રાજકોટ27 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજકોટ શહેરના બજરંગવાડી નજીક પુનિતનગરમાં બી ડિવિઝન પોલીસ મથકના પોલીસમેન કમલેશ ઉર્ફે લાલો રમેશભાઈ મહેતાએ પાડોશી વિપ્ર દંપતીની સામાન્ય બાબતે છરીના ઘા ઝીંકી કરેલી હત્યામાં સેશન્સ કોર્ટે પોલીસમેનને 25 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. આ સજાનાં હુકમ સામે આરોપી પોલીસમેને હાઇકોર્ટમાં કરેલી અપીલ ફગાવી દઈ સેશન્સ કોર્ટનો હુકમ યોગ્ય ઠેરવી સજાનો હુકમ યથાવત રાખ્યો છે.
પોલીસની વર્ધીમાં છરીના ઘા ઝીંક્યા
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના પુનિતનગરમાં રહેતા અને આઇઓસીમાં ફરજ બજાવતા ભૂપતભાઇ વિઠ્ઠલભાઈ તેરૈયા અને તેમના પત્ની ગુણવંતીબેન ભૂપતભાઇ તરૈયાની ગત તા.7.04.2014ના રોજ બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા કમલેશ ઉર્ફે લાલો રમેશભાઈ મહેતાએ પોલીસની વરધીમાં દીનદહાડે છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા નીપજાવેલી હતી. જેમાં ગુણવંતીબેનના ભાઇ કિરણભાઈ મંડીરે ફરિયાદ નોંધાવેલી હતી.
પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપ્યો
આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતક દંપત્તીના પુત્ર સુધિરને ગાંધીગ્રામ પોલીસ મથકે રક્ષણ હેઠળ બેસાડવામાં આવ્યા હતા અને ગાંધીગ્રામ પોલીસે ગણતરીના કલાકોમાં પોલીસમેન આરોપીની ઘરપકડ કરી હતી. આરોપીએ ઘરેથી લોહી વાળી નેમ પ્લેટ વાળી વર્ધી અને એરપોર્ટની દીવાલ પાસેથી છુપાવેલી છરી કાઢી આપી હતી.
પત્નીનું મોત થતાં ઘટના ડબલ મર્ડરમાં પરિણમી
તપાસ દરમિયાન પાડોશી ભુપતભાઇ ફળીયામાં ખુરશી નાખીને બેસતા હોય તે માતાને પસંદ ન હોવાથી અવાર નવાર ઝઘડો થતો હતો. પાડોશી પરિવાર વચ્ચે બોલાચાલીની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકેથી યુનિફોર્મમાં આરોપી પુનિતનગરમાં દોડી આવ્યો હતો. ઘરમાંથી છરો લઇ ભૂપતભાઈ તેરૈયા પર હુમલો કરતા તેઓને બચાવવા વચ્ચે પડેલા તેમના પત્ની ગુણવંતીબેનને છરી ઝીંકી દીધી હતી. ગંભીર રીતે ઘવાયેલા ભૂપતભાઈ અને તેમના પત્ની ગુણવંતીબેનનું મોત થતા બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો હતો.
25 વર્ષની સજા અને દંડનો હુકમ યથાવત
આ કેસમાં રાજકોટના એડિશનલ સેશન્સ જજ ડી. ડી. ઠક્કરે તકસીરવાર ઠેરવી 25 વર્ષની સજા અને દંડનો હુકમ કરેલ હતો. આ હુકમ સામે આરોપી પોલીસમેન કમલેશ ઉર્ફે લાલાએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જે અપીલ ચાલી જતા જેમાં બંને પક્ષોની લંબાણ પુર્વકની રજૂઆત બાદ મૂળ ફરિયાદીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલિલ તેમજ દસ્તાવેજી પુરાવા અને ઉચ્ચ અદાલતનાં ચુકાદા ઓ રજુ કરેલા જે હાઇકોર્ટનાં ન્યાયાધીશે લક્ષમાં લઇ આરોપી પોલીસમેન કમલેશ ઉર્ફે લાલોની અપીલ ફગાવી દઈ અને સેસન્સ કોર્ટનો સજાનો હુકમ યથાવત રાખ્યો છે.
.