નવસારી26 મિનિટ પેહલાલેખક: ભદ્રેશ નાયક
- કૉપી લિંક
જયશંકર પ્લોટ નજીકના શોપિંગ સેન્ટરની 6 વર્ષથી હરાજી થઇ નથી.
- નવસારી શહેરમાં અંદાજે 7 કરોડના ખર્ચે 3 પ્રોજેક્ટ તૈયાર થયાને 3થી 11 વર્ષ થયા છતાંઅમલી થયા નથી અને ધોળા હાથી સમાન ઊભા છે
- 7 જેટલા મહત્વના પ્રોજેક્ટ, કામો માટે અનેક વખત ટેન્ડરીંગ કરવું પડતા વિલંબ, ત્રણેકમાં તો ટેન્ડરીંગના 4 યા 5 પ્રયત્ન કરવા પડ્યાં છે
નવસારી પાલિકાના અનેક નવા પ્રોજેક્ટમાં જ્યાં વિલંબ થઈ રહ્યો છે ત્યાં કેટલાક તૈયાર પ્રોજેક્ટ અટવાયા છે. નવસારી-વિજલપોર નગરપાલિકાએ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક પ્રોજેક્ટો નવા કર્યા છે તો વધુ નવા પ્રોજેક્ટનું આયોજન કર્યું પણ છે. આમ તો કેટલાક પ્રોજેક્ટ સમયસર થયા પણ છે પણ અનેક પ્રોજેક્ટ હાલ વિલંબાઈ રહ્યાં છે ત્યાં તૈયાર થયેલ 7 કરોડથી વધુના ખર્ચે બનેલ ત્રણેક પ્રોજેક્ટ અટવાયા છે.
સ્વિમીંગ પુલના અપગ્રેડેશનમાં વિલંબ થઇ રહ્યો છે.
મળતી માહિતી મુજબ પાલિકાના બાંધકામ વિભાગ, ડ્રેનેજ વિભાગ, સફાઈ વિભાગ, ગાર્ડન એન્ડ એમ્યુઝમેન્ટ વિભાગ વગેરેના બે યા ત્રણ નહીં પણ 7 જેટલા પ્રોજેક્ટમાં વિલંબ થયો છે. આ વિલંબનું મુખ્ય કારણ ટેન્ડરીંગ એક યા બે પ્રયત્ને સફળ થયું નથી. ત્રણેક પ્રોજેક્ટમાં તો 4 યા 5 વખત ટેન્ડરીંગ કરવું પડ્યું છે. ભાવ વધુ આવવા, શરતોની પૂર્તિ ન થવી સહિતના અનેક કારણો તેના માટે જવાબદાર છે. જ્યાં નવા પ્રોજેક્ટ યા કામમાં વિલંબ થઈ રહ્યું છે ત્યાં 7 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ 3 પ્રોજેક્ટ તો બની ગયાને 3થી 11 વર્ષ વિતી ગયા છે છતાં હજુ એક યા બીજા કારણે અમલી જ થઈ શક્યા નથી અને અટવાઈ પડ્યા છે એમ કહીએ તો ખોટું નથી.
તૈયાર પ્રોજેક્ટના અમલમાં વિલંબના વર્ષ
- નગરપાલિકા કચેરી પાછળ આવેલ શાકમાર્કેટની ઉપર બનાવવામાં આવેલ શોપિંગ સેન્ટરની દુકાનોની હરાજી (11 વર્ષ)
- જયશંકર પ્લોટ નજીકના શોપિંગ સેન્ટરના દુકાનોની હરાજી (6 વર્ષ)
- દુધિયા તળાવ વિસ્તારમાં ફાયર બ્રિગેડ નજીક જૂનો રંગવિહાર તોડી નવો બનાવાયેલ ઓપન રંગવિહાર ટાઉન હોલ (3 વર્ષ)
બે મોટા પ્રોજેક્ટોમાં વિલંબ પણ..
નવસારી-વિજલપોર નગરપાલિકામાં ભળેલ 8 ગામો માટે પાણી અને ડ્રેનેજ યોજના પાલિકાએ તૈયાર કરી હતી. આ ગામો પાલિકામાં ભળ્યાને 3 વર્ષ થયા છે અને આ યોજનામાં પણ થોડો વિલંબ થયો છે. જોકે તેનો ડી.પી.આર. બની 200 કરોડથી વધુની યોજનાને વહીવટી મંજૂરી હવે મળી જતા નજીકના દિવસમાં શરૂ થશે એમ જાણવા મળે છે.
ટેન્ડરીંગના વધુ પ્રયાસના આ પણ કારણ..
અમારા પબ્લીક વર્કસ કમિટીના કેટલાક કામોમાં S.O.R.ના જૂના ભાવ, કામ કરવાના સ્થળની કંડિશન વગેરેને લઇ ટેન્ડરીંગ એક પ્રયત્ને નહીં થતા વધુ કરવા પડે છે. બીજુ કે જયશંકર પ્લોટ નજીકના શોપિંગ સેન્ટરની દુકાનોની હરાજી માટે ‘બેઝ પ્રાઇઝ’ નક્કી કરવા નુડાને અપાયું છે. > જગદીશ મોદી, ચેરમેન, પબ્લીક વર્કસ કમિટી, નવસારી-વિજલપોર નગરપાલિકા
વધુ ટેન્ડરીંગના કારણે વિલંબિત પ્રોજેક્ટો
- વિવેકાનંદ તરણકુંડમાં નવા ફિલ્ટર પ્લાન્ટ ઈન્સ્ટોલેશન રિપેર, અપગ્રેડેશનની કામગીરી (3.65 કરોડ)
- ગધેવાન ડ્રેનેજ શાખાના પંપિંગ સ્ટેશનમાં સ્ટાફ ક્વાટર્સ, ઓફિસ બિલ્ડિંગ, કંપાઉન્ડ વોલ વગેરેની કામગીરી (2.74 કરોડ)
- શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદી ગટર નાંખવાનું કામ (23.69 લાખ)
- વિજલપોર નવી વસાહતમાં રસ્તા, પેવર બ્લોક, ડ્રેનેજનું કામ (1.26 કરોડ)
- તીઘરાના કાંકરીયા તળાવ ડેવલપમેન્ટનું કામ (1.27 કરોડ)
- દશેરા ટેકરી વિસ્તારમાં ડ્રેનેજ પાઇપલાઇનનું કામ (45 લાખ)
- રખડતા કૂતરાને વેક્સિનેશન રસી આપવાનું કામ (9 લાખ)
.