વડોદરા8 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડોદરા શહેરમાં દારૂ વેચાણ માટે કુખ્યાત મનાતા વારસિયા વિસ્તારમાં આજે બુટલેગર લાલુ સિંધી દ્વારા મંગાવવામાં આવેલા દારુના જથ્થાનું કટીંગ ચાલી રહ્યું હતું. તે સમયે સ્ટેટ મોનીટરીંગ સેલ દરોડા પાડી રૂપિયા 5.80 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઉપરાંત પોલીસે 4 આરોપીઓની ધરપકડ સાથે 5 વાહનો મળીને ફુલ રૂપિયા 23 લાખનો મુદ્દામાલ કબજે કર્યા છે. પોલીસે આ બનાવમાં સુત્રધાર લાલુ સિંધી સહિત 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
વાહનો મૂકી ફરાર થઇ ગયા
મળેલી માહિતી અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલને શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા દારુના જથ્થાનું ગાયત્રી સોસાયટી પાસે આવેલા મેદાનમાં કટીંગ થઈ રહ્યું છે. જે માહિતીના આધારે SMCએ દરોડા પાડ્યા હતા. SMC એ યોજનાબદ્ધ રીતે દરોડા પાડતા દારુ લેવા માટે આવેલા બુટલેગરોના માણસોએ દોડધામ કરી મૂકી હતી. કેટલાક લોકો પોતાના વાહનો સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયા હતા.
વિવિધ વાહનો લઇને દારૂ લેવા માટે આવ્યા
ચાર આરોપીઓની ધરપકડ
SMCએ બાતમીના આધારે દરોડા પાડ્યા, ત્યારે બે બોલેરો પિકઅપ માંથી દારુનો જથ્થો ઉતારીને કાર તેમજ ચાર જેટલી રિક્ષામાં ભરવામાં આવી રહ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી વારસિયા વિસ્તારમાં રહેતો ગોપાલ મનોહરલાલ નથવાણી, વિનોદ તહેલારામ જગ્યાસી, શીતલદાસ મૂળચંદાની તેમજ આજવા રોડ એકતા નગરમાં રહેતો અનવર મન્સૂરી ઝડપાઇ ગયા હતા.
સુત્રધાર સહિત 9 વોન્ટેડ
સ્ટેટ મોનીટરીંગ સેલ સ્થળ પરથી 5,80,000નો દારૂનો જથ્થો તેમજ 4 ઓટો રીક્ષા, એક કાર, બે પિકઅપ ટેમ્પો, તેમજ એક ટુ વ્હીલર, મોબાઇલ ફોન વગેરે મળી કુલ રૂપિયા 23,37,030 ન મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આ ગુનામાં દારુનો જથ્થો મંગાવી ડિલિવરી કરી રહેલા કુખ્યાત બુટલેગર લાલચંદ ઉર્ફે લાલુ હેમંત દાસ ખાનાની, મુકેશ મખ્ખી જાની, ગિરીશ ઉર્ફે ગિરી સેવકલાલ પહેલવાણી સહિત બે બોલેરો પિકઅપના માલિક, ક્રેટા કારનો માલિક, એક ઓટો રિક્ષાનો માલિક તેમજ દારૂ મોકલનાર એમ મળીને કુલ 9 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.
PSIની બદલી થઇ
ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલા પણ વારસિયા પોલીસ મથક વિસ્તારમાં SMC દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 300 પેટી ભારતીય બનાવટનો દારૂ જથ્થો મળી આવ્યો હતો. જે તે સમયે એક PSIને જવાબદાર ગણીને તેઓની ટ્રાફિકમાં બદલી કરી દેવામાં આવી હતી. જ્યારે આજે ફરી એકવાર વારસીયા પોલીસના નાક નીચે ચાલતા દારુના કટિંગ પર SMCએ દરોડા પાડી રૂપિયા 23 લાખો મુદ્દામાલ કબજે કરતા ચકચાર મચી ગઇ હતી.
.