રાજકોટ24 મિનિટ પેહલા
- કૉપી લિંક
- મશીન અને સાધનનો વજન 2થી 12 કિલો, 100 લોકોની ટીમે દોઢ વર્ષ ઉઠાવેલી જહેમત રંગ લાવી
ચન્દ્રયાન- 3માં રાજકોટના ઉદ્યોગનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. સંદેશાની આપ-લે માટે ઉપયોગી એન્ટેનાની રિફ્લેક્ટર પેનલ અને તેમજ અન્ય જરૂરી મશીન, સાધનો અને તેની ડિઝાઈન રાજકોટના ઔદ્યોગિક એકમોમાં બની છે. જે પેનલ છે તે 5 માઈક્રોનની છે. આ પેનલ માત્ર દેશભરમાંથી માત્ર રાજકોટની જ કંપની બનાવી શકી છે. મશીન અને સાધનોનું વજન 2 કિલોથી લઇને 12 કિલો સુધીનું છે. આ બન્ને પાર્ટસ રાજકોટની બે અલગ- અલગ કંપનીમાં બન્યા છે અને અંદાજિત 100થી વધુ લોકોની ટીમે સમગ્ર મિશન પાર પાડ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા ઉદ્યોગપતિ સંદીપભાઈ સતાણી જણાવે છે કે, એન્ટેનાની પેનલ બનાવવા માટેનો ઓર્ડર આજથી ત્રણ વર્ષ પહેલાં આપવામાં આવ્યો હતો. પેનલ પાસ થઇ તે પહેલા દેશની અન્ય કંપનીએ નમૂના બનાવ્યા હતા. આ તમામ નમૂના 70 માઈક્રોન આરએમએસના હતા, પરંતુ તેમની ટીમે જે પેનલ બનાવી હતી જે સૌથી નાની હતી. નાના માપની અને યુનિક હોવાને કારણે ચન્દ્રયાન-3 માટે આ પ્રોડક્ટ પસંદ પામી હતી અને ત્યારબાદ ઓર્ડર મળ્યો હતો. પેનલ સંદેશો મોકલવા અને મેળવવા માટે એક મહત્ત્વનું સાધન ગણી શકાય. સરળ ભાષામાં કહીએ તો તે દૂરસંચાર માટેનું માધ્યમ છે. કામગીરીની સમીક્ષા માટે ઈસરોની ટીમ પણ રાજકોટ આવી હતી. માનવ શ્રમ અને મશીનની મદદથી આખી પેનલ તૈયાર થઈ છે. જેને તૈયાર થતા અંદાજિત 8 મહિનાનો સમય લાગ્યો છે.
જ્યારે મશીન, પાર્ટસ અને તેની ડિઝાઈન બનાવનાર ઉદ્યોગપતિ રૂપેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, તેને જે સાધનો અને મશીન બનાવ્યા છે તેનો ઉપયોગ સોલાર જનરેટ કરવા અને અન્ય રીતે થાય છે. આ માટે સૌથી પહેલા તો ટ્રેનિંગ આપવામાં આવી હતી. મશીનની કિંમત અંદાજિત 60 લાખ સુધીની છે. જ્યારે ટુલિંગ અને સોફ્ટવેરની કિંમત રૂ.10 લાખ સુધીની છે. જે સાધનો બનાવવામાં આવ્યા તેની સૌથી પહેલા એક ડિઝાઈન મોકલાઈ હતી અને તે ડિઝાઈનના આધારે સાધનો બનાવ્યા.
સાધનો તૈયાર થયા બાદ તેનું પરીક્ષણ અને કામગીરી નિહાળવામાં આવી તો તેમાં થોડી ખામી જોવા મળી. આથી આ અંગેની જાણ કરાઈ. તેની સાથે સાથે નવી ડિઝાઈન પણ તૈયાર કરીને મોકલાઈ. આ ડિઝાઈન – મશીન ત્રિવેન્દ્રપુરમ મોકલાયા હતા. ડિઝાઈન અને તેની કામગીરી નિષ્ણાતોએ નિહાળી. પછી ફાઈનલ થતા તે મુજબના સાધનો બનાવ્યા. આ સમગ્ર કામગીરીમાં તેની ટીમના અંદાજિત 30 લોકો હતા. આ સમગ્ર કામગીરીમાં અંદાજિત 10 મહિના જેટલો સમય લાગી ગયો છે.
મંગળયાન બાદ ચન્દ્રયાનમાં પણ રાજકોટનો હિસ્સો મહત્ત્વનો રહ્યો
રાજકોટ એ ઓટોમોબાઈલનું હબ ગણાય છે. અહીં જે પાર્ટસ બને છે તે દેશ-વિદેશમાં જાય છે અને સાઇકલથી લઇને લકઝુરિયસ કારમાં જાય છે, પરંતુ હવે રાજકોટ ડિફેન્સના સાધનો બનાવવા માટેનું હબ બની રહ્યું છે. મંગળયાન બાદ ચન્દ્રયાનમાં પણ રાજકોટના ઉદ્યોગનો હિસ્સો મહત્ત્વનો રહ્યો છે. રાજકોટમાં હાલમાં એરબસ માટેના પાર્ટસ બની રહ્યા છે. લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના અમૃતભાઈ ગઢિયા જણાવે છે કે, હવે ડિફેન્સના ક્ષેત્રમાં રાજકોટના ઘણા એકમો કાર્યરત છે. અહીં સાધનોથી લઈને મોટા મોટા મશીનો બને છે.
.