વડોદરા15 મિનિટ પેહલા
- કૉપી લિંક
- બુલબાર્સ; 2017થી પ્રતિબંધ, મેયર સહિતના પદાધિકારી દ્વારા નિયમ ભંગ
સાહિલ પંડ્યા
કેન્દ્ર સરકાર દ્વારા 2017થી વાહનો પર બુલબાર્સ/ક્રેશ ગાર્ડ લગાવવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. જોકે આ પ્રતિબંધને 5 વર્ષ વીતવા છતાં વડોદરાના ઉચ્ચ અધિકારીઓ નિયમથી ઉપરવટ જઈ પોતાનાં વાહનો પર બુલબાર્સ લગાવીને ફરી રહ્યા છે. ભાસ્કરે 50થી 60 હોદ્દેદારો-અધિકારીઓની કારની તપાસ કરતાં 50થી વધુ કારમાં બુલબાર્સ હોવાનું જાણવા મળ્યું હતું. મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 52 મુજબ વાહનો પર બુલબાર્સ લગાવવા ગેરકાયદે છે. જે હેઠળ કલમ 190 અને 191 મુજબ શિક્ષાત્મક પગલાં લેવાય છે.
સામાન્ય નાગરિકો પર તંત્ર કડક પગલાં ભરે છે, જ્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરાઈ રહ્યો છે. મેયર, ડે.મ્યુ.કમિશનર, મામલતદાર સહિતના અધિકારીઓનાં વાહનો પર નિયમથી વિરુદ્ધ બુલબાર્સ લગાવી દેવાયા છે. બુલબાર્સને કારણે રાહદારીઓ, સાઇકલ, બાઈક સવારોને ગંભીર નુકસાન થવાનું જોખમ રહે છે. એક અભ્યાસ પ્રમાણે બુલબાર્સને કારણે કારની એરબેગના સેન્સર પણ યોગ્ય રીતે કામ નથી કરી શકતા. નિયમથી ઉપરવટ જઈ અધિકારીઓનાં વાહનો પર લાગેલા બુલબાર્સ સામે વર્ષોથી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી.
બુલબાર્સવાળાં વાહનો પકડાય તો ~1 હજાર સુધીના દંડની જોગવાઈ – જે.કે. પટેલ આરટીઓ, વડોદરા
સવાલ: કોઈ પણ વાહનો પર બુલબાર્સ લગાવી શકાય?
જવાબ : ના, મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 52 મુજબ કોઈ પણ વાહનો પર ક્રેશ ગાર્ડ/બુલબાર લગાવવા ગેરકાયદે છે.
સવાલ: આવાં વાહનો મળી આવે તો કાર્યવાહી થશે?
જવાબ : આરટીઓ તરફથી કાર્યવાહી કરવામાં આવે જ છે. બુલબાર્સવાળાં વાહનો મળી આવશે તો દંડ કરવામાં આવશે.
સવાલ: કેટલા રૂપિયાનો દંડ થાય છે?
જવાબ : ફોર વ્હીલ પર બુલબાર્સ લગાવાયેલા હોય તો રૂા.1 હજારના દંડની જોગવાઈ છે.
પ્રતિબંધ છતાં રોજ 25થી વધુ બુલબાર્સનું વેચાણ, મહિને રૂ.15 લાખથી વધુનું માર્કેટ
બુલબાર્સ વેચનાર દુકાનદારે નામ ન આપવાની શરતે કહ્યું કે, શહેરમાં મોટાભાગે મહાવીર ગાર્ડ કંપનીના બુલબાર્સ વેચાય છે. તે સિવાય એમટેક, ક્લાસીક, સી-ટ્રેક વગેરે કંપનીના વેચાય છે. બુલબાર્સ 3 હજારથી લઈને 15 હજાર સુધીના જોવા મળે છે. શહેરમાં રોજ 25થી 30 બુલબાર્સ વેચાતા હશે. મહિને બુલબાર્સનું 15 લાખથી વધુનું માર્કેટ છે.
આ અધિકારીઓની ગાડીઓ પર બુલબાર્સ
મેયર ,ડે.કલેક્ટર એસડીવીઓ-1 ,ડે.કલેક્ટર એસડીએમ ,ડે.મ્યુનિસિપલ કમિશનર (એડમિન) ,મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ એસએસજી ,ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સીએસ, ,મામલતદાર, વાઘોડિયા ,જોઈન્ટ ડિરેક્ટર વિજિલન્સ ,મામલતદાર શહેર (પશ્ચિમ) ,મામલતદાર શહેર (ઉત્તર) ,ડે.મ્યુનિસિપલ કમિશનર સિટી એન્જિ. ,પૂર્વ વિપક્ષ નેતા , મ્યુનિસિપલ સેક્રેટરી ,ડે.મ્યુનિસિપલ કમિશનર ,એડ. સિટી એન્જિનિયર ,ચીફ હેલ્થ ઓફિસર, વીએમસી અકસ્માતમાં ભોગ બનાર બુલબાર્સમાં ફસાઈ શકે છે
અકસ્માતમાં ભોગ બનાર બુલબાર્સમાં ફસાઈ શકે છે
બુલબાર્સને કારણે અકસ્માત દરમિયાન કોઈ વ્યક્તિ વાહન નીચે કચડાઈ અને ફસાઈ શકે છે. તેનાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થઈ શકે છે.,બુલબાર્સને કારણે વાહનનાં સેન્સર કામ કરતાં નથી. કેટલાક કિસ્સામાં એરબેગ્સ પણ ખૂલતી નથી. જેથી કારમાં સવાર લોકોને જીવનું જોખમ રહે છે.,અકસ્માત દરમિયાન બુલબાર્સથી વાહનને વધારે નુકસાન. કારના ડાયનેમિક્સને બદલી નાખે છે.,વાહન બુલબાર્સથી સુરક્ષિત રહેશે તેવું હોતું નથી.(પ્રકાશ પરીખ, ઓટોમોબાઈલ એક્સપર્ટ)
.