રાજકોટ7 કલાક પેહલા
- કૉપી લિંક
મણીપુરની ઘટના અને ગુજરાતમાં અનુ.જાતિ હત્યાકાંડ તેમજ અત્યાચારના વિરોધમાં બહુજન સમાજ પાર્ટી દ્વારા આજે કલેકટરે મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવાયું હતું. જેમાં મુખ્યમંત્રી પટેલ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગ કરાઈ હતી. બહુજન પાર્ટીના મહાસચીવ ચમનભાઈ સવસાણીએ જણાવ્યું હતું.કે મણીપુરમાં સામાજીક બળાત્કાર અને જાતીય હિંસા વધી છે. જેના પગેલ વૈશ્ર્વિક સ્તરે ભારતની છબી ખરડાઈ છે. ગુજરાતમાં પણ વધી રહેલા અનુસુચિત જાતિ હત્યાકાંડો અને અત્યાચારોને રોકવામાં મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નિષ્ફળ નિવડયાં હોય અહી માનવોની ખૂલ્લેઆમ હત્યાઓ થાય છે. પ્રજા અસલામતીનો અહેસાસ કરી રહી છે. ત્યારે આ બાબતે તત્કાલ પગલા લેવા જરૂરી છે. અને જો પગલાં ન લેવાય તો મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીએ રાજીનામુ આપી દેવું જોઈએ.
મનપાની ત્રણેય ઝોન ઓફિસોમાં જનસંપર્ક કાર્યાલય ખોલવા તૈયારી શરૂ
મનપા કચેરીમાં આવતા લોકોને જરૂરી માહિતી તેમજ માર્ગદર્શન મળી જાય તે માટે અંતે મ્યુ. કમિશ્નર આનંદ પટેલે ત્રણે ઝોન કચેરીમાં જનસંપર્ક કાર્યાલય ખોલવા નિર્ણય લીધો છે. આ અંગે તેઓએ જણાવ્યું હતું કે, મનપા કચેરીમાં પ્રાથમિક સુવિધાઓ, રોજિંદા કામ, અરજીઓ, યોજનાના લાભ જેવી માહિતી સરળતાથી મળે અને અરજી કરવામાં પણ મદદ મળે તે માટે ત્રણે ઝોન ઓફિસમાં જનસંપર્ક કાર્યાલય ખોલવા નકકી કરવામાં આવ્યું છે. કોઇ નાગરિકને યોજનાની માહિતી મળે, ફોર્મ ભરવાની જરૂર હોય ત્યારે પણ કર્મચારીઓ હાજર હોય તેવી સિસ્ટમ ઉભી કરવામાં આવશે. એક રીતનું હેલ્પ ડેસ્ક ત્રણે ઝોન કચેરીમાં તુરંત એકટીવ થશે. આ માટે અધિકારી અને કર્મચારીની નિમણુંકના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં સેન્ટ્રલ ઝોનમાં નોડલ અધિકારી તરીકે ભૂમિ એચ. પરમાર, વેસ્ટ ઝોનમાં નિરજ એમ. વ્યાસ અને ઇસ્ટ ઝોનમાં મયુર ડી.ખીમસુરીયાની નિમણુંક કરવામાં આવી છે. અને ત્રણે ઝોનમાં અનુક્રમે મદદનીશ અધિકારી તરીકે મહેશ વાગડીયા, રવિન્દ્ર પંડયા અને પદ્માબેન ભટ્ટનો ઓર્ડર કરવામાં આવ્યો છે.
લોકમેળામાં લારી-ગલ્લાઓ પર રોક લગાવવા પ્રાંત અધિકારીને રજૂઆત
રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત લોકમેળામાં લારી-ગલ્લા અને પાથરણાવાળાઓના પ્રવેશ પર રોક લગાવવાની માંગણી સાથે વેપારીઓ દ્વારા આજે પ્રાંત અધિકારી ચૌધરીને રજુઆત કરવામાં આવી હતી. વેપારીઓ દ્વારા જણાવાયું હતું કે લોકમેળામાં પ્રતિ વર્ષ લારી-ગલ્લા અને પાથરણાવાળાઓ વેપારીઓને ખુબ જ હેરાન-પરેશાન કરે છે. જેથી આ વખતે લોકમેળામાં લારી-ગલ્લા અને પાથરણાવાળાઓ પર રોક લગાવવી જોઈએ. સાથે જ ગત વર્ષે લોકમેળાનો સમય રાત્રીના 12 વાગ્યા સુધીનો હતો, જે આ વખતે તે સમય ઘટાડીને 10 વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે. તેથી રાત્રીનો સમય વધારી 12 કલાકનો કરવા ઉપરાંત બી-1 કોર્નર પ્લોટની અપસેટ પ્રાઇઝ ગતવર્ષની જેમ રૂ. 50 હજાર રાખવાની માંગ કરવામાં આવી હતી.
કલેક્ટર કચેરી ખાતે રેવન્યુ બોર્ડની બેઠક મળી, 65 કેસોની સુનાવણી કરાઈ
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે મહેસુલી બોર્ડ કલેકટર પ્રભવ જોશીની ઉપસ્થિતિમાં આયોજીત કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 65 કેસોની સુનાવણી કરવામાં આવી હતી. આ બોર્ડમાં સવારના સેશનમાં 35 કેસોનું હિયરીંગ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના પેડલા, રાવકી, જમનાવડ, રૈયા-2, જોધપર છલ્લા, આણંદપર, રાજકોટ પૂર્વ, વડાલી, લાઠ, માધાપર, હિરસરા, ચીભડા, ચાંદલી, થોરડી, રીબડા સહિતના વિસ્તારોના અપીલના કેસોની સુનાવણી આ બોર્ડમાં કરવામાં આવી હતી. બોર્ડમાં ખાસ કરીને શેઢા તકરાર, દબાણ સહિતના કેસો મુકવામાં આવેલ હતા. જોકે આ કેસોના ચુકાદા હાલ પેન્ડીંગ રાખવામાં આવ્યા છે.
.