વડોદરાએક કલાક પેહલા
- કૉપી લિંક
દોઢ કરોડના ચેક રિટર્ન કેસની સુનાવણી સમયે દિવાળીપુરા કોર્ટ પરિસરમાં જ ફરિયાદી પર હુમલો કરનાર બહુચર્ચિત બિલ્ડર શફી ફ્રૂટવાલા અને માથાભારે જમાઈ સોફિયાન શેખની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે.
તેણે મારી જોડે ઠગાઈ કરી હતી
વડોદરા કોર્ટ પરિસરમાં જ હુમલાનો ભોગ બન્યા બાદ લોહીલુહાણ નિઝામ ચિશ્તીએ મીડિયાને જણાવ્યું કે, મારી અને બિલ્ડર શફી ફ્રૂટવાલાની ઓળખાણ થયા બાદ મેં તેના ધંધામાં રોકાણ માટે રૂપિયા આપ્યા હતા. જેની સામે આપેલા ચેક રીટર્ન થતાં અદાલતમાં ફરિયાદ કરી હતી, જેની આજે 138ની ફરિયાદ દાખલ કરી હતી. તેણે મારી જોડે ઠગાઈ કરી હતી.
શફી, જમાઈ અને તેનો છોકરા હતા, રિવોલ્વર પણ બતાવી હતી: નિઝામ
હુમલામાં ઘાયલ નિઝામ ચિશ્તીએ કહ્યું હતું કે, શફી, તેનો જમાઇ સોફિયાન અને પુત્ર ત્રણેય હતા. હૈદરભાઇ મારી જોડે હતા. હૈદરભાઇને માર્યા પછી મને દૂરથી રિવોલ્વર બતાવી અને ઇશારો કરી મને મારવા માંડ્યા. તેના હાથમાં લોખંડની ફેંટ હતી. તેણે કહ્યું કે, તને જીવવા નહિ દઉં, મારી નાખીશ. મને લોહી નીકળતું હોવાથી હું ગભરાઈ ગયો હતો.
FIRમાં રિવોલ્વરનો ઉલ્લેખ નથી
ગોત્રી પોલીસે નિઝામની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે, જેમાં આરોપી તરીકે શફી અબ્દુલ રહેમાન શેખ (રહે. તાંદલજા) અને જમાઈ સોફિયાન શેખ સામે આઈપીસી 324, 323, 506, 114 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધ્યો છે, જેમાં બંદૂકનો ઉલ્લેખ નથી.
આરોપી અને તેની સાથેના લોકોએ હુમલો કર્યો
ફરિયાદીના વકીલે જણાવ્યું કે, 138ની ફરિયાદ હતી. આરોપી અને તેની સાથે આવેલા માણસોએ હુમલો કર્યો છે. ફરિયાદીએ આરોપી સામે દોઢ કરોડના ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી હતી. જેમાં શફી ફ્રૂટવાલાએ આપેલા ચેક પરત ફરતાં કેસ કરાયો હતો.
હુમલા બાદ હૈદરના ભાઈનો ઓડિયો વાઇરલ
હુમલા બાદ હૈદરના ભાઈની ઓડિયો ક્લિપ વાઇરલ થઈ હતી. જેમાં શફીના પુત્ર સરફરાજને મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું જણાયું હતું. બીજી તરફ મોડી રાત્રે શફીના પરિવારજનો પોલીસ મથકમાં ફરિયાદ કરવા દોડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. અલબત્ત, આ સંદર્ભે કોઈ કાર્યવાહી થઈ નથી.
શફી સામે અગાઉ પણ ફરિયાદો થઈ હતી
મુસ્લિમ બિલ્ડરોમાં મોટું નામ ધરાવતો શફી ફ્રૂટવાલા નોટબંધી સમયથી ચર્ચામાં આવ્યો હતો. અગાઉ સિટી પોલીસ મથક સહિત જેપી પોલીસ મથકે પણ તેની સામે ફરિયાદો થઈ હતી અને કેટલીક સ્કીમો પણ અગાઉ વિવાદોમાં આવી ચૂકી છે.
.