પંચમહાલ (ગોધરા)26 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજરોજ ગોધરા શહેરના પોલીસ હેડ કવાર્ટરમાં આવેલ જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની અધ્યક્ષ સ્થાને આયોજન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં અગામી 15મી ઓગસ્ટને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 13 ઓગસ્ટના રોજ ગોધરા શહેરના મુખ્ય માર્ગો પર પાંચ કિ.મી લાંબી તિરંગા યાત્રાનું આયોજન રાખવામાં આવેલ છે. જેમાં મોટી સંખ્યામાં ગોધરાના નાગરિકો જોડાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ગોધરા શહેરમાં આગામી 13મી ઓગસ્ટ ના રોજ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન રાખવામાં આવેલ છે. જેમાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, એનએસએસના સ્વયંસેવકો, એનસીસીના કેડેટ જિલ્લા પોલીસ તંત્રના જવાનો, એસ.આર.પી ગ્રુપના જવાનો, હોમગાર્ડ જીઆરડીના જવાનો તેમજ ગોધરા શહેરના નાગરિકો આ પાંચ કિ.મી ભવ્ય તિરંગા યાત્રામાં જોડાશે. તિરંગા યાત્રા દરમિયાન વિવિધ વિસ્તારોમાં આઝાદીમાં બલિદાન આપનાર રાષ્ટ્રભક્તોની પ્રતિમાને મૂકીને દેશની આઝાદીની ઝાંખી કરવામાં આવશે. તેમજ વિવિધ સંગઠનો દ્વારા વિવિધ વિસ્તારોમાં સ્વાગત કરવામાં આવશે.
ગોધરા શહેરમાં સૌપ્રથમ વખત પાંચ કી.મી સુધી યોજનાર તિરંગા યાત્રામાં જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા 8000 જેટલા ઝંડાઓ એકત્ર કરવામાં આવ્યા છે અને આ તિરંગા યાત્રા દરમિયાન પોલીસ જવાનો દ્વારા 8,000 ઝંડાઓનું ભવ્ય નિદર્શન કરવામાં આવશે. આ ઉપરાંત ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા પણ 15,000 જેટલા ઝંડાઓને એકત્ર કરવામાં આવ્યા છે. 15મી ઓગસ્ટના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણીના ભાગ રૂપે ગોધરા શહેરને દરેક સરકારી કચેરીઓમાં રોશનીથી જગ મગાવવામાં આવશે અને દરેક ગોધરા શહેરના નાગરિકો પોતાના ઘરે તિરંગા લગાવી અને મેરી મિટ્ટી મેરા દેશ હર ઘર તિરંગાના આઝાદીના પર્વને સાર્થક કરે તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા હાકલ કરવામાં આવી છે.
આ કાર્યક્રમ અંતર્ગત ગોધરા શહેરના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, ડીવાયએસપી પી.આર.રાઠોડ એ અને બી-ડિવિઝન તેમજ એલઆઈબી પીઆઈ, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના રજીસ્ટાર અનિલ સોલંકી કે.ટી પરીખ, રફીક તિજોરીવાલા, આનંદ ઘડિયાળી, કુલદીપસિંહ, રમજાની જુજારા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ડીવાયએસપી પી.આર રાઠોડ એ આવેલ તમામ મહેમાનોનું આભાર વિધિ કરી હતી.