વડોદરા28 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડોદરાના ગોત્રી વિસ્તારમાં અકસ્માત કર્યાં બાદ નશામાં ચૂર કારચાલક યુવતીએ હોબાળો મચાવ્યો હતો. જે ઘટનાની જાણ પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવતીને પોલીસ સ્ટેશન લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યાં આ યુવતીએ પોલીસકર્મી અને હોમગાર્ડ જવાન સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. ફરજ પર હાજર પોલીસકર્મીઓને બેફામ ગાળો આપીને થપ્પડો પણ ઝીંકી દીધી હતી. આટલે ન અટકતા નશામાં ધૂત યુવતીએ વીડિયો ઉતારી રહેલા વ્યક્તિ સામે જઇને કહ્યું હતું કે, આ વીડિયોને પોસ્ટ કરજો અને નહીં કરો તો તમે….. કહી અપશબ્દો બોલ્યા હતાં. આ યુવતી વિરૂદ્ધમાં બે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મહિલા પોલીસકર્મી સાથે ગેરવર્તણૂક કરી
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં કારચાલક યુવતીએ ગઇકાલે રાત્રે 2 વાગ્યાની આસપાસ એક કારને ટક્કર મારી હતી. ગોત્રી વિસ્તારના મુખ્ય રોડ પર અકસ્માત થતાં ગોત્રી પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. જે બાદ યુવતીને કારમાંથી બહાર કાઢીને પોલીસ સ્ટેશન લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, યુવતીએ પોલીસની સાથે જવાને બદલે પહેલા તો ત્યાં હાજર મહિલા પોલીસકર્મી સાથે ગેરવર્તણૂક કરી હતી. જે બાદ વધુ ઉગ્ર બની પોલીસની કામગીરીમાં રૂકાવટ કરી અને કહ્યું કે, એક છોકરીને કંટ્રોલ કરવા માટે આટલા બધા પુરુષોની જરૂર પડે છે?
પોલીસકર્મીને થપ્પડો મારી દીધી
ત્યારબાદ વીડિયો ઉતારી રહેલા વ્યક્તિ સામે જઇને, આ વીડિયોને પોસ્ટ કરજો કહી ગાળો આપી હતી. આ ઉપરાંત અન્ય લોકોને જોઇને યુવતીએ કહ્યું હતું કે, તમે લોકોએ જે કર્યું છે, તમે કોઇ દિવસ ખૂશ નહીં રહો, તમે ખૂબ જ ખોટું કર્યું છે અને તમે ભોગવશો. યુવતીએ બેફામ ગાળાગાળી કરીને પોલીસકર્મી સાથે ઝપાઝપી કરીને થપ્પડો મારી દીધી હતી. આ ઉપરાંત ઉગ્રતા સાથે કહ્યું કે, કોઇની હિંમત હોય તો હાથ લગાડી જુઓ. યુવતીને પોલીસ લઇ જતી હતી, ત્યારે યુવતીએ કહ્યું હતું કે, પોલીસને મેં મારી તો છે ને. તમે ખોટા છો હું સાચી છું.
પુરુષ પોલીસકર્મીને થપ્પડો ઝીંકી.
યુવતીની અટકાયત કરી કાર જપ્ત કરીઃ પીઆઇ
ગોત્રી પોલીસ સ્ટેશનના પી.આઇ. એમ.આર. સંગાડાએ જણાવ્યું હતું કે, નશામાં ધૂત યુવતીને પકડીને ગોત્રી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી હતી. સાથે જ તેની કાર પણ જપ્ત કરવામાં આવી છે. યુવતીએ પોલીસની કામગીરીમાં રૂકાવટ કરી હતી અને હોબાળો મચાવ્યો હતો. આ મામલે અમે ગુનો નોંધીને યુવતીની અટકાયત કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.
માંડ-માંડ મહિલા પોલીસે તાબે કરી.
ડી ડિવિઝન પણ ફરિયાદ દાખલ
અન્ય ફરિયાદમાં ડી ડિવિઝનના એસીપી આર. ડી. કવાએ જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે ગોકુળનગર પાર્ટી પ્લોટની સામે પોલીસના કર્મચારીઓ ફરજ પર હતા. તે સમયે કોઇ મહિલા લોકો સાથે ઝઘડો કરે છે, તેવો મેસેજ મળ્યો હતો. જેથી અમારી મહિલા પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. ત્યાં પહોંચ્યા પછી જાણવા મળ્યું હતું કે, કારચાલક મહિલા નશો કરેલી હાલતમાં છે. જેથી આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
એસીપી આર. ડી. કવા.
મહિલા ક્યાંથી પાર્ટી કરીને આવી તેની તપાસ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ મહિલાએ પોલીસકર્મી અને હોમગાર્ડ જવાન સાથે પણ ગેરવર્તણૂક કરી હતી અને પોલીસની ફરજમાં રૂકાવટ ઉભી હતી. તે અંગે એક અલગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મહિલા ક્યાંથી પાર્ટી કરીને આવી હતી. તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
.