર, અમરાઈવાડી કુબેર નગર સહિતના વિસ્તારોમાંથી ઢોર પકડાયા છે. ધરણીધર સોસાયટી અને કૃષ્ણનગર વિસ્તારમાં જાહેર રોડ ઉપર ઘાસચારો વેચતા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, કુલ ત્રણ અલગ-અલગ પોલીસ ફરિયાદો નોંધાવવામાં આવી છે.
નંબર વગરનાં વાહનો લઈને હરતાફરતા પશુમાલિકોને અટકાવો
જોકે, ઢોર પકડવા માટે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની CNCD વિભાગની ગાડી નીકળે છે ત્યારે કેટલાક પશુમાલિકો દ્વારા બાઈક અને લાકડીઓ લઈ અને ઢોર પાર્ટીની આગળ પાછળ જાય છે. આવા બાઈકર્સ ગેંગ સામે કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી અથવા તો તેઓને દૂર કરવામાં આવ્યા નથી. નંબર પ્લેટ વગરના વાહનો અને લાકડીઓ લઇ અને આવા પશુ માલિકો રોડ ઉપર ફરી રહ્યા છે અને જ્યારે પણ ગાડી નીકળે છે ત્યારે ત્યાં તેઓ જાહેર રોડ ઉપર ફરતા પશુઓને લાકડીઓ વડે ભગાડે છે, તેનાથી પણ અકસ્માત થવાની સંભાવના રહે છે ત્યારે સ્થાનિક પોલીસની સાથે કોઈપણ સંકલન જોવા મળ્યું નથી અને એક પણ આવી પોલીસ ફરિયાદ નોંધાવી નથી.
સાંજે 4 વાગ્યા સુધીમાં 119 જેટલા ઢોર પકડાયા
રખડતા ઢોર નિયંત્રણ પોલિસી અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા પ્રથમ દિવસે માત્ર 58 જેટલા ઢોર પકડવામાં આવ્યા હતા જે બાદ આજે ઢોર પકડવાની કામગીરીમાં વધારો કરી અને સાંજે 4 વાગ્યા સુધીમાં 119 જેટલા ઢોર પકડાયા છે જેમાં સૌથી વધુ ઢોર દક્ષિણ ઝોનમાં કુલ 41 જેટલા પકડવામાં આવ્યા છે. 3660 કિલો ઘાસચારો પણ જપ્ત કરવામાં આવ્યો છે. ઉત્તર, પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ઘાસચારો વેચવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. 36 જેટલા ઢોરમાં RFID ટેગ લગાડવામાં આવ્યા છે. જાહેર રોડ ઉપર ક્યાંય પણ રખડતા ઢોર મુકવામાં ન આવે, ટ્રાફિકમાં કોઈ અડચણ ન ઊભી થાય તેને લઈ પશુ માલિકો અને સૂચના આપવામાં આવી છે.
.