ગાંધીનગર16 મિનિટ પેહલા
- કૉપી લિંક
કલોલના પિયજ રોડ પાસેના દત્તવીલા બંગલોમાં રહેતાં પરિવારની ગાઢ નિંદ્રાનો લાભ ઉઠાવી તસ્કરો બેડરૂમની બારીની ગ્રીલ પહોળી કરી અંદર પ્રવેશીને કબાટના ડ્રોવરમાં મુકેલ સોના ચાંદી દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂ. 1 લાખ 75 હજારની મત્તા ચોરીને સિફતપૂર્વક પલાયન થઈ જતાં કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ કર્ણાટકના વતની હાલમાં કલોલ પિયજ રોડ દત્તવિલા બંગ્લોઝ મકાન નંબર – 20 માં રહેતાં 62 વર્ષીય અનિલ રામારાઓ અત્ઝર છત્રાલ કુબેર મેટપેક પ્રા.લી.માં પ્રોડક્શન સુરપરવાઇઝર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. 22 મી ઓગસ્ટના રાત્રીના સાડા અગિયાર વાગે અનિલભાઈ પરિવાર સાથે મકાનમાં આવેલ ઉપરના બેડ રૂમમાં સુવા માટે ગયા હતા.
બીજા દિવસે સવારે સાડા પાંચ વાગે અનિલભાઈ જાગીને નીચે આવ્યા હતા. ત્યારે નીચેના હોલમાં કાગળો તથા કપડા અસ્ત વ્યસ્ત હાલતમાં પડેલા જોઈ ચોંકી ઉઠયા હતા. અને બેડરૂમનો દરવાજો પણ ખુલ્લી હાલતમાં હોવાથી તેમણે વધુ તપાસ કરતાં બારીની ગ્રીલ પહોળી કરેલી હાલતમાં જોવા મળી હતી.
બાદમાં તેમણે પરિવારના અન્ય સભ્યોને જગાડીને ઘરમાં ચોરી થયાની જાણ કરી હતી. એટલે પરીવારજનોએ બેડરૂમનાં કબાટ ચેક કરતાં અજાણ્યા ઈસમો ડ્રોવર તોડી સોનાની વીંટી, સોનાની ચેન, સોનાની કાનમાં પહેરવાની બુટ્ટી, સોનાનો નેકલેસ, સોનાનું મંગળસુત્ર, ચાંદીનું બ્રેસલેટ તેમજ રોકડ રૂા 15 હજાર મળીને કુલ રૂ. 1.75 લાખની મત્તા ચોરી ગયાનું પ્રકાશમાં આવ્યું હતું.
આ બનાવના પગલે અનિલભાઈએ જાણ કરતાં કલોલ શહેર પોલીસ ઘટનાસ્થળ ઉપર દોડી ગઈ હતી. અને ડોગ સ્કવોર્ડ તેમજ ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની ટીમને બોલાવી લીધી હતી. બાદમાં પોલીસે આસપાસના વિસ્તારોમાં તપાસ કરી સોસાયટી સહિતના સીસીટીવી કેમેરાની ચકાસણી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.